અત્તરસિંઘ (. 1 ફેબ્રુઆરી 1932, સાગરી, જિ. રાવલપિંડી) : પંજાબી ભાષાના સાહિત્યવિવેચક. પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાં મધ્યયુગીન ભારતીય સાહિત્યના બાબા ફરીદ સ્વાધ્યાયપીઠ(chair)ના પ્રાધ્યાપક. ભારતીય સાહિત્ય અકાદમી, નૅશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ વગેરે જેવી રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સલાહકાર તરીકે જોડાયેલા. 1983માં ‘પદ્મશ્રી’નું માન પામ્યા છે.

‘કાવ્યાધ્યયન’ (1959), ‘દૃષ્ટિકોણ’ (1963), ‘સમદર્શન’ (1975), ‘સાહિત્યસમવેદના’ (1984) – એ સાહિત્યવિવેચનનાં ચાર પુસ્તકો ઉપરાંત તેમણે વિવિધ રાષ્ટ્રીય અને વિદેશી સામયિકો વગેરેમાં પંજાબના સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસ વિશે તથા શીખ ધર્મ વિશે સંખ્યાબંધ લેખો લખ્યા છે. ઐતિહાસિક સિદ્ધાંતના નૈસર્ગિક વિનિયોગથી શરૂ કરીને પંજાબી સાહિત્યવિચારનાં લગભગ તમામ પ્રભાવક વલણોનો પડઘો તેમના લેખોમાં સંભળાય છે. તેમનું મુખ્ય વલણ સાહિત્યનાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂળિયાં પર ભાર મૂકવાનું છે.

ગુરુબક્ષસિંહ