પુલિત્ઝર પ્રાઇઝ : એ નામનો સાહિત્ય, શિક્ષણ અને બીજી જાહેર પ્રવૃત્તિઓના ક્ષેત્રે અપાતો ઍવૉર્ડ. ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ સામયિકના પ્રકાશક જોસેફ પુલિત્ઝર દ્વારા કોલંબિયા યુનિવર્સિટીની પત્રકારત્વ-શાખાને 1917માં અપાયેલ વીસ લાખ ડૉલરના દાનની રકમ પૈકી અલાયદા રાખેલ પાંચ લાખ ડૉલરની આવકમાંથી પ્રતિવર્ષે 21 જેટલાં પારિતોષિક જાહેરસેવા, પ્રજાકીય મૂલ્યો, અમેરિકન સાહિત્ય અને શિક્ષણના ઉત્કર્ષ માટે પ્રદાન કરનાર વિશિષ્ટ વ્યક્તિઓને આપવામાં આવે છે. પુલિત્ઝરના વસિયતનામા અનુસાર અમેરિકન સાહિત્યમાં નવલકથા, નાટક, અમેરિકાનો ઇતિહાસ અને જીવનચરિત્રનો સમાવેશ કરેલો છે. સ્થાનિક અહેવાલ, વિવેચન, ટીકા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વૃત્તાંત, તંત્રીલેખ, વૃત્તકથા, છબીકલા, મૌલિક લખાણ વગેરે વિષયોને અનુલક્ષીને પત્રકારત્વના ક્ષેત્રમાં 11 ઍવૉર્ડ અપાય છે. વળી શ્રેષ્ઠ અમેરિકન નવલકથા, નાટક, ઇતિહાસ, જીવનચરિત્ર કે આત્મકથા, કાવ્યસંગ્રહ અને કલ્પકથેતર (non-fiction) કૃતિ માટે 6 પારિતોષિકોની જોગવાઈ કરેલી છે. એક પારિતોષિક લોકસેવાનું યશસ્વી કાર્ય કરવા માટે અલાયદું રાખવામાં આવ્યું છે, જેમાં રોકડ રકમને બદલે સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. કોલંબિયા યુનિવર્સિટીની ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑવ્ જર્નાલિઝમના ત્રણ વિદ્યાર્થીઓને પણ પ્રતિવર્ષ વ્યક્તિગત શૈક્ષણિક પ્રવાસગ્રાન્ટ તરીકે 3000 ડૉલરની રકમ આપવામાં આવે છે. આ માટે આગળના વર્ષમાં કરેલ કાર્યને લક્ષમાં લઈ પુલિત્ઝર પ્રાઇઝ બોર્ડ જે તે નામોની ભલામણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ(વાઇસ ચાન્સેલર)ને કરે છે, જેની જાહેરાત મે માસના પ્રથમ સોમવારે કોઈ પણ જાતના ઔપચારિક સમારંભ વગર કરવામાં આવે છે. પારિતોષિકની મૂળ રકમ 500 ડૉલર હતી, જે વધારીને 3000 ડૉલર કરવામાં આવી છે.
પુલિત્ઝર પ્રાઇઝના અનેક વિજેતાઓમાં ન્યૂયૉર્ક ટાઇમ્સ, શિકાગો ડેઇલી ન્યૂઝ (વર્તમાનપત્રો), સેમૉર એમ. હર્ષ, ટૉની હૉવિટ્ઝ (વૃત્તાંત નિવેદકો), જેક ફુલર, બર્નાડ સ્ટાઇન (તંત્રીલેખ), કેવિન કાર્ટર, ક્લેરન્સ વિલિયમ્સ (વૃત્તકથા-છબીકલા), જ્હૉન અપડાઇક, ફિલિપ રૉથ (નવલકથા), યુજીન ઓ’નીલ, એડવર્ડ આલ્બી (નાટક), જે. જે. જુસરૅંડ, એડવર્ડ લાર્સન (ઇતિહાસ), કાર્લ વાન ડોરેન, કેથેરિન ગ્રેહામ (જીવનચરિત્ર), રૉબર્ટ ફ્રૉસ્ટ, કાર્લ સૅંડબર્ગ (કવિતા), એલિયટ કાર્ટર, આરોન જે. કર્નિસ (સંગીત) વગેરે નોંધપાત્ર છે.
વિ. પ્ર. ત્રિવેદી
બંસીધર શુક્લ