પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર : રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર નક્કી કરતાં પરિબળોમાં પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોની ભૂમિકા નિર્ણાયક હોય છે એવું સૂચવતી વિચારસરણી. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રને જો લાંબા ગાળાના સંદર્ભમાં વિચારવામાં આવે તો પુરવઠાના પક્ષે કામ કરતાં પરિબળોમાં ઉત્પાદકોને પ્રાપ્ય પ્રોત્સાહનો, શ્રમબજારની કાર્યક્ષમતા, અર્થતંત્રમાં બચતોનું પ્રમાણ, અર્થતંત્ર પરનાં સરકારનાં નિયંત્રણો વગેરેનો સમાવેશ થાય છે; પરંતુ પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર મુખ્યત્વે ટૂંકા ગાળાની સરકારની નીતિઓના સંદર્ભમાં ઉદભવ્યું છે.
1970 પછીના દસકામાં અમેરિકા અને અન્ય કેટલાક વિકસિત દેશોમાં ‘ફુગાવાયુક્ત મંદી’ (stagflation) ઉદભવી. આમાં અર્થતંત્રમાં એક બાજુ બેકારી વ્યાપક પ્રમાણમાં હોય અને બીજી બાજુ ભાવો વધતા હોય છે. 1929માં અમેરિકામાંથી શરૂ થયેલી વિશ્વમંદીના પ્રતિભાવ રૂપે અસ્તિત્વમાં આવેલા કેઇન્સના અર્થશાસ્ત્રમાં મંદીમાંથી ઉદભવતી બેકારીના નિવારણ માટે સરકારના ખર્ચમાં વધારો કરવાની હિમાયત કરવામાં આવી હતી. જેથી લોકોની આવક વધતાં અર્થતંત્રમાં માંગ અને રોજગારી વધે. 1970 પછીનાં વર્ષોમાં જે ફુગાવાકારી મંદી સર્જાઈ તેમાં કેઇન્સવાદી નીતિ પ્રમાણે સરકારના ખર્ચમાં વધારો કરીને અર્થતંત્રમાં માંગવૃદ્ધિ કરવાથી અર્થતંત્રમાં ભાવો વધતા હતા, પરંતુ બેકારી ઘટતી ન હતી. આ સમસ્યાના ઉકેલ રૂપે પુરવઠાલક્ષી અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું. તેનો વિશેષ પ્રચાર અમેરિકામાં પ્રમુખ રેગનના શાસન દરમિયાન થયેલો. આ વિચારસરણીને વરેલા અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રમાં ઉત્પાદન વધે એવાં પગલાં પર ભાર મૂકે છે. અર્થતંત્રમાં ચીજવસ્તુઓનો પુરવઠો વધે તો એક બાજુ ઉત્પાદનવૃદ્ધિ અર્થે રોજગારી વધે અને બીજી બાજુ ભાવો વધતા અટકી જાય અથવા ઓછા વધે.
અર્થતંત્રમાં ઉત્પાદનવૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે આ અર્થશાસ્ત્રીઓ મુખ્યત્વે ત્રણ પગલાંની હિમાયત કરે છે : એક, કરવેરાના દરો ઘટાડવા, જોકે તે સાથે સરકારના ખર્ચમાં ઘટાડો કરવો જરૂરી નથી; કેમ કે કરવેરાના ઘટાડાના કારણે ઉત્પાદનવૃદ્ધિ થતાં સરકારને મળતી કરની કુલ આવકમાં પર્યાપ્ત વધારો થશે. અર્થશાસ્ત્રમાં આ દલીલ ‘લાફર-રેખા’ (laffer-curve) તરીકે જાણીતી છે. બીજું, મજૂરમંડળોની પ્રવૃત્તિને કારણે શ્રમબજારની કાર્યક્ષમતા ઘટે છે; તેથી મજૂરમંડળોની પ્રવૃત્તિઓને ડામવી. ત્રીજું, બજારોમાં પણ સ્પર્ધાને અવરોધક પરિબળોને નાબૂદ કરીને બજારોને વધુ સ્પર્ધામય બનાવવાં.
રમેશ ભા. શાહ