પુષ્કરસારી : પશ્ચિમ ગાંધારની પ્રાચીન લિપિ. પશ્ચિમ ગાંધારની રાજધાની પુષ્કરાવતી હતી. ભારતીય અનુશ્રુતિઓમાં પ્રાચીન લિપિઓનાં અનેક નામો ગણાવેલાં છે. જૈન આગમ ગ્રંથ ‘પન્નવણાસૂત્ર – પ્રજ્ઞાપનાસૂત્ર’ (સૂત્ર 107, ઈ. સ. પૂ. બીજી સદી) અને ‘સમવાયાંગ સૂત્ર’(સમવાય 18, ઈ. પૂ. ત્રીજી સદી)માં 18 લિપિઓની સૂચિ આપેલી છે, જેમાં ‘પુષ્કરસારીય’ લિપિનો સમાવેશ કરેલો છે.

આ લિપિઓનાં પ્રાકૃત નામ આ પ્રમાણે છે : (1) ખંભી (બ્રાહ્મી), (2) જ્વણાલિયા (યવનલિપિ), (3) દોસાપુરિયા, (4) ખરોઠ્ટી (ખરોષ્ઠી), (5) પુક્ખરસારીયા (પુષ્કરસારી), (6) ભોગવઇયા, (7) પહરાઇયાઓ, (8) અંતક્ખરિયા, (9) અક્ખરપુટ્ઠિયા, (10) વેણઇયા, (11) ણિણ્હઇયા, (12) અંકલિપિ, (13) ગણિતલિપિ, (14) ગંધવ્વલિપિ, (15) આયંસલિપિ, (16) માહેસરી, (17) દામિલી, (18) પોલિંદી.

બૌદ્ધ ગ્રંથ ‘લલિતવિસ્તર’(અધ્યાય 10, ઈ. પૂ. ત્રીજી સદી)માં 64 લિપિઓની સૂચિ આપેલી છે, જેમાં બ્રાહ્મી, ખરોષ્ઠી અને ત્રીજા સ્થાને પુષ્કરસારી લિપિને મૂકેલી છે.

રામજીભાઈ ઠા. સાવલિયા