પેક, ગ્રેગરી (જ. 5 એપ્રિલ 1916, લા જોલા, કૅલિફૉર્નિયા; અ. 12 જૂન 2003, લૉસ એન્જિલસ કૅલિફૉર્નિયા) : અમેરિકાના ફિલ્મ અભિનેતા. ન્યૂયૉર્કમાંના નેબરહૂડ પ્લેહાઉસમાં 2 વર્ષ અભિનયપ્રવૃત્તિ કર્યા પછી 1942માં તેમણે બ્રૉડવે પર સર્વપ્રથમ અભિનય કર્યો; તે સાથે જ તેમને ફિલ્મ-અભિનય માટે ઢગલાબંધ પ્રસ્તાવ મળ્યા. યુદ્ધોત્તર સમયના તેઓ એક મહત્ત્વના સ્વતંત્ર ફિલ્મ-અભિનેતા લેખાવા લાગ્યા. તેમની મનોહર અને સૌમ્ય નજર તથા માર્દવપૂર્ણ સંવાદ-છટા તેમની પોતીકી સંવાદશૈલીનાં આકર્ષક પાસાં હતાં. પરિણામે તે મહત્ત્વની અનેક ભૂમિકાઓ સફળતાપૂર્વક ભજવી શક્યા.
ઑસ્કાર ઍવૉર્ડ માટે તેમનું નામ પાંચ વાર નિયુક્તિ પામ્યું હતું અને છેવટે ‘ટુ કિલ એ મૉકિંગ બર્ડ’ માટે તેમને 1962માં ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો. તેમનાં સૌથી જાણીતાં ચલચિત્રોમાં ‘સ્પેલબાઉન્ડ’ (1945), ‘ધ ગૉડફાધર’ (1950) અને ‘ધી ઓમેન’ (1976) ઉલ્લેખનીય છે. તેમણે નિર્માણ કરેલી ફિલ્મોમાં પોતાની ઉદારમતવાદી રાજકીય વિચારસરણીને આલેખતું ચલચિત્ર ‘ધ ટ્રાયલ ઑવ્ ધ કેટન્સવિલ નાઇન’ (1972) મહત્ત્વનું છે. તેમને ધ મેડલ ઑવ્ ફ્રીડમ ઍવૉર્ડ તથા માનવતાવાદી પ્રવૃત્તિ અંગેનાં ઘણાં સન્માન મળેલાં છે. માઇકલ ફ્રીડલૅન્ડે લખેલી ‘ગ્રેગરી પેક’ નામની તેમની જીવનકથા 1980માં પ્રગટ થઈ હતી.
મહેશ ચોકસી