અત્તાર (જ. આશરે 1150-55, નિશાપુર, ઇરાન; અ. આશરે 1221-30, નિશાપુર ઇરાન) : ફારસી ગ્રંથકાર. પૂરું નામ અબૂ તાલિબ અથવા અબૂ હામિદ મોહંમદ બિન અબૂ બક્ર ઇબ્રાહીમ બિન મુસ્તફા બિન શાબાન. ખ્વાજા ફરીદુદ્દીન અત્તાર તરીકે વધારે જાણીતા છે. અત્તાર એટલે અત્તર વેચનાર. કેટલાકના મંતવ્ય પ્રમાણે તેઓ દવાઓ વેચતા હતા અને વૈદ્યનો ધંધો કરતા હતા. શેખ મજદુદ્દીન બગદાદી પાસેથી વૈદ્યકીય શાસ્ત્ર શીખ્યા હોવાનું મનાય છે. તેમણે રય, કૂફા, ઇજિપ્ત, સિરિયા, ભારત, મક્કા અને તુર્કસ્તાનનો પ્રવાસ કર્યો હતો અને છેવટે નિશાપુરમાં સ્થાયી થયા હતા. એમણે બાળ જલાલુદ્દીન રૂમી વિશે આશીર્વચન ઉચ્ચાર્યાં હોવાનું કહેવાય છે. કેટલાક વિદ્વાનો માને છે કે તેઓ 114 વર્ષ જીવ્યા હતા અને એમની કૃતિઓની સંખ્યા પણ કુર્આને શરીફના પારાઓની જેમ 114 જેટલી છે; પરંતુ ત્રીસ કૃતિઓનાં નામનો હવાલો મળે છે. ‘તઝકિરતુલ અવલિયા’ અને ‘મન્તકુત તય્ર’ એમના જાણીતા ગ્રંથો છે. એક મુઘલ સૈનિકે તેમની હત્યા કરી હોવાનું મનાય છે.
ઝુબેર કુરેશી