પુરવઠો : ચોક્કસ સમયગાળા દરમિયાન જુદી જુદી કિંમતોએ કોઈ એક વસ્તુ તેના વેચનારાઓ જે જથ્થામાં વેચવા  તૈયાર હોય તે જથ્થો. પુરવઠાનો ખ્યાલ સૈદ્ધાંતિક છે. બજારની કામગીરીનું વિશ્લેષણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

અર્થશાસ્ત્રમાં ‘પુરવઠો’ શબ્દની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે, વ્યવહારમાં ‘પુરવઠો’ શબ્દનો જે અર્થ છે તેનાથી જુદી પડે છે. વ્યવહારમાં ચોક્કસ સમયગાળા દરમિયાન જે જથ્થામાં કોઈ વસ્તુનું વેચાણ થયું હોય તેને પુરવઠો ગણી લેવામાં આવે છે. અર્થશાહ્ાની વ્યાખ્યા પ્રમાણે પુરવઠો એ વૈકલ્પિક કિંમતોએ વેચનારાઓની ચોક્કસ જથ્થામાં વસ્તુ વેચવાની તૈયારી દર્શાવે છે. એ એક પ્રકારની આગાહી છે.

બજારની કામગીરીનું વિશ્લેષણ કરવા માટેના એક ઉપકરણ તરીકે પુરવઠાનો ખ્યાલ કોઈ એક વસ્તુ કે ઉદ્યોગને જ લાગુ પડે છે; દા.ત., ચોખાનો પુરવઠો, ટ્રૅક્ટરનો પુરવઠો વગેરે. એ જ રીતે ઉત્પાદનના કોઈ એક સાધનના પુરવઠાનો વિચાર કોઈ એક ઉદ્યોગ કે વ્યવસાયના સંદર્ભમાં કરવામાં આવે છે; દા. ત., કાપડની મિલોને પ્રાપ્ય શ્રમનો પુરવઠો, ખેતીને પ્રાપ્ય ધિરાણનો પુરવઠો વગેરે. અલબત્ત, કેઇન્સના અસરકારક માંગના સિદ્ધાંતના પગલે અર્થશાસ્ત્રનો જે સમગ્રલક્ષી વિકાસ થયો છે, તેમાં કુલ (aggregate) પુરવઠાનો ખ્યાલ રજૂ થયો છે, પરંતુ તેને પુરવઠાના પરંપરાગત ખ્યાલ અને વિશ્લેષણથી જુદો રાખવાનો છે.

કોઈ એક વસ્તુના પુરવઠા ઉપર જે વિવિધ પરિબળોની અસર પડે છે તે આ પ્રમાણે છે : વસ્તુની પોતાની કિંમત, ઉત્પાદનનાં સાધનોના ઉપયોગની રીતે વસ્તુની હરીફ હોય એવી વસ્તુની કિંમત (દા. ત., કપાસનો પુરવઠો ઘઉંની કિંમતમાં થતા ફેરફારથી પ્રભાવિત થશે), ભવિષ્યમાં વસ્તુની કિંમત અંગેની વેચનારાઓની ધારણા (દા. ત., વસ્તુની કિંમત ભવિષ્યમાં વધશે એવી જો વેચનારાઓની ધારણા હોય તો તેઓ તેનો લાભ લેવા માટે વર્તમાનમાં વસ્તુ ઓછા જથ્થામાં વેચવા તૈયાર થશે), ઉત્પાદનપદ્ધતિ અને ઉત્પાદનખર્ચ વગેરે.

અર્થશાસ્ત્રમાં માંગના નિયમની જેમ પુરવઠાના નિયમને પણ એક પાયાનો નિયમ ગણવામાં આવે છે. પુરવઠાના નિયમને આ શબ્દોમાં રજૂ કરી શકાય : પુરવઠા પર અસર કરતાં અન્ય પરિબળો જો યથાવત્ રહે તો વેચનારાઓ નીચી કિંમતની તુલનામાં ઊંચી કિંમતે વસ્તુ વધુ જથ્થામાં વેચવા તૈયાર થશે. ટૂંકમાં, વસ્તુની કિંમત અને તેના વેચવામાં આવતા જથ્થા વચ્ચે સીધો સંબંધ છે.

પુરવઠાના નિયમને વિશ્લેષણના હેતુ માટે એક રેખાના રૂપમાં રજૂ કરવામાં આવે છે, જે પુરવઠાની રેખા તરીકે ઓળખાય છે. ઉપરની આકૃતિમાં પુરવઠાની રેખા દર્શાવવામાં આવી છે :

આકૃતિમાં આડી ધરી x પર વસ્તુના એકમો અને ઊભી ધરી y પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે છે. SS’ રેખા પુરવઠાની રેખા છે. તે રેખા વસ્તુની કિંમત અને વસ્તુના વેચવામાં આવનાર જથ્થા વચ્ચેનો સંબંધ દર્શાવે છે; દા. ત., જે વસ્તુની કિંમત OP1 હોય તે વસ્તુનો પુરવઠો OQ1 હશે, તેના બદલે જો વસ્તુની કિંમત OP2 હોય તે વસ્તુનો પુરવઠો OQ2 હશે.

રમેશ ભા. શાહ