પેઇન, ટૉમસ  (. 29 જાન્યુઆરી 1737, થેટફર્ડ, નૉરફોક પરગણું, ઇંગ્લૅન્ડ; . 8 જૂન 1809, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકા અને ફ્રાંસની ક્રાંતિઓમાં મહત્ત્વનું વૈચારિક પ્રદાન કરનાર અઢારમી સદીના અગ્રણી રાજકીય ચિંતક. પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે વ્યવસ્થિત શિક્ષણ ન પામી શકનાર પેઇનને ઘણી નાની વયે વહાણમાં ખલાસી તરીકે, ઇંગ્લૅન્ડના સરકારી આબકારી ખાતામાં કર્મચારી તરીકે તથા શાળામાં શિક્ષક તરીકે સામાન્ય નોકરીઓ સ્વીકારવી પડી. તેમના બિનપ્રણાલિકાગત વિચારો અને ચળવળિયા સ્વભાવને કારણે કોઈ પણ નોકરીમાં તેઓ લાંબું ટકી ન શક્યા. હાથ પર લીધેલા નાનામોટા ધંધાઓમાં પણ નિષ્ફળતા મળતાં તેમને નાદાર થવું પડ્યું.

ટૉમસ પેઇન

પોતાની કપરી આર્થિક સ્થિતિ સુધારવા બેન્જામિન ફ્રૅન્કલિનની ભલામણથી તેઓ 1774માં અમેરિકા ગયા. અહીં એક રાજકીય વિચારક અને લેખક તરીકેની તેમની કારકિર્દીની શરૂઆત થઈ. અમેરિકાનાં સંસ્થાનો અને ઇંગ્લૅન્ડ વચ્ચેના હિંસક સંઘર્ષમાં તેમણે સંસ્થાનોની સ્વતંત્રતાની હિમાયત અને ઇંગ્લૅન્ડની ટીકા કરતાં ચોપાનિયાં લખ્યાં. સાથે સાથે તેમણે અમેરિકામાં રહેતી કાળી પ્રજાના અધિકારો અને સમાનતા માટે પણ અવાજ ઉઠાવ્યો. 1776માં તેઓએ લખેલા ‘Common Sense’ નામના ચોપાનિયાથી ઘણા લોકપ્રિય થયા. સ્વાતંત્ર્ય માટેના યુદ્ધમાં તેમણે અમેરિકાના પક્ષે જનરલ ગ્રીનની ટુકડીમાં સક્રિય સૈનિક તરીકે પણ ઝુકાવ્યું. અમેરિકાની આઝાદી બાદ કૉગ્રેસની પરદેશ-ખાતાની સમિતિના સચિવ તરીકે તેઓ નિયુક્ત થયા; પરંતુ બાદમાં વૈચારિક મતભેદોને કારણે આ પદેથી તેમણે રાજીનામું આપ્યું. અમેરિકાના નવા બંધારણના ઘડતર અંગે પણ અન્ય અગ્રણીઓ સાથે તેમને ઉગ્ર મતભેદો થયા.

અમેરિકામાં હવે પોતાની બહુ જરૂર નથી રહી એવું જણાતાં પેઇન 1787માં ફ્રાંસ જતા રહ્યા. પૅરિસમાં રહી તેમણે ફ્રાંસના વિપ્લવવાદીઓને ઘણી સહાય કરી. ઇંગ્લૅન્ડના રાજનીતિજ્ઞ એડમંડ બર્કે કરેલી ફ્રેન્ચ ક્રાંતિની ટીકાના પ્રત્યુત્તર રૂપે 1791માં પેઇને પોતાના સમગ્ર રાજકીય અને સામાજિક વિચારના નિચોડરૂપ પુસ્તક ‘Rights of Man’ બે ભાગમાં પ્રસિદ્ધ કર્યું. તેમના આ સૌથી યાદગાર પુસ્તકમાં વ્યક્તિસ્વાતંત્ર્ય, લોકશાહી, આધુનિક વૈજ્ઞાનિક વિચારપદ્ધતિ અને ગરીબો માટે સમાનતાના સિદ્ધાંતોનો આવિષ્કાર થયેલો છે; સાથે તેમાં ઇંગ્લૅન્ડની રાજાશાહી અને સામંતશાહીનો પ્રબળ વિરોધ પણ વ્યક્ત થયો છે. આ પુસ્તકના વળતા પ્રવાહ રૂપે 1792માં ઇંગ્લૅન્ડે તેમના પર રાજદ્રોહનો ખટલો માંડી તેમની ઇંગ્લૅન્ડમાંથી હકાલપટ્ટી કરી હતી. ત્યારબાદ તેઓ ફરી ફ્રાન્સ જતા રહ્યા. ઑગસ્ટ, 1792માં ફ્રાન્સની રાષ્ટ્રીય ઍસેમ્બ્લીએ તેમને ફ્રાન્સનું નાગરિકત્વ આપ્યું.

ફ્રેન્ચ ક્રાંતિમાં તેમની અગ્રણી ભૂમિકા છતાં પૅરિસમાં જૅકોબિન સત્તા પર આવતાં તેમનું નાગરિકત્વ છીનવી લેવામાં આવ્યું અને તેમને દસ મહિના જેલમાં વિતાવવા પડ્યા. ત્યાં તેમની તબિયત ઘણી નાજુક થઈ ગઈ. અમેરિકાની સરકારની દરમિયાનગીરીથી જેલમાંથી છૂટ્યા અને ત્યાર બાદ ટૉમસ જેફરસનના આમંત્રણથી તેઓ 1802માં ફરી અમેરિકા ગયા; પરંતુ તેમના વિરોધીઓની પ્રવૃત્તિઓને કારણે તે ત્યાં કોઈ અર્થપૂર્ણ કાર્ય કરી શક્યા નહિ. જીવનનાં છેલ્લાં વર્ષો દરમિયાન તેમણે માનસિક યાતનાઓ ભોગવી. વ્યક્તિ-સ્વતંત્રતાને નૈસર્ગિક હક્ક ગણાવી, રાજાશાહી વિરુદ્ધ લોકશાહીનું પ્રતિપાદન કરતાં લૉક, ન્યૂટન અને રૂસોથી પ્રભાવિત તેમનાં મુખ્ય લખાણોમાં ઉપર્યુક્ત ‘કૉમન સેન્સ’, ‘રાઇટ્સ ઑવ્ મૅન’ ઉપરાંત ‘એઇજ ઑવ્ રીઝન’, ‘ડિસર્ટેશન ઑન ફર્સ્ટ પ્રિન્સિપલ્સ ઑવ્ ગવન્મેર્ર્ન્ટ’ વગેરેનો સમાવેશ થાય છે.

અમિત ધોળકિયા