પૅકેજિંગ : તૈયાર પાકો માલ ગ્રાહક સુધી પહોંચાડવા માટે તેના ઉપર યોગ્ય આવરણ ચઢાવીને તેનું રક્ષણ કરવાની પદ્ધતિ. ઉત્પાદકનું મુખ્ય ધ્યેય માલને ગ્રાહક સુધી પહોંચાડીને નફો કરવાનું હોય છે. આ માલની હેરફેર સરળ તથા સલામત બનાવવા, માલમાં ભેળસેળ થતી અટકાવવા અને ગ્રાહકોને આકર્ષવા માટે શીશીઓ, ડબ્બા-ડબ્બીઓ, બંડલો, ખોખાં અને પેટીઓમાં માલનું પૅકિંગ કરવામાં આવે છે. તૈયાર માલ ગ્રાહકો વાપરી શકે તેવાં ડબ્બા-ડબ્બીઓ અને શીશીઓમાં પૅકિંગ કરવામાં આવે તેને પ્રાથમિક પૅકિંગ અને તેમની સુરક્ષિતતા માટે બંડલો, ખોખાં અને પેટીઓમાં પૅકિંગ કરવામાં આવે તેને દ્વિતીય તબક્કાનું પૅકિંગ કહે છે. પૅકિંગ ઉપર માલના વપરાશ અંગે સૂચનાઓ આપવાથી, ગ્રાહકોને માલ વાપરવામાં અનુકૂળતા રહે છે.

પૅકેજિંગ વેચાણ-વૃદ્ધિનો અભિગમ ધરાવે છે, કારણ કે ગ્રાહકો એમ માનતા થયા છે કે ગુણવત્તાવાળી પેદાશ હંમેશાં સારા પૅકિંગમાં હોય છે. પેદાશની ઓળખ લાંબા ગાળે તેના પૅકિંગ દ્વારા થવા માંડે છે. તેથી એક વાર પૅકિંગ નિશ્ચિત કર્યા પછી ઉત્પાદકો તેમાં ઝડપથી ફેરફાર કરતા નથી. કાલક્રમે પૅકિંગમાં ફેરફાર કરવાનું આવશ્યક બને તો તેઓ લાંબો વિચાર કરીને ફેરફાર કરે છે અને કેટલાક સમય સુધી તેની પૂરતી જાહેરાત કરે છે. પૅકિંગ-ખર્ચ મર્યાદિત રખાય છે, જેથી મૂળ પેદાશની કિંમતમાં ખૂબ વધારો થઈ જાય નહિ. આધુનિક સમયમાં સેલોફોન અને પ્લાસ્ટિકનો ઉપયોગ પૅકિંગના સાધન તરીકે વધવા માંડ્યો છે. આ જાતનું પૅકિંગ સસ્તું અને આકર્ષક હોય છે, તેને વિવિધ રંગો આપી શકાય છે, તેની ઉપર જાહેરખબર છાપી શકાય છે અને વજનમાં હલકું તેમજ ચીકણું હોવાથી જલદી ફાટતું નથી અને ભેજ સામે રક્ષણ આપે છે.

રાજેશકુમાર મનુભાઈ જોશી