પુણ્ડ્ર : પુરાણોમાં નિરૂપાયેલું ભારતના પ્રદેશનું કે વ્યક્તિનું નામ. પુણ્ડ્ર નામની ઘણી વ્યક્તિઓ પુરાણોમાં ઉલ્લેખાઈ છે. પુરાણોમાં પુણ્ડ્ર નામનું નગર અને એ નામનો પ્રદેશ પણ ઉલ્લેખ પામ્યો છે. હાલમાં ઉત્તર-પ્રદેશને અડીને હિમાલય પર્વત તરફનો ભારતનો પ્રદેશ પ્રાચીન કાળમાં પુણ્ડ્ર નામે ઓળખાતો હતો. મહાભારતમાં તેનો નિર્દેશ થયો છે અને મહાભારતકાળમાં ત્યાં પૌણ્ડ્રક વાસુદેવ નામનો રાજા રાજ્ય કરતો હતો એમ જણાવવામાં આવ્યું છે, જ્યારે વિષ્ણુપુરાણમાં તે સમયે દેવરક્ષિત નામના રાજાના તાબામાં રહેલા અન્ય પ્રદેશોની સાથે પુણ્ડ્ર દેશને ગણાવવામાં આવ્યો છે.
બ્રહ્માંડપુરાણ અને વાયુપુરાણના ઉલ્લેખો મુજબ હેમકૂટ પર્વત અને હિમાલય પર્વતની વચ્ચે હમેશાં બરફથી છવાયેલું પુણ્ડ્ર નામનું નગર છે. એ જ પુરાણો મુજબ વસુદેવ અને સુતનુના મોટા પુત્રનું નામ પુણ્ડ્ર અને નાના ભાઈનું નામ કપિલ હતું.
મત્સ્યપુરાણમાં પુણ્ડ્ર વસુદેવનો જ પુત્ર હતો એમ કહ્યું છે, પરંતુ તે પાછળથી જરા નામનો શિકારી બનેલો; જ્યારે વાયુપુરાણ મુજબ તે પાછળથી પુણ્ડ્ર નામનો રાજા બન્યો હતો. મહર્ષિ યાજ્ઞવલ્ક્યના પંદર શિષ્યોમાં એક શિષ્યનું નામ પુણ્ડ્ર હતું એમ બ્રહ્માંડપુરાણમાં કહેવામાં આવ્યું છે.
એ જ બ્રહ્માંડપુરાણમાં ભગવાન રામના બાણે મૃત્યુ પામેલા વાનરોના રાજા વાલીનો મુખ્ય સરદાર અને સેનાપતિ પુણ્ડ્ર નામનો વાનર હોવાનું જણાવ્યું છે.
ભાગવત, મત્સ્ય અને વાયુપુરાણના ઉલ્લેખો મુજબ દૈત્યરાજ બલિનો નીચા વર્ણની દીર્ઘતમા નામની પત્નીથી થયેલો પુત્ર પુણ્ડ્ર હતો, જેના નામ પરથી તેના તાબાના પ્રદેશનું નામ પણ પુણ્ડ્ર પડેલું.
ઋગ્વેદના ઐતરેય બ્રાહ્મણમાં પુણ્ડ્ર નામની પ્રાચીન જાતિનો ઉલ્લેખ થયો છે. આ જાતિના લોકો પૂર્વ ભારતમાં રહેતા હતા એવું બ્રહ્માંડ અને મત્સ્યપુરાણમાં વર્ણવ્યું છે; જ્યારે વિષ્ણુ અને માર્કણ્ડેયપુરાણ તેમને દક્ષિણ ભારતના રહેવાસી તરીકે વર્ણવે છે. પુણ્ડ્ર નામની પ્રાચીન જાતિના લોકો જ્યાં રહેતા હતા તે પ્રદેશને ‘પુણ્ડ્રગણ’ નામ વડે બ્રહ્માંડ અને મત્સ્યપુરાણમાં ઓળખવામાં આવ્યો છે.
પ્ર. ઉ. શાસ્ત્રી