પ્રૅક્સિટિલસ (ઈ. પૂ. ચોથી સદી) : પ્રશિષ્ટ કાળના ગ્રીક શિલ્પી. ગ્રીક કલાના પ્રશિષ્ટ યુગના શિલ્પી કૅફિસોડૉટસના પુત્ર.
પુરોગામીઓ ફિડિયાસ અને પૉલિક્લિટૉસથી પ્રૅક્સિટિલસ એ રીતે જુદા પડે છે કે પ્રૅક્સિટિલસ દ્વારા સર્જાયેલાં કાંસા અને આરસનાં શિલ્પોમાં અપૂર્વ લાવણ્ય અને નજાકત ઊતરેલી જોઈ શકાય છે. ચિત્રકાર નિકિયાસ તેમનાં શિલ્પો પર રંગરોગાન કરતા. પુરોગામી શિલ્પીઓએ રચેલી નગ્ન પુરુષની મૂર્તિઓમાં જોવા મળતી કઠોરતાભરી તંગ સ્નાયુબદ્ધતાને પ્રૅક્સિટિલસે સ્વરચિત શિલ્પોમાં હળવી કરી છે. તેથી કાંસા કે આરસના એમના શિલ્પમાં પણ ત્વચાની ઋજુતા અને માંસની મૃદુતાનો દર્શકને અહેસાસ થાય છે.
‘શિશુ ડાયૉનિસસને તેડીને ઊભેલો હર્મિસ’ એ શિલ્પને પ્રૅક્સિટિલસની શ્રેષ્ઠ કૃતિ ગણવામાં આવે છે. એ શિલ્પ ઑલિમ્પિયા ખાતે આવેલા હેરાના મંદિરમાંથી ઈ. સ. 1877માં મળી આવેલું. ત્રિભંગ અદામાં ઊભેલા હર્મિસ દેવે એક ઝાડના ઠૂંઠા પર ડાબા હાથની કોણી ટેકવી છે અને કોણી આગળ હાથમાં શિશુ ડાયૉનિસસ છે. શિલ્પમાં નજરે નહિ પડતા જમણા હાથે દ્રાક્ષનું ઝૂમખું કે શિશુને રમવા માટેનું અન્ય કોઈ સાધન પકડ્યું હોય તેવું અનુમાન છે. હર્મિસ સ્નાયુબદ્ધ છે. પણ તેના સ્નાયુ વચ્ચેની સીમારેખાઓ સ્પષ્ટ નહિ પણ ધૂંધળી છે. આથી હર્મિસના પૌરુષભર્યા દેહને નજાકત મળે છે.
પ્રસિદ્ધ કલાવિવેચક કિનિથ ક્લાર્કના મતે પુરુષના શારીરિક સૌંદર્ય માટેની ગ્રીક આસક્તિની ચરમસીમા આ શિલ્પમાં વ્યક્ત થઈ છે. પાતળા હોઠ, પાતળું નાક, ભ્રમર નીચે ઊંડા ખાડામાં બેસાડેલી આંખો, પાતળું મોં અને વાંકડિયાં જુલફાં હર્મિસના દેહસૌષ્ઠવને ઉઠાવ આપે છે.
ઈ. પૂ. પાંચમી સદી સુધી ગ્રીક કલામાં નગ્ન સ્ત્રીનું નિરૂપણ કરવામાં આવતું નહિ. ફિડિયાસ પછી થયેલા શિલ્પીઓ વસ્ત્રોને સાવ પાતળાં અને ત્વચાને ચીપકેલાં નિરૂપીને સ્ત્રીના દેહની નગ્નતાને ઉપસાવવા મથતા; પરંતુ એ પછી ચોથી સદીમાં (પારદર્શક વસ્ત્રોના અંચળા ફગાવીને) સ્ત્રીના નગ્ન દેહનું નિરૂપણ ગ્રીક કલામાં મુખ્ય વિષય બને છે. સ્ત્રીના નગ્ન દેહના લાવણ્યના આલેખનમાં પણ પ્રૅક્સિટિલસ તેમના પુરોગામીઓ કરતાં વિશેષ નિપુણ પુરવાર થયા છે.
ગ્રીક કલાના પ્રશિષ્ટ કાળના અન્ય શિલ્પીઓ સ્કૉપાઝ, ટિમૉથિયસ અને બ્રિયાક્સિસ સાથે પ્રૅક્સિટિલસે કારિયાની કબર પર કલાસજાવટ(decoration)નું કામ પણ કરેલું.
અમિતાભ મડિયા