પૂજા : હિન્દુ ધર્મ મુજબ દેવ, ગુરુ વગેરે પૂજ્ય અને સંમાન્ય વિભૂતિઓને પ્રસન્ન કરવા માટે તેમને ચંદન, પુષ્પ વગેરે ચડાવી કરવામાં આવતી આરાધના. પ્રાગૈતિહાસિક કાળથી મનુષ્ય જગતમાં થતી અનેક પ્રવૃત્તિઓને નવાઈભરી નજરે જોઈને તેની પાછળ રહેલા સંચાલક-તત્વની લીલા અનુભવી રહ્યો છે. જગતની સંચાલક-શક્તિ પોતાના પર કૃપા વરસાવે અને પોતાનું જીવન સફળ થાય, સરળતાથી પસાર થાય અને જગતમાં ફરી જન્મ ન લેવો પડે એટલા માટે એ સંચાલક – તત્વને – ઈશ્વરને પોતે આરાધી રહ્યો છે એવી સ્પષ્ટ સમજ એનામાં હોય છે. જુદા જુદા દેશોમાં, જુદી જુદી જાતિઓમાં આ આરાધના, પ્રાર્થના કે પૂજા જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જગતભરમાં ભારતીયોની પૂજા તેની સૂક્ષ્મ વિધિઓ અને વિવિધ પ્રકારોને કારણે કંઈક અનોખી રહી છે.
પૂજામાં દેવ, ગુરુ વગેરેનો કોઈક મોંઘેરા મહેમાનની જેમ સત્કાર કરવામાં આવે છે. ભારતમાં ષોડશોપચાર પૂજા ખૂબ જ મહત્વનો અને પ્રચલિત પ્રકાર છે. તેમાં મહેમાનની જેમ દેવને (1) આવાહન એટલે પોતાને ત્યાં પધારવા બોલાવવામાં આવે, (2) બેસવા માટે આસન આપવામાં આવે, (3) પાદ્ય એટલે પગ ધોવા માટે પાણી આપવામાં આવે, (4) અર્ઘ્ય એટલે થાક દૂર કરવા પાણી, દૂધ, દહીં, ઘી, સાકર, મધ વગેરે આપવામાં આવે અને સાથે મધુપર્ક પણ આપવામાં આવે, (5) આચમનીય એટલે પાણી આપવામાં આવે, (6) સ્નાન એટલે નવડાવવામાં આવે, (7) વસ્ત્ર એટલે પહેરવા માટે કપડાં આપવામાં આવે અને સાથે ઉપવીત એટલે જનોઈ પણ બદલાવવામાં આવે, (8) ગંધ એટલે શોભા માટે તિલક કરવામાં આવે અને તે સાથે અબીલ, ગુલાલ, સિંદૂર વગેરે લગાડવામાં આવે, (9) પુષ્પો અને તાજગી માટે આપવામાં આવે, (10) ધૂપ એટલે સુગંધિત દ્રવ્યોના ધુમાડાથી વાતાવરણને શુદ્ધ બનાવવામાં આવે, (11) દીપ એટલે પ્રકાશ માટે અને સાક્ષી તરીકે દીવો પ્રગટાવવામાં આવે, (12) નૈવેદ્ય એટલે ભોજન આપવામાં આવે, (13) તાંબૂલ એટલે મુખવાસ માટે પાન વગેરે આપવામાં આવે, (14) દક્ષિણા એટલે કીમતી વસ્તુ ભેટ ધરવામાં આવે, (15) પ્રદક્ષિણા એટલે આરતીને ગોળ ગોળ ફેરવવામાં આવે અને એ પછી આરતીને ફરતી ગોળ પાણીની ધારા કરવામાં આવે તથા દેવની ફરતે ગોળ ગોળ ફેરવવામાં આવે, (16) મંત્રપુષ્પાંજલિ એટલે મંત્ર બોલીને ફૂલ અર્પવામાં આવે. છેલ્લે, નમસ્કાર કરીને અતિથિની જેમ દેવને વિદાય આપવામાં આવે. ષોડશોપચાર પૂજાને બદલે તેમાંથી પાદ્ય, અર્ઘ્ય, આચમનીય, સ્નાન, મધુપર્ક, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય – એ દસ ઉપચારો કરીને થતી પૂજાને દશોપચાર પૂજા કહે છે; જ્યારે ફક્ત ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય – એ પાંચ ઉપચારોથી થતી પૂજાને પંચોપચાર પૂજા કહે છે. વળી તંત્રશાસ્ત્રમાં 18, 36 કે 64 ઉપચારોવાળી પૂજા પણ છે, જે તાંત્રિકો કરે છે.
ઉપચાર પછી પ્રયોજનને લીધે પણ પૂજાના ત્રણ પ્રકારો જાણીતા છે : ગણેશ, શિવ, રામ, કૃષ્ણ વગેરે દેવોની રોજ પૂજા કરવામાં આવે તે નિત્ય પૂજા કહેવાય. પુત્રજન્મ જેવા ચોક્કસ પ્રસંગોએ જે પૂજા કરવામાં આવે તેને નૈમિત્તિક પૂજા કહેવાય, જ્યારે અમુક ઇચ્છા ફળે એ આશયથી કરવામાં આવતી પૂજાને કામ્ય પૂજા કહેવામાં આવે છે.
ગુણને અનુસરીને પણ પૂજાના ત્રણ પ્રકારો પડે છે. : નિષ્કામ ભાવે, આડંબર વિના શુદ્ધ ભક્તિથી કરવામાં આવતી પૂજા સાત્ત્વિકી પૂજા કહેવાય. સકામ ભાવે, આડંબર સાથે કરવામાં આવતી પૂજા રાજસી પૂજા કહેવાય. વિધિ, ઉપચાર અને ભક્તિ વગરની, માત્ર દેખાવ માટે કરવામાં આવતી પૂજા તામસી પૂજા કહેવાય. ઈશ્વરની પૂજાનો એક અનોખો પ્રકાર પણ છે. તેમાં તમામ દેહને દેવરૂપ સમજી, તેની અંદર રહેલા આત્માને પોતાનું જ સ્વરૂપ સમજી, સર્વને અભયદાન આપવું એ સાચી ઈશ્વરપૂજા છે; કારણ કે એનાથી જન્મમરણ દૂર થઈ મોક્ષપ્રાપ્તિ થશે એવી શ્રદ્ધા હોય છે.
પૂજામાં બાહ્ય ભૂમિકાએ કરવામાં આવતા ઉપચારને શારીર પૂજા કહે છે. એ જ ઉપચારો અંત:કરણથી મનથી – કરવામાં આવે તો તેને આંતર કે માનસ પૂજા કહે છે. પૂજા ઘણું કરીને સગુણ કે સાકાર દેવની જ થાય છે, છતાં જ્ઞાની મનુષ્યો નિર્ગુણ કે નિરાકારની પૂજા પણ કરે છે. દેવ, ગુરુ, ઋષિ, પિતૃ, મનુષ્ય, ભૂતપ્રેતની જેમ મંત્ર, યંત્ર વગેરે અનેક વસ્તુઓની પૂજા કરવામાં આવે છે. વૈદિક યજ્ઞયાગાદિમાં હવિ આપીને કરવામાં આવતી દેવદેવીની પૂજા મુખ્ય છે.
રામાનુજના વિશિષ્ટાદ્વૈત મત મુજબ પૂજાની પૂર્વે બે અને પૂજા પતી ગયા પછી બે વિધિ કરવામાં આવે છે. પૂજા કરતાં પહેલાં દેવના સ્થળે સાફસૂફી થાય તેને અભિગમન-વિધિ કહે છે, જ્યારે એ પછી પૂજાની સામગ્રી એકત્ર કરે તેને ઉપાદાન-વિધિ કહે છે. પૂજાને તેઓ ઇજ્યા કહે છે. જ્યારે પૂજા પછી મંત્રનો જપ કે સૂક્તનો પાઠ કરે તેને સ્વાધ્યાય-વિધિ કહે છે, એ પછી જ્યારે અંતર્યામીનું ધ્યાન ધરવામાં આવે તેને યોગ-વિધિ કહે છે. પૂજા વડે મનની શાંતિ, શરીરનું આરોગ્ય અને અંતે ભગવાનની કૃપાથી મોક્ષ પણ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધા હિન્દુધર્મીઓ સેવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી