પુષ્પદંત : આશરે દસમા શતકમાં થઈ ગયેલા અપભ્રંશ ભાષાના મહાન જૈન કવિ. એમના પિતાનું નામ કેશવ અને માતાનું મુગ્ધાદેવી હતું. તેઓ વિદર્ભ પ્રદેશના હતા. જન્મે કાશ્યપ ગોત્રના શૈવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા, પરંતુ પાછળથી જૈન ધર્મના દિગંબર સંપ્રદાયની દીક્ષા લીધેલી. આથી તેમના પર બ્રાહ્મણ પરંપરાનાં સાંખ્ય, વેદાંત, મીમાંસા, બૌદ્ધ વગેરે દર્શનો તેમજ રામાયણ, મહાભારત, પુરાણો વગેરેના અભ્યાસના સંસ્કારો પડ્યા હતા, જે તેમની રચનાઓમાં જોવા મળે છે. તેમને कव्व-पिसल्ल, कव्व-रायणायर, सरसइणिलउ વગેરે વિશેષણોથી ઓળખવામાં આવ્યા છે. તેઓ ભૈરવ વીરરાજના આશ્રયમાં પહેલાં રહેતા હતા.

ત્યાં કોઈક પ્રસંગે અપમાન લાગતાં રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાની રાજધાની માનખેટમાં આવીને વસ્યા. એ રાજાના પ્રધાન ભરતની ભલામણથી પુષ્પદંતે तिसट्टिमहापुरिसगुणालंकार નામના મહાપુરાણની રચના કરેલી. તેમાં જૈન ધર્મના 63 શલાકાપુરુષોનાં ચરિત્રો વર્ણવવામાં આવ્યાં છે. એમણે ‘ણાયકુમારચરિઉ’ નામનું ખંડકાવ્ય જૈન ધર્મના પ્રચારના પ્રયોજનથી લખ્યું છે. એમાં અલૌકિક અને ચમત્કારિક ઘટનાઓ વર્ણવાઈ છે. તેમનું ‘જસહરચરિઉ’ નામનું કાવ્ય અહિંસાનું ઉપદેશક છે. પુષ્પદંતની કવિતારચના પ્રવાહી, અલંકૃત, ઓજસ્વી અને અર્થગૌરવપૂર્ણ હોવાથી હરિષેણ જેવા અનુગામી કવિઓએ પુષ્પદંતને ‘સરસ્વતીના પુત્ર’ કહી તેમની ખૂબ પ્રશંસા કરી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી