પુસોં નિકલસ (જ. 15 જૂન 1594, નૉર્મન્ડી, ઉત્તર ફ્રાંસ; અ. 19 નવેમ્બર 1665 રોમ, ઇટાલી) : ફ્રાંસના પ્રસિદ્ધ ચિત્રકાર. આશરે 1612માં તેઓ પૅરિસ ગયા અને ફ્લેમિશ વ્યક્તિચિત્રકાર એલે પાસે તાલીમ મેળવી. 1621માં તે ફિલિપ દ શાંપેનના હાથ નીચે લક્સમ્બર્ગ પૅલસમાં સુશોભન કરવાના કામમાં જોડાયા. પ્રાચીન ગ્રેકો-રોમન અને ફ્રાંસના રાજદરબારમાં રહેલ ઇટાલિયન રેનેસાં કલાકૃતિઓની ગાઢ અસર તેમના પર થઈ હતી. 1624માં રોમ જઈ ડોમેનિકનોની શાતાદાયક રંગયોજના અને તેમના સ્વચ્છ, સરળ, સ્પષ્ટ તથા તેજસ્વી ચિત્રયોજનનો ઘેરો પ્રભાવ ઝીલ્યો, જે મૃત્યુ પર્યંત ટકી રહ્યો. 1628માં સેન્ટ પીટર્સ દેવળની યજ્ઞવેદી માટે ‘એરામસની શહીદી’ – એ નામક ચિત્ર કર્યું. આ ચિત્ર હવે વૅટિકનમાં છે.
ચિત્રો કરવા માટે તેઓ નાનકડું રમકડાનું સ્ટેજ રાખતા અને તેની પર મીણનાં નાનાં પૂતળાંને જરૂરી વસ્ત્રો પહેરાવી, તેમની ગોઠવણી કરી, તેમના પર ઇચ્છાનુસાર પ્રકાશ ફેંકી ચિત્રનું માળખું તૈયાર કરતા અને તેના પરથી ચિત્રો કરતા. તેમનાં ચિત્રોમાં બરૉક શૈલીનો આલંકારિક ભપકો નહિ, પણ બુદ્ધિયુક્ત સંયમ જોવા મળે છે અને તેથી જ તેઓ શિષ્ટવાદના પ્રખર પુરસ્કર્તા ગણાય છે. તેમણે શિષ્ટવાદને ગાંભીર્ય, અભિવ્યક્તિક્ષમતા અને હૃદયને હલબલાવી મૂકે તેવી દૃશ્યભાષાની એવી ચરમસીમાએ પહોંચાડ્યો કે જે અનન્ય બની રહે છે. તેમનાં શરૂઆતનાં ચિત્રોમાં એક જાતની કામમૂલક માદકતા જોવા મળે છે, જે પછીથી અદૃશ્ય થઈ જતી જોવાય છે. પોતાની કૃતિઓમાં તેઓ પ્રાચીન ગ્રેકો-રોમન શિલ્પનો સંદર્ભ વારંવાર લેતા અને ઘણી વાર મૌલિક સ્કૅચને બાજુએ પણ મૂકી દેતા.
પુસોં શિષ્ટવાદના સમર્થક હોવાથી તેમનાં ચિત્રોમાં પ્રત્યેક પાસું ગણતરીપૂર્વક યોજેલું અને અતિસંયમિત હોય છે. તેમનાં ચિત્રો ઘણી વાર શુષ્ક અને ભારેખમ વાતાવરણ ખડું કરે છે. પુસોંએ ચીતરેલ માનવઆકૃતિઓની અંગભંગિ ઘણી જ સૂચક અને ભાવની અભિવ્યક્તિ માટે સચોટ હોય છે. તેમનાં ચિત્રોમાં માનવ આકૃતિઓ ગતિમાન જોવા મળે છે ખરી, પરંતુઆ ગતિ ખૂબ સંયમિત હોય છે અને પાત્રોની ગોઠવણમાં અતિશય ગાણિતિક ચોકસાઈ જોવા મળે છે. તેમનાં ચિત્રો હૃદય કરતાં બુદ્ધિને વધુ સ્પર્શે એવાં છે, પણ લાગણીને દબાવવાનો સભાન પ્રયત્ન હોવા છતાં, તેમનાં ચિત્રોને ભાવશૂન્ય કે લાગણીહીન ભાગ્યે જ કહી શકાય. બરૉક શૈલીના ઘોડાપૂરમાં પુસોંએ શિષ્ટવાદને અભિવ્યક્તિ આપી એ ઘણી મોટી ઘટના કહેવાય.
તેમની રેખાની સ્પષ્ટતા તેમને તરત જ શિષ્ટ કલાકાર તરીકે છતા કરી દે છે. ચોકસાઈથી વ્યાખ્યાયિત ઘટકો અને ગણિતનો ઉપયોગ તેમનાં ચિત્રોને એક પ્રકારની બિનઅંગતતા બક્ષે છે. તેમનાં ચિત્રો નિસર્ગ, પ્રાચીન સ્થાપત્ય અને ધાર્મિક કે પ્રાચીન કથાનક રજૂ કરતા માનવસમૂહો વડે સંયોજન પામ્યાં હોય છે. નાજુક પ્રકાશ આ બધા જ ઘટકોને એક મખમલી પોત અર્પે છે અને ચિત્ર નયનરમ્ય બને છે.
અમિતાભ મડિયા