પેઇન્ટર, બાબુરાવ (જ. 3 જૂન 1890, કોલ્હાપુર; અ. 16 જાન્યુઆરી 1954, કોલ્હાપુર) : હિંદી ચલચિત્રોના નિર્માતા, નિર્દેશક અને છબીકાર. ભારતીય સિનેમાના ઇતિહાસમાં બાબુરાવ પેઇન્ટર ‘સિને કેસરી’ તરીકે જાણીતા હતા. તેમનું ખરું નામ બાબુરાવ કૃષ્ણરાવ મિસ્ત્રી હતું. કોલ્હાપુરમાં સ્થપતિ પિતાને ત્યાં જન્મ થયો હતો. બાબુરાવે બચપણથી મૂર્તિકલાનું જ્ઞાન મેળવ્યું. યુવાનવયે નાટકોના પડદા રંગતા થયા. નાટક કરતાં તેમના રંગેલા પડદાઓ વધુ વખણાતા. 1915-16માં મુંબઈની નાટકમંડળીઓ સાથે જોડાયા એ અરસામાં અંગ્રેજી ફિલ્મો જોઈને ફિલ્મનિર્માણમાં ઝંપલાવ્યું. પત્નીનાં કંગન ગીરો મૂકીને જૂનું વિદેશી પ્રોજેક્ટર ખરીદી લાવી તેનું કૅમેરામાં રૂપાંતર કર્યું. પ્રયોગાત્મક લઘુચિત્ર ‘ગુડનાઇટ’નું નિર્માણ કર્યું, પણ ફોટોગ્રાફીથી સંતોષ ન થયો. ભારતનો પહેલો દેશી કૅમેરા બાબુરાવે બનાવ્યો. 1918ના મુંબઈ કૉગ્રેસ અધિવેશનની એક રીલ આ કૅમેરાથી તૈયાર કરી અને નામના મેળવી. ધનાઢ્ય મહિલા તાનાબાઈના આર્થિક સહયોગથી કોલ્હાપુરમાં મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીની સ્થાપના કરી. 1919માં આ કંપની દ્વારા દેશી કૅમેરાથી બાબુરાવે પ્રથમ ફિલ્મ ‘સૈરંધ્રી’નું નિર્માણ કર્યું. ફિલ્મમાં ભીમ-કીચક યુદ્ધનું દૃશ્ય એટલું જીવંત અને અસરકારક હતું કે દર્શકો બેહોશ થઈ જતા. તેથી સેન્સર બોર્ડને આ દૃશ્ય કાપી નાખવું પડ્યું. ચીતરેલા પડદાને સ્થાને સેટનિર્માણની પદ્ધતિ આ ફિલ્મથી શરૂ થઈ. ફિલ્મની જાહેરાત માટે પોસ્ટરનો ઉપયોગ પણ પ્રથમ વાર આ ફિલ્મથી થયો. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ફિલ્મથી પ્રભાવિત થઈને બાબુરાવને ‘સિને કેસરી’નું બિરુદ આપ્યું. 1932 સુધી તેમણે 19 મૂંગી ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું : ‘સૈરંધ્રી’, ‘સુરેખાહરણ’, ‘ભગવદભક્ત દામાજી’, ‘સિંહગઢ’, ‘શ્રીકૃષ્ણ અવતાર’, ‘સતી પદ્મિની’, ‘કલ્યાણ ખજિના’, ‘શહનશાહ’, ‘રાણા હમીર’, ‘માયાબાજાર (‘વત્સલાહરણ’), ‘સાવકારી પાશ’, ‘ગજગૌરી’, ‘ભક્ત પ્રહ્લાદ’, ‘મુરલીવાલા’, ‘સતી સાવિત્રી’, ‘બાજી દેશપાંડે’, ‘લંકા’, ‘રાની રૂપમતી’ અને ‘પ્રેમસંગમ’. વી. શાંતારામે પોતાની કારકિર્દી ‘સુરેખાહરણ’ ફિલ્મમાં કૃષ્ણની ભૂમિકા ભજવીને શરૂ કરી હતી. ફિલ્માંકન-સમયે રિફ્લેક્ટરોનો ઉપયોગ પ્રથમ વાર ‘સિંહગઢ’માં બાબુરાવે કર્યો. ‘માયાબાજાર’ (1924) ફિલ્મમાં પ્રથમ વાર ટ્રિક-ફોટોગ્રાફીનો ઉપયોગ થયો. તેમાં ઘટોત્કચને વાદળોમાંથી પસાર થતો બતાવ્યો હતો. 1925માં ભારતની પ્રથમ યથાર્થવાદી ફિલ્મ ‘સાવકારી પાશ’નું નિર્માણ કર્યું.
1927માં ‘નેતાજી પાલકર’ ફિલ્મનું નિર્માણ કર્યું અને વી. શાંતારામને દિગ્દર્શનની જવાબદારી પ્રથમ વાર સોંપી. 1929માં ‘નિશાસુંદરી’(Midnight-Girl)નું દિગ્દર્શન મોતી બી. ગીડવાનીને સોંપ્યું. આ ફિલ્મ નિષ્ફળ ગઈ. આ જ વર્ષે ‘રાની રૂપમતી’ નામની છેલ્લી ફિલ્મ સાથે તેમની કંપની બંધ પડી. આનંદ પિક્ચર્સની ‘પ્રેમસંગમ’ (1932) તેમના દિગ્દર્શનવાળી છેલ્લી મૂંગી ફિલ્મ હતી. બોલપટનો જમાનો શરૂ થતાં ‘ઉષા’ (1935), ‘સાવકારી પાશ’ (1936), ‘પ્રતિભા’ તેમજ ‘સાધ્વી મીરાબાઈ’(1937)નું દિગ્દર્શન કર્યું. ‘સાધ્વી મીરાબાઈ’માં મરાઠી તખ્તાના જાણીતા અભિનેતા બાલગંધર્વે મીરાબાઈની ભૂમિકા ભજવી હતી. ‘રુક્મિણીસ્વયંવર’ (1946), ‘મતવાલા શાયર રામ જોશી’ (1947) અને ‘વિશ્ર્વામિત્ર’ (1952) એ ફિલ્મોનું પણ તેમણે દિગ્દર્શન કર્યું. ‘કલાત્મક ફિલ્મનિર્માણના પિતા’ તરીકે પણ બાબુરાવને ઓળખવામાં આવે છે.
હરીશ રઘુવંશી