પુષ્ટિમાર્ગ : ભારતીય દર્શન શુદ્ધાદ્વૈતવાદના આધાર પર શ્રી વલ્લભાચાર્યે સ્થાપેલો ભક્તિનો સંપ્રદાય. ‘પુષ્ટિ’ એટલે ‘પોષણ’ અને ‘પોષણ’ એટલે ભગવાનનો અનુગ્રહ, ભગવાનની કૃપા (ભાગવત પુરાણ 2-10-4). ભારતીય ભક્તિમાર્ગ-ભાગવતમાર્ગ (મુખ્ય નામ ‘પાંચરાત્ર સંપ્રદાય’ તેમ ‘સાત્વત સંપ્રદાય’) ઈ. સ. પૂ. એક હજાર વર્ષ ઉપર વૈદિક હિંસામય યજ્ઞોની સામે ઊભો થયો અને વિષ્ણુનારાયણ તેમજ એમના વિવિધ અવતારોની અર્ચના-ઉપાસના-ષોડશોપચારપૂજાનો વૈષ્ણવમાર્ગ વિકસ્યો. એની પરંપરામાં શ્રી રામાનુજાચાર્યનો ‘શ્રીસંપ્રદાય’ (વેદાંત-સિદ્ધાંત : વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય), શ્રી વિષ્ણુસ્વામીનો ‘ભક્તિસંપ્રદાય’ (વેદાંત-સિદ્ધાંત : ‘શુદ્ધાદ્વૈત સંપ્રદાય’), શ્રી નિંબાર્કાચાર્યનો ‘ભક્તિસંપ્રદાય’ (વેદાંત-સિદ્ધાંત : ‘દ્વૈતાદ્વૈત’), શ્રી મધ્વાચાર્યનો ‘ભક્તિસંપ્રદાય’ (વેદાંત-સિદ્ધાંત : ‘દ્વૈત’) અને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો ‘પુષ્ટિસંપ્રદાય’ કિંવા ‘પુષ્ટિમાર્ગ’ (વેદાંત-સિદ્ધાંત : ‘અખંડબ્રહ્મવાદ’ કિંવા ‘શુદ્ધાદ્વૈત’)  આ સંપ્રદાયોનો અગિયારમી સદીથી પંદરમી સદી સુધીમાં વિકાસ થયો. બીજા ભક્તિસંપ્રદાયો ‘સાધનમાર્ગ’ કિંવા ‘મર્યાદામાર્ગ’ છે, અર્ચા-ઉપાસના-પૂજાના માર્ગ છે; ત્યારે શ્રી વલ્લભાચાર્યજીનો માર્ગ, ‘નિ:સાધન માર્ગ’ કિંવા ‘પુષ્ટિમાર્ગ’ છે. બેશક, એની પ્રક્રિયા તો નવધા ભક્તિની સાધનપ્રણાલીની છે; પરંતુ અંતિમ અભીષ્ટ લક્ષ્ય દેહાંતે ભગવલ્લીલાના સાહચર્યનું છે.

પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રી વલ્લભાચાર્ય

ભગવાન જેને પોતાનો કરવાની ઇચ્છા કરે છે તે જીવ જ ભગવાન તરફ ખેંચાઈને ભગવાનને શરણે જાય છે. આ વિચાર ઉપનિષત્કાલ જેટલો જૂનો છે. મુંડકોપનિષદ (3-2-3) જણાવે છે કે પરમ આત્મા મોટાં મોટાં ભાષણ કરવાથી મળતો નથી, બુદ્ધિથી મળતો નથી કે ઘણા જ્ઞાનથી મળતો નથી; એ તો જેને પોતાનો કરવાનું પસંદ કરે છે તે જીવને જ મળે છે; એવો જીવ જ પ્રભુને આત્મસમર્પણ-આત્મનિવેદન કરે છે. કઠોપનિષદમાં પણ આ જ મંત્ર (1-2-22) જોવા મળે છે.શ્રી વલ્લભાચાર્યજીના મતે આ આત્મસમર્પણી જીવો જ શુદ્ધ પુષ્ટિમાર્ગીય જીવો છે.

પુષ્ટિમાર્ગના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટેનાં પગથિયાં તરીકે નવધા ભક્તિ છે. તે સાધન છે. પ્રાચીન ઉપનિષત્કાલમાં ત્રણ ભક્તિપ્રકાર ભગવાનના સંદર્ભમાં નિર્દિષ્ટ થયેલા : ‘શ્રવણ કરવું’, ‘મનન કરવું’ અને ‘ધ્યાન ધરવું’. પરંતુ એનો વિકાસ પછીથી ભગવદગીતામાં થયેલો છે. નવમા અધ્યાયમાં ‘કીર્તનભક્તિ’, ‘શરણભક્તિ’, ‘નમનભક્તિ’ અને ‘અર્પણભક્તિ’ જેવાં સોપાનો જોવાં મળે છે; પરંતુ ભક્તિના નવ પ્રકાર પ્રથમ વાર ભાગવત (7-523)માં જોવા મળે છે; જેવાં કે ‘શ્રવણ’, ‘કીર્તન’, ‘સ્મરણ’, ‘પાદસેવન’, ‘અર્ચન’, ‘વંદન’, ‘દાસ્ય’ (દાસભાવથી સેવા), ‘સખ્ય’ (મિત્રભાવ) અને ‘આત્મસમર્પણ’. આ નવધા ભક્તિ હકીકતે પુષ્ટિમાર્ગીય ભક્તિમાંની ‘સાધનભક્તિ’ છે, પુષ્ટિભક્તિ નિષ્કામ પ્રકારની છે. તેમાં સકામતાને જરા જેટલું પણ સ્થાન નથી, કારણ કે પ્રભુના શરણ સિવાય બીજું કાંઈ તેમાં જરૂરનું હોતું નથી. આ સોપાનો સિદ્ધ થયા પછી અથવા તો એવાં કોઈ સોપાન સાધ્યા વિના જ પ્રભુમાં અનન્ય કોટિનો પ્રેમમૂલક અવિચ્છિન્ન ભાવ સતત જાગ્રત રહે એ જ ફલાત્મક ભક્તિ છે. આ પ્રેમલક્ષણા ભક્તિ એ જ નિ:સાધન અંતિમ અભીષ્ટ છે.

આ ભક્તિભૂમિકાનાં બીજ ભગવદગીતામાં સાડા ત્રણ હજાર વર્ષો ઉપર નંખાઈ ગયેલાં હતાં. તેમાં શ્રીકૃષ્ણ દ્વારા ‘ ‘મારામાં મન પરોવી, પરમ શ્રદ્ધાએ કરી, જેઓ સતત મને ભજી રહેલા છે, મારે શરણે આવીને રહેલા છે, તેઓ મને સૌથી વધુ વહાલા છે,”  એવું કહેવામાં આવ્યું છે. બારમા અધ્યાયમાં એવા ઉત્તમોત્તમ ભક્તોનો ખ્યાલ પણ આપવામાં આવ્યો છે. વાસ્તવમાં મર્યાદાનો સ્પર્શ હોય તેવા પણ ઉત્તમોત્તમ ભક્તોનું તાદૃશ સ્વરૂપ ભાગવત(11-14-18થી 24)માં જોવા મળે છે. ‘‘જે પુરુષની વાણી કંઠમાંથી અટકાતી નીકળે-ગળગળા સ્વરૂપે નીકળે, જેનું ચિત્ત પીગળી જાય, વારંવાર રુદન કરે, ક્યારેક હસે, લાજ છોડીને ઉચ્ચ સ્વરથી ગાવા લાગે અને નાચે, એવો મારો ભક્ત આખા જગતને પવિત્ર કરે છે.’’ ભાગવતના સાતમા સ્કંધ(અ. 4-37થી 41)માં તો પુષ્ટિમાર્ગીય ભક્તની ચરમકોટિ બતાવી છે; જેમ કે, ‘‘બાળસ્વભાવે ભગવાનમાં મન લાગવાથી રમકડાંને છોડી દેનાર, ઘેલા માણસની જેમ જગતની શરમ ન રાખનાર એવો પ્રહલાદ કૃષ્ણરૂપી ગ્રહથી પકડાયેલો હોઈ જગતના વિષયોને લૌકિક રીતે જોતો નહોતો. બેસતાં, ફરતાં, ખાતાં, સૂતાં, પાન કરતાં, બોલતાં ગોવિંદનું આલિંગન કરતો હોય એમ પ્રહ્લાદ આ જગતનું અનુસંધાન ભૂલી જતો. ક્યારેક ચિંતામાં ડૂબી જતો, રોવા લાગતો, ક્યારેક પ્રભુને યાદ કરીને હસી પડતો, તો ક્યારેક ઊંચેથી ગાવા લાગતો. ક્યારેક ઉત્કંઠાથી નાદ કરતો, ક્યારેક લાભ છોડીને નાચવા લાગતો. ક્યારેક એની ભાવનાથી એનું અનુકરણ કરતો, ક્યારેક એના સ્પર્શે રોમાંચિત થઈ ચૂપ થઈ રહેતો, તો ક્યારેક સ્થિર પ્રેમથી આનંદનાં આંસુ આવતાં નેત્રો બંધ કરી લેતો.’’

લૌકિકમાં આવાં ઐતિહાસિક પાત્રો અસુલભ નહોતાં. મીરાંબાઈ અને  ગૌરાંગ ચૈતન્ય મહાપ્રભુજી આ પ્રકારનાં હોવાનું જાણીતું છે. લૌકિક કામકાજ કરતાં કરતાં પ્રહ્લાદના જેવી કક્ષાએ પહોંચી શકાય છે.

આ પ્રકારની ભક્તિની વિશિષ્ટતા એ છે કે તન્મયતાપૂર્વક મનોમન એ ભાવનાથી ભગવાનની સેવામાં (માનસી સેવામાં) નિમગ્ન બની જવાય છે. ભક્તિની આ ઉત્તમોત્તમ કોટિ છે. ભક્તકવિ દયારામના ‘ભક્તિપોષણ’માં તેનો નિર્દેશ છે.

જીવોના વિષયમાં શ્રી વલ્લભાચાર્યજીએ ગીતોક્ત ‘દૈવી’ અને ‘આસુરી’ એવા બે પ્રકારોનો સ્વીકાર કર્યો છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે આસુરી સંપત્તિ ધરાવતા 3 પેટાપ્રકારના અપવાદે કેવળ એક પ્રકારના જીવોનો કદી ઉદ્ધાર થતો નથી, જ્યારે દૈવી સંપત્તિના જીવોનો અધિકાર પ્રમાણે ઉદ્ધાર થાય છે. આ દૈવી સંપત્તિના પાછા ‘પુષ્ટિ’, ‘મર્યાદા’ અને ‘પ્રવાહ’ એવા ત્રણ ભેદ છે. એ ત્રણે મુખ્ય અને અરસપરસ મિશ્રણ થતાં નીચેના ભેદ જીવોના જોવા મળે છે :

પ્રવાહના 3 ભેદ મર્યાદાના 4 ભેદ પુષ્ટિના 4 ભેદ
1. કેવળ પ્રવાહ 4. શુદ્ધ મર્યાદા 8. શુદ્ધિ-પુષ્ટિ
2. પ્રવાહ-પુષ્ટિ 5. મર્યાદા-મર્યાદા 9. પુષ્ટિ-પુષ્ટિ
3. પ્રવાહ-મર્યાદા 6. મર્યાદા-પુષ્ટિ 10. પુષ્ટિ-મર્યાદા
7. મર્યાદા-પ્રવાહ 11. પુષ્ટિ-પ્રવાહ

આમાંથી ‘કેવળ પ્રવાહ’ એ ‘આસુરી’નો શુદ્ધ પ્રકારના જીવનો ઉદ્ધાર થતો નથી; બાકીના દસ પ્રકારોના જીવોનો થોડા કે લાંબા સમયે કક્ષા પ્રમાણે ઉદ્ધાર થાય છે. મિશ્રણમાં પહેલા પદમાં તેમની મુખ્યતા અને બીજા પદમાં બીજાની ગૌણતા સૂચવાય છે. આમાં શુદ્ધ-પુષ્ટિ એ જીવોની ઉચ્ચોચ્ચ કોટિ છે. આમાં ભગવાનની કૃપાની માત્રા અનુક્રમે વધતા પ્રમાણમાં જોવા મળે છે. જગતમાં શુદ્ધ-પુષ્ટિ જીવો વિરલ હોય છે. પુષ્ટિ-અનુગ્રહે જીવ જીવનમાં ભક્તિસાધનાનાં ક્રમિક સોપાનો ચડતાં ચડતાં પરમ શરણાગતિના આત્યંતિક પદને પ્રાપ્ત કરે છે.

પુષ્ટિમાર્ગીય દીક્ષાના બે પ્રકાર છે : (1) નામ-નિવેદન અને (2) બ્રહ્મ-સંબંધ-દીક્ષા. બાળકની બાલ્યાવસ્થામાં એની વયનો વિચાર ન કરતાં આચાર્ય-ગુરુ બાળકના જમણા કાનમાં ‘श्रीकृष्ण: शरणं मम’  એ અષ્ટાક્ષર મંત્રનું શ્રવણ કરાવી, બાળકના કંઠમાં તુલસીની કંઠી પહેરાવે છે. આમ, બાળકનો વૈષ્ણવી સંસ્કાર થાય છે. બાળક સમજણું થાય પછી ‘ગુરુ-આચાર્ય’ દ્વારા બ્રહ્મસંબંધ-દીક્ષાવિધિ સંપન્ન થાય છે. દીક્ષાર્થી પાસે નીચેનો મંત્ર બોલાવવામાં આવે છે :

”सहस्रपरिवत्सरमितकालजातकृष्णवियोगजनिततापक्लेशानन्दतिरोभावोडहं भगवते कृष्णाय देहेन्द्रियप्राणान्त:करणानि तद्धर्माश्च दारागारपुत्राप्तवित्तेहपराण्यात्मना सह समर्पयामि । दासोडहं, कृष्ण तवास्मि ।।”

(અસંખ્ય વર્ષોનો સમય વીતી જતાં થયેલા ભગવાનના વિયોગને લઈ થવા જોઈતા તાપ-ક્લેશ અને આનંદનો જેમાં તિરોભાવ થયો છે એવો હું (આ જીવ) દેહ-ઇંદ્રિય-પ્રાણ-અંત:કરણ અને ધર્મો તેમજ સ્ત્રી-ઘર-પુત્ર-સગાં-સંપત્તિ-ઐહિક અને પારલૌકિક સર્વ કાંઈ આત્માસહિત સમર્પિત કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું આપનો છું.)

આમ, આ દીક્ષા દ્વારા સંપૂર્ણ આત્મનિવેદન માટે જીવ પ્રેરિત થાય છે. તે તેનું સર્વસ્વ પરમાત્માને સમર્પિત કરે છે. લૌકિક વ્યવહારો કરતાં ગીતોક્ત અનાસક્તિથી જલકમલવત્ રહી ‘લોકસંગ્રહ’ કરવાના સંસ્કાર ભક્તમાં દૃઢ થઈને વિકસે છે. આમ આ માર્ગમાં ભગવત્-શરણ દ્વારા, પ્રભુપ્રેમ માટેની પૂર્ણ ત્યાગભાવના કેળવાય છે. એ રીતે વાસ્તવમાં આ માર્ગ ત્યાગનો છે, ભોગનો નથી.

આરંભમાં બતાવ્યું એ પ્રમાણે ભાગવતમાર્ગમાં વિષ્ણુ-નારાયણ અને એમના ભિન્ન ભિન્ન અવતારોની અર્ચના-ઉપાસના-ષોડશોપચાર પૂજાની પરંપરા ચાલુ હતી તેમાં આગળ વધેલા શ્રી રામાનુજાચાર્યે દક્ષિણ ભારતીય ઉપખંડમાં ચતુર્ભુજ વૈકુંઠ(‘વ્યંકટ’ કે ‘વેંકટ’)ની અર્ચનાપ્રણાલી વિકસાવી, તો કર્ણાટકમાં વિષ્ણુસ્વામીએ ‘નૃસિંહાવતાર’ને પ્રાધાન્ય આપ્યું, જેમાં પછી સમય પસાર થતાં એ સંપ્રદાયનાં ‘ગોપાલકૃષ્ણ’નાં મંદિરો કર્ણાટકમાં વ્યાપક બન્યાં. બેશક, શ્રી વલ્લભાચાર્યજી આવતાં એમને આશ્રયે એ સંપ્રદાયના અનુયાયીઓ ખેંચાયા. વિષ્ણુસ્વામી પછી દક્ષિણમાં જ શ્રી નિંબાર્કાચાર્યજી થયા; તેમણે પણ ‘ગોપાલકૃષ્ણ’ને ઇષ્ટ-દેવ તરીકે સ્વીકાર્યા, તો શ્રી મધ્વાચાર્યજીએ પણ એ જ ઇષ્ટદેવનો સ્વીકાર કર્યો. શ્રી ગોપાલકૃષ્ણના એક સ્વરૂપ શ્રી ગોવર્ધનધરને શ્રી વલ્લભાચાર્યજીએ સ્વીકાર્યા અને સાથે સાથે ભગવાન શ્રીકૃષ્ણના બાલસ્વરૂપની સેવારીતિનો આરંભ કર્યો; જેને અત્યંત વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું એમના પછી ગાદી ઉપર આવેલા એમના બીજા પુત્ર શ્રી વિઠ્ઠલનાથ ગોસાંઈજીએ. તેમણે નિત્યના આઠ સમયનો-સેવાદર્શનોનો ક્રમ બાંધી આપ્યો અને ભગવાન બાલકૃષ્ણની વિવિધ લીલાઓને વિષય બનાવીને હવેલી-સંગીતની સ્થાપના કરી. શ્રી વલ્લભાચાર્યજીના ચાર સેવક કુંભનદાસ, સૂરદાસ, પરમાનંદદાસ અને કૃષ્ણદાસ (ચરોતરના ગુજરાતી પાટીદાર) તથા શ્રી વિઠ્ઠલનાથજીના ચાર સેવક ચતુર્ભુજદાસ, નંદદાસ, ગોવિંદદાસ અને છીતસ્વામી ચોબે, ઉપરાંત અનેક ભક્ત કવિઓએ અનેક શાસ્ત્રીય રાગોમાં-સમય-સમયના રાગોમાં કાવ્યશાસ્ત્રની લાક્ષણિકતાવાળાં હજારો પદો રચ્યાં, જેમાં સૂરદાસ તો વ્રજભાષાના અસામાન્ય પ્રકારના કવિ હતા – આ ભૂતલ ઉપરના એક ઉચ્ચ કોટિના કવિ હતા. શ્રી વિઠ્ઠલનાથજીના ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજીએ વ્રજભાષામાં ગદ્યગ્રંથો આપી તેમાં ગદ્યને સ્થિર કરી આપ્યું.

પુષ્ટિમાર્ગે ભગવાન બાલકૃષ્ણની સેવામાં છ લલિત પ્રકારોનો વિકાસ કરી આપ્યો છે એ તો અજોડ કોટિનો છે. એ પ્રકારો આ પ્રમાણે છે : (1) પ્રભુનો અનેકવિધ શૃંગાર, (2) પ્રભુ સમક્ષ ધરવામાં આવતી અનેક પ્રકારની, વિશિષ્ટ કોટિની ખાદ્યસામગ્રી, (3) પિછવાઈ વગેરેમાં કૃષ્ણલીલાનાં અનેકવિધ ચિત્રણો, (4) હિંડોળા-પલનાં-સાંઝી-આરતી વગેરેનાં વિવિધ પ્રકારનાં સુશોભન, (5) વ્રજભાષામાં નિત્યની લીલાનાં, સમયસમયનાં કીર્તનોથી સમૃદ્ધ વિશાળ પદસંગ્રહ અને (6) ભક્તિમાર્ગ પાછળના વિશિષ્ટ સિદ્ધાંતો અને તત્વજ્ઞાનક્ષેત્રે વેદાંતશાસ્ત્રના ઉચ્ચ કોટિના સંસ્કૃત ગ્રંથો.

વ્રજભાષાના ઉપર્યુક્ત ગેય સાહિત્યનો જોટો અન્ય ભારતીય સંપ્રદાયો પાસે જોવા મળતો નથી. એ સાહિત્ય સાથે સંલગ્ન ‘હવેલી-સંગીત’ની ભારતભરમાં મોટી પ્રતિષ્ઠા છે. ઉત્તર હિંદુસ્તાનની સંગીત-પદ્ધતિના થાટવાળા શાસ્ત્રીય રાગો ગાનારા ઉસ્તાદો પણ એમની ગાવાની ચીજોની આરંભની પંક્તિઓ તો પુષ્ટિમાર્ગીય કીર્તનોની જ મોટેભાગે ગાય છે. આ સંપ્રદાયનું મુખ્ય તંતુવાદ્ય ચાર તારવાળો તંબૂર છે; જ્યારે આતોદ્ય વાદ્યોમાં પખાવજ અને કાંસાનાં ઝાંઝ છે. હવે તંબૂરાનું સ્થાન હાર્મોનિયમ-વાજાએ લીધું છે. નોંધપાત્ર તો એ છે કે નાથદ્વારામાં શ્રીનાથજીના પ્રખ્યાત મંદિરમાં પ્રાત:કાળે વીણાવાદનનો પણ આસ્વાદ પ્રાપ્ત થાય છે.

ઉપર બતાવેલી છ વિશિષ્ટતાઓએ આ સંપ્રદાયને એની લલિત કલાઓના વિકાસને કારણે અનન્ય કોટિનો બનાવ્યો છે.

કે. કા. શાસ્ત્રી