પુરવીદાણા (મોટી ઇલાયચી) : એકદળી (લિલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ઝિંજિબરેસી (કર્પૂરાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amomum subulatum Roxb. (હિં. બડી-ઇલાચી, બડી-ઇલાયચી; બં. બરા-ઇલાચી, બરો-એલાચ; મ. મોટે વેલ્ડોડે;, ગુ. મોટી ઇલાયચી, એલચો, પુરવીદાણા, કન્ન. ડોડ્ડા – યાલાક્કી; મલ. ચંદ્રબાલા, ઓરિયા – બડા – એલાઇચા; સં. બૃહદેલા, સ્થૂલૈલા, ભદ્રેલાબહુલા; તા. પેરિયા – ઇલાક્કાઈ; તે. અડાવી-ઇલેક્કાઇ; અં.- લાર્જ ઑર ગ્રેટર કાર્ડેમમ્, નેપાલ કાર્ડેમમ્) છે.
વિતરણ : તે પૂર્વ હિમાલયમાં થાય છે. એલચાના છોડ નેપાળ, ઉત્તર-પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને આસામની ટેકરીઓ ઉપર થતો રોકડિયો પાક છે. તેને નાના ઝરણાની બાજુમાં દરિયાની સપાટીથી 765-1675 મી.ની ઊંચાઈએ વાવવામાં આવે છે.
બાહ્યાકારવિદ્યા (Morphology) : એલચો ઊંચો (2.5 મી. સુધી) બહુવર્ષાયુ છોડ છે અને પર્ણો સહિત પ્રકાંડો ધરાવે છે. તેની ભૂમિગત ગાંઠામૂળી પ્રસારિત અને શાખિત હોય છે. તેના પરથી કેટલાંક પર્ણો ધરાવતા ઉન્નત પ્રરોહો (shoots) અને લઘુપુષ્પગુચ્છો(panicles) ઉત્પન્ન થાય છે.
પર્ણો એકાંતરિત, સાદાં, લંબચોરસ-ભાલાકાર(oblong-lanceolate), 30-60 સેમી. 7.5-10.0 સેમી., તીક્ષ્ણાગ્ર અને અરોમિલ (glabrous) હોય છે. શૂકીઓ (spikes) ગોળાકાર, અત્યંત ઘટ્ટ અને ટૂંકા પુષ્પવિન્યાસદંડવાળી હોય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું, આશરે 2.5 સેમી. લાંબું, અનિયમિતપણે પ્રતિહૃદયાકાર (obcordate), કંટકીય (echinate) અને ત્રિકોટરીય હોય છે. પ્રત્યેક કોટરમાં કેટલાંક ઘેરાં લાલ-બદામી બીજ હોય છે અને તેઓ ઘટ્ટ, શર્કરાયુક્ત ગરમાં એકબીજા સાથે જોડાયેલાં હોય છે. ફળ અગ્ર-પશ્ચ છેડેથી ચપટું હોય છે અને 15-20 અનિયમિત દંતુર-તરંગી (dentate-undulate) પક્ષ (wing) હોય છે. તેઓ ટોચ ઉપરથી નીચેની તરફ 2/3 લંબાઈ સુધી વિસ્તરેલ હોય છે.
કૃષિ જાતો : સિક્કિમમાં એલચાની ત્રણ જાતો ખૂબ જાણીતી છે : ‘ગોલ્શાઈ’, ‘રામ્શાઈ’ અને ‘સાવની’. તેમનાં મુખ્ય લક્ષણો આ પ્રમાણે છે :
‘ગોલ્શાઈ’ : તે ટૂંકી જાત છે. તેના થોડાક જ પ્રરોહો, ઊભાં – સીધાં પર્ણો અને મોટાં ફળો ધરાવે છે. ફળો લણણી માટે ઑક્ટોબર-નવેમ્બરમાં તૈયાર થાય છે.
‘રામ્શાઈ’ : તેની 2.5 મી. સુધીની ઊંચાઈ, મોટા ઉત્પાદક પ્રરોહો, પાતળાં અને લાંબાં પર્ણો, ફળ નાનાં અને હલકી ગુણવત્તાવાળાં, મોટે ભાગે 1500 મી. કે તેથી વધારે ઊંચાઈએ ઉગાડવામાં આવે છે. તેથી ઓછી ઊંચાઈએ ફૂર્કી વાઇરસનો રોગ થાય છે, તેથી છોડને ગંભીર અસર થાય છે. લણણી માટે ફળો ઑક્ટોબર-નવેમ્બરમાં તૈયાર થાય છે.
‘સાવની’ : તેની 2.5 મી. સુધીની ઊંચાઈ, ‘રામ્શાઈ’ની તુલનામાં વધારે પહોળાં અને ટૂંકાં, ફળો કદમાં મોટાં અને બદામી રંગનાં હોય છે. લણણી શ્રાવણ (ઑગસ્ટ-સપ્ટેમ્બર) માસમાં થાય છે. 1500 મી.થી ઓછી ઊંચાઈએ આ જાત ખૂબ પ્રખ્યાત છે. તે ફૂર્કી વાઇરસના રોગથી તુલનામાં ઓછી સંવેદનશીલ છે.
‘રામ્ના’, ‘ચિબોય’ અને ‘કોપ્રિન્ગે’ એલચાની પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં વવાતી જાતો છે.
કૃષિ : એલચો 500થી 1800 મી. ઊંચાઈએ તડકા-છાંયડાવાળા ઢોળાવો ઉપર, ખાસ કરીને ઝરણાની બાજુમાં વાવવામાં આવે છે.
એલચાનું વાવેતર છાયા આપતી કેટલીક વૃક્ષ જાતિઓ નીચે કરવામાં આવે છે; જેમાં Alnus nepalensis (ઉતીસ, ઇંડિયન ઍલ્ડર), Schima wallichi (સણિયાર), Nyssa sessiliflor (કાલાય), Litsea polyantha (કાકુરી) Macaranga postulate (નુમ્રો), Juglans regia (અખરોટ), Quercus Leucotrichophora (ઑક) અને Celtis australis (ખિરક)નો સમાવેશ થાય છે. વર્ષમાં 150થી 350 સેમી. વરસાદ અને 6oથી 33o સે. તાપમાન પાકને અનુકૂળ છે. ઠારબિંદુ(freezing point)ની નજીકનું તાપમાન વૃદ્ધિ માટે પ્રતિકૂળ છે. જલાકાન્ત ભૂમિ છોડ માટે હાનિકારક છે. નવેમ્બરથી ફેબ્રુઆરીના શુષ્ક મહિનાઓમાં ખુલ્લા સૂર્યૂપ્રકાશથી છોડ દગ્ધ બને છે. સારા નિતારવાળી અને વિપુલ પ્રમાણમાં મૃદુર્વરક (humus) ધરાવતી જંગલની મૃદા એલચા માટે શ્રેષ્ઠ છે. તેથી ઉત્પાદન વધારે સારું તો થાય છે, પણ સાથે સાથે વધારે લાંબા સમય (આશરે 20 વર્ષ) સુધી ટકે છે.
ભારતમાં એલચાનું 70 % જેટલું ઉત્પાદન સિક્કિમમાં જ થાય છે; તે પછી પશ્ચિમ બંગાળ અને આસામમાં થાય છે. ભારતનું કુલ વાર્ષિક ઉત્પાદન લગભગ 4000 મેટ્રિકટન, નેપાળનું 2500 મેટ્રિક ટન અને ભુતાનનું 200 મેટ્રિક ટન છે.
વનસ્પતિ રસાયણ (phyochemistry) : બીજનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 8.5 %, પ્રોટીન 6 %, બાષ્પશીલ તેલ 2.8 %, અશોધિત રેસો 22.0 %, સ્ટાર્ચ 43.2 %, ઇથર નિષ્કર્ષ 5.3 %, આલ્કોહોલ નિષ્કર્ષ 7.0 % અને ભસ્મ 4.0 %, કૅલ્શિયમ 666.6 મિગ્રા., મૅગ્નેશિયમ 412.5 મિગ્રા. અને ફૉસ્ફરસ 61.0 મિગ્રા./100 ગ્રા. અને ફ્લોરાઇડ 14.4 પી.પી.એમ., બીજ કાર્ડેમોનિન (2′, 4′ – ડાઇહાઈડ્રૉક્સિ – 6′ – મિથૉક્સિએલ્કોન) અને આલ્પિનેટિન (7-હાઈડ્રૉક્સિ – 5 મિથૉક્સિફ્લેવોનૉન) અને ગ્લાયકોસાઇડો, પિટુનિડિન 3, 5 – ડાઇગ્લુકોસાઇડ, લ્યુકોસાયેનિડિન -3-o-β-D- ગ્લુકોપાયરેનોસાઇડ અને નવું ઓરૉન ગ્લાયકોસાઇડ, સ્યુબ્યુલિન (6, 3′, 4′, 5′ – ટેટ્રાહાઇડ્રૉક્સિ-4-મિથૉક્સિઓરૉન -6-o-α-L- રહેમ્નોપાયરેનોસીલ (1, 4)-β-D- ગ્લુકોપારેનોસાઇડ ધરાવે છે. એલચામાંથી પ્રોટોકેટેચુઆલ્કીહાઇડ, 1, 7-બિસ(3, 4 ડાઇહાઇડ્રૉક્સિફિનાઇલ) હેપ્ટા-4E, 6E-ડાયેન-3-ઓન, પ્રોટૉકેટેચુઈક ઍસિડ અને 2, 3, 7 – ટ્રાઇહાઇડ્રૉક્સિ -5-(3-4 ડાઇહાઇડ્રૉક્સિ – E – સ્ટાયરાઇલ) 6, 7, 8, 9 – ટેટ્રાહાઇડ્રો 5H – બેન્ઝોસાયક્લોહેપ્ટેન અલગ કરવામાં આવ્યાં છે.
બાષ્પનિસ્યંદન (steam distillation)થી બીજમાંથી સિનીઑલની લાક્ષણિક વાસ ધરાવતું ઘેરા બદામી રંગનું બાષ્પશીલ તેલ (2.5 %) ઉત્પન્ન થાય છે. આ તેલના ભૌતિક-રાસાયણિક ગુણધર્મો આ પ્રમાણે છે : વિ. ગુ., 2900.9142; વક્રીભવનાંક 1.4600; વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન (specific optic rotation, [α]D) 18o3′; ઍસિડ આંક 2.9; સાબૂકરણ આંક (Sapval) 14.53 અને ઍસિટીલીકરણ (acetylation) પછી સાબૂકરણ આંક 40.2, તેનું મુખ્ય ઘટક 1, 8 સિનીઑલ (65-80 %) છે. ઉપરાંત, તેલમાં બાઇસેબોલીન 3.6 %, સેબિનીન 6.6 %, ટર્પિનીન 10.7 %, ટર્પિનીઑલ 7.15 %, ટર્પિનાઇલ ઍસિટેટ 5.1 % અને બહુલીકૃત (polymerised) તેલ 1.91 %. અન્ય એક નમૂનામાં સિનીઓલ સિવાય ઉપસ્થિત સંયોજનોમાં α – પિનીન 2.0 %, β -પિનીન 2.4 %, સેબિનીન 0.2 %, માયર્સીન 0.3 %, α -ટર્પિનીન 0.2 %, ϒ-ટર્પિનીન 0.2 %, લિમોનીન 10.3 %, p-સાયમીન 0.2 %, ટર્પિનેન-4-ઑલ 2.0 %, α – ટર્પિનીઑલ 5.6 %, δ-ટર્પિનીઑલ 0.8 % અને નેરોલિડૉલ 1.0 %નો સમાવેશ થાય છે.
પ્રણાલિકાગત ઉપયોગો
આ એલચાના દાણા સ્વાદિષ્ટ હોય છે. હૃદય અને યકૃતનું ટૉનિક ગણાય છે. દાણાનો ઉકાળો દાંતનાં અને પેઢાંનાં દર્દોમાં ઉપયોગી છે. તરબૂચનાં બીજ સાથે પથરીના રોગમાં મૂત્રલ તરીકે તે વપરાય છે. આ ઉપરાંત ભારતમાં તેજાના તરીકે મીઠાઈની બનાવટમાં પણ વપરાય છે. પાકેલાં ફળ સ્વાદિષ્ટ હોય છે. એનાં કાચાં ફળ સિક્કિમના લોકો સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ખાય છે. આ ઉપરાંત શાકાહારી અને બિનશાકાહારી ખોરાકમાં સુગંધિત તેજાના તરીકે પુલાવ અને બિરયાનીમાં વપરાય છે. થોડા પ્રમાણમાં તેનું તેલ પણ કાઢવામાં આવે છે.
પ્રણાલિકાગત રીતે, એલચાનો ગળાનો ઉપદ્રવ, ફેફસામાં રક્ત આધિક્ય (congestion), આંખની પાંપણોનો સોજો, પાચનના વિકારો અને ફેફસી ક્ષય(pulmonary tuberculosis)ની ચિકિત્સામાં નિરોધક (preventive) અને રોગહર (curative) તરીકે ઉપયોગ થાય છે. તે વાયુવિકાર (flatulence), ક્ષુધાહાનિ(loss of appetite), જઠરના ઉપદ્રવો અને યકૃતની ફરિયાદોમાં ઉપયોગી છે. આયુર્વેદિક ઔષધકોશમાં તેને અધિકૃત ઔષધ ગણવામાં આવે છે. તે જઠરાંત્રીય (gastrointestinal) વિકારો અને શ્વસનતંત્રની સમસ્યાઓ સામે નિરોધક તરીકે ભાગ ભજવે છે. ‘આલુઇ’ તરીકે ઓળખાતો એક યોગ (preparation) મલેરિયાની ચિકિત્સામાં વપરાય છે. તે જીરું (uminum cyminum) અને એલચાનું મિશ્રણ છે. ફલાવરણ(pericasp)નો ઉપયોગ શિરદર્દ અને મુખપાક(stomatitis)માં થાય છે. બીજ વીંછી અને સર્પદંશમાં પ્રતિવિષ (antidote) તરીકે તથા બીજ અને ફળ અતિલિપિડરક્તતા(hyperlipidaemia)ના નિરોધ માટે ઉપયોગી છે. બાળેલાં પર્ણોની ભસ્મ રાઈના તેલ સાથે મિશ્ર કરી કફ અને લિંગ-સંચારિત (sexually transmitted) રોગોમાં દિવસમાં બે વાર આપવામાં આવે છે.
એલચાનાં ફળ (30 ગ્રા.), બકામ લીમડો (Melia azadarach)નાં ફળ (30 ગ્રા.), દાડમ (Punica granatum)નાં બીજ (30 ગ્રા.), વરિયાળી (Foeniculum vulgare)નાં બીજ (125 ગ્રા.), અશ્વગંધા/ઇંડિયન રેન્નેટ (Withania coagulans) ફળ (60 ગ્રા.), જવ (Hordeum vulgare) બીજ (250 ગ્રા.), બકામ લીમડાનાં પાન (125 ગ્રા.) અને ગોળ (125 ગ્રા.) ડેરીનાં પ્રાણીઓને અતિસાર (diarrhoea)માં આપવામાં આવે છે. એલચો ધરાવતા કરચલીરોધી (antiwrinkle) મલમની ચહેરા ઉપર રહેલી કરચલીઓની ચિકિત્સા માટે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આમ તે પ્રતિ-ઉપચાયી (anti-oxidant) સક્રિયતા દર્શાવે છે. પાકિસ્તાનમાં સ્તનશોથ(mastitis)ની ચિકિત્સા અને નિયંત્રણ માટે એલચાનાં ફળ (25 ગ્રા.) મોં દ્વારા આપવામાં આવે છે. એક ચમચી ફળનો કે બીજનો પાઉડર દિવસમાં બે વાર મધ સાથે લેવાથી અરક્તતાજન્ય (ischemic) હૃદયરોગો ધરાવતા દર્દીઓને લાભ થાય છે.
બીજ ઉત્તેજક, ક્ષુધાપ્રેરક, વિષરોધી (alexipharmic) અને સ્તંભક (astringent) ગુણધર્મો ધરાવે છે. તેનો અપચો (indigestion), ઊલટી, પિત્તદોષ (biliousness), ઉદરીયવેદના અને મળાશયના રોગોમાં ઉપયોગ થાય છે. વધારે માત્રા(30 ગ્રેઇન)માં ક્વિનીન સાથે તે. ચેતાર્તિ-(neuralgia)માં ઉપયોગી છે. આંખમાં થતા સોજાનું શમન કરવા બીજનું સુવાસિત (aromatic) તેલ આંખે લગાડવામાં આવે છે.
ઔષધગુણ વિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : એલચાના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે : વેદનાહર(analgesic), શોથહર (anti-inflammatory), પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial), પ્રતિ-ઉપચાયી, વ્રણરોધી (antiulcer), હૃદ્-અનુકૂલજન (cardio-adaptogen), અલ્પલિપિડરક્ત (hypolipidemic).
ચિરપ્રતિષ્ઠિત (classical) વર્ગીકરણ : ભાવ પ્રકાશ એલચાને કર્પૂરાદિ વર્ગમાં, ધન્વંતરિ નિઘંટુ – શતપુષ્પાદિ વર્ગમાં, કૈપ્યદેવ નિઘંટુ – ઔષધિ વર્ગમાં, શોઢલ નિઘંટુ – શતપુષ્પાદિ વર્ગમાં અને રાજનિઘંટુ – પિપ્પલ્યાદિ વર્ગમાં મૂકે છે.
આયુર્વેદિક ગુણધર્મો : એલચાના આયુર્વેદિક ગુણધર્મો આ પ્રમાણે છે : રસ (Taste) – કટુ (pungent), તિક્ત (bitter);
ગુણ (Qualities) – લઘુ (light for digestion); રુક્ષ (Dry), વિપાક – કટુ (undergoes pungent taste after digestion), વીર્ય (potency) – ઉષ્ણ (hot), કર્મ (action) – કફવાતશામક તે મુખશુદ્ધિકર્તા, સુગંધી, પિત્તકારક, વધારે સેવન કરવાથી વીર્યક્ષયકર તથા વાત, કફ, રક્તપિત્ત, ઊલટી, ખાંસી, શ્ર્વાસ, તૃષા, અશ્મરી, મોળ, વિષ, હૃદયરોગ, મૂત્રાશયનો રોગ, મસ્તક રોગ, મુખરોગ, ખૂજલી અને વ્રણનો નાશ કરનાર છે. તે મુખ, કંઠ અને મસ્તકની શુદ્ધિ કરે છે. તેલ ક્ષુધાપ્રેરક અને જઠરની બળતરા શાંત કરે છે.
ઔષધિ પ્રયોગો (1) આંતરડામાં પિત્તસ્રાવ ઓછો થવા ઉપર એલચો-એલચી મુખવાસ રૂપે આપવામાં આવે છે. (2) ઉદરશૂળ ઉપર – એલચાના દાણા, સૂંઠ અને તજ 20-20 ગ્રા., ફૂદીના સત્ત્વ, અજમા સત્ત્વ, કપૂર, કેસર, હીંગ અને અફીણ 10-10 ગ્રા.નું ચૂર્ણ કરી રેક્ટિફાઇડ સ્પિરિટમાં બૉટલમાં બંધ કરી 15 દિવસ માટે રાખી, ગાળી લેવામાં આવે છે. 5-15 ટીપાં ગરમ પાણીમાં આપવાથી તીવ્ર શૂળ મટે છે. (3) મૂત્રકૃચ્છ્ર ઉપર – એલચા 10 નંગ છોડાં સાથે આખાપાખા ખાંડી, 100 ગ્રા. દૂધ અને 100 ગ્રા. પાણી ઉમેરી તેને ઉકાળવામાં આવે છે. માત્ર દૂધ રહે ત્યારે ઉતારી સાકર નાખી પિવડાવવામાં આવે છે. (4) મૂત્રપિંડની પથરી ઉપર – તરબૂચના બીજમાં એલચા ઉમેરી તેનું ચૂર્ણ કરી રોજ પીવાથી પેશાબ સાફ આવે છે અને પથરી તૂટે છે. (5) ર્જીણ તાવ ઉપર એલચા, એલચાનાં મૂળ અને સાટોડીના મૂળનો દૂધ અને પાણીમાં ઉકાળો કરી પિવડાવાય છે.
ઉપયોગી અંગ – ફળ અને બીજ
માત્રા – બીજનો પાઉડર 1-3 ગ્રા.
પ્રસિદ્ધ ઔષધો – બૃહદેલાદ્યરિષ્ટ, કાલમેધાસવ, કલ્યાણક કષાય ચૂર્ણ, સારિવાધ્યાસવ, કલ્યાણક ઘૃત, એલાદિ તૈલમ્.
भद्रैला कटुका पाके रसे पित्ताग्निकृल्लघु: ।
रुक्षोष्णा रोचनी कासकफ वातास्रश्वासहा ।
हन्ति हल्लासतृट्कंडू शिरोवस्त्वास्यरुग्वमी: ।।
કૈપ્યદેવ નિઘંટુ
स्थूलैला कटुका पाके रसे चानलकृललधु: ।।
रुक्षोष्णा श्लेष्मपित्तास्रकंडूश्वासतृषापरा ।
हृल्लास विषबस्त्यास्यशिरोरुग्वमिकासनुत् ।।
બળદેવભાઈ પટેલ
ઇસ્માઈલ ધ્રુજ