પુનર્ઘટન શસ્ત્રક્રિયા (plastic surgery) : શરીરમાં ઉદભવેલી કે કરાયેલી વિકૃતિ પછી મૂળ સ્થિતિ પાછી મેળવવા માટે કરાતી શસ્ત્રક્રિયા. તેના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે પૂર્વસ્થિતિ-સ્થાપન (restoration), પુનર્રચના (reconstruction) અને અન્યથાકરણ-(alteration)ની શસ્ત્રક્રિયાઓ. તેમને 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે – પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા (reconstructive surgery) અને કાંતિવર્ધક (cosmetic) કે શોભાકારી (aesthetic) શસ્ત્રક્રિયા. પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા દ્વારા શરીરના કોઈ ભાગના દેખાવ કે કાર્યમાં ઉદભવેલી ખામીને દૂર કરાય છે. કાંતિવર્ધક કે શોભાકારી શસ્ત્રક્રિયા દેખાવ સુધારવા માટે વપરાય છે. પેટ્રોલિયમ-પેદાશના રૂપે પ્લાસ્ટિક પ્રાપ્ત થયું ત્યારે તેની વિવિધ ઘાટમાં ઢળી શકવાની ક્ષમતાને ધ્યાનમાં લઈને વિવિધ ઘાટ ઘડવાની શસ્ત્રક્રિયાને plastic surgery એવું નામ સન 1909માં લિયો બીકમેને આપ્યું. આ પ્રકારની શસ્ત્રક્રિયા ઘણા જૂના સમયથી ઇજિપ્ત અને ભારતમાં થતી હતી. સુશ્રુત દ્વારા નાસા-પુનર્ઘટન (rhinoplasty) નામની શસ્ત્રક્રિયા કરીને કપાયેલા નાકને પુન: ઘાટ આપવાની સફળ શસ્ત્રક્રિયા થતી હતી. સન 1917માં વૉલ્ટર યિઑએ તેને પુનર્જીવિત કરી.
હાલ તેમાં વિવિધ ઉપવિષયવિદ્યાઓ (subspecialities) વિકસી છે; જેમ કે, શોભાકારી કે કાંતિકારી શસ્ત્રક્રિયા, દાઝ્યા પછી કરાતી શસ્ત્રક્રિયા, મુખકર્પરી (craniofacial) શસ્ત્રક્રિયા, હસ્ત-શસ્ત્રક્રિયા (hand surgery), સૂક્ષ્મશસ્ત્રક્રિયા (microsurgery) વગેરે.
શિલીન નં. શુક્લ