પીડા (pain)
પેશીને થતા નુકસાનને કારણે ઉદભવતી સંરક્ષણાત્મક, અતિતીવ્ર, તકલીફ કરતી તથા હંમેશાં કોઈક પ્રકારનો પ્રતિભાવ સર્જાવતી સંવેદના. શરીરના મોટાભાગના વિકારો કે રોગોમાં દુખાવો થાય છે. વ્યક્તિને જ્યારે દુખાવો થાય ત્યારે હંમેશાં તેને પ્રતિભાવ રૂપે કોઈક રક્ષણાત્મક ક્રિયા કરવી પડે છે; દા.ત., પગ્ પર વજનદાર વસ્તુ પડે તો તેનાથી ઉદભવતી દુખાવાની સંવેદનાને કારણે વ્યક્તિને તે વજનદાર વસ્તુને દૂર કરવાની કે પોતાનો પગ ત્યાંથી હઠાવી લેવાની જરૂર પડે છે. દુખાવાનો પ્રતિભાવ લાગણીના રૂપમાં પણ હોય છે. ક્યારેક લાગણીઓની તીવ્રતા મૂળ દુખાવાની સંવેદના કરતાં વધુ હોય છે. વ્યક્તિ બેભાન થાય ત્યારે દુખાવો કે પીડાનો અનુભવ કરતી નથી, પરંતુ તેનાથી ઓછી અભાન-અવસ્થા હોય ત્યારે દુખાવાની સંવેદના છેક કેન્દ્રીય ચેતાતંત્રનાં ઉપલાં કેન્દ્રો સુધી પહોંચે છે. આ થવાનું કારણ તેનો સંરક્ષણાત્મક હેતુ છે. શસ્ત્રક્રિયા વખતે દુખાવો ન થાય તે માટે વ્યક્તિને બેભાન (નિશ્ચેતન, anaesthetized) કરવી પડે છે. સામાન્ય રીતે દુખાવાની સંવેદના મોટા મગજના સૌથી ઉપલા સંવેદનાલક્ષી કેન્દ્ર ગણાતા મસ્તિષ્કી બાહ્યક (cerebral cortex) સુધી જાય છે, પરંતુ તેને ઈજા થયેલી હોય તોપણ ચેતક (thalamus), ચેતાજાળ-પ્રણાલી (reticular formation) તથા અન્ય ચેતાકેન્દ્રોમાં પહોંચતી સંવેદનાઓ વડે પણ દુખાવાની ખબર પડે છે. તેથી એવું મનાય છે કે દુખાવાની સંવેદના નીચલાં કેન્દ્રો દ્વારા મેળવવામાં આવે છે અને મોટા મગજનો સંવેદનાલક્ષી વિસ્તાર તેનું અર્થઘટન કરે છે.

આકૃતિ 1 : ચામડીમાં પથરાયેલા સંવેદના-સ્વીકારકો (1) અધિત્વચા, (2) ત્વચા, (3) અવત્વકીય પેશી, (4) કેશ, (5) કેશમૂળ, (6) પ્રસ્વેદગ્રંથિ, (7) રોમહર્ષક સ્નાયુ, (8) લોહીની નસો, (9) ત્વચાંકુર, (10) ત્વકતૈલ ગ્રંથિ, (11) પ્રસ્વેદ નળી, (12) મુક્ત ચેતાતંતુઓ, (13) શ્વેતમજ્જાવરણી ચેતાતંતુઓ, (14) પેસિનિયન ચેતાકણિકા, (15) અનાવરણી ચેતાતંતુઓ, (16) અંત:અધિત્વકીય અનાવરણીય ચેતાતંતુઓ અને તેમના મુક્તચેતાંતકો (પીડાની સંવેદનાના સ્વીકારકો).
દુખાવાની તકલીફવાળા દર્દીની તપાસ અને તેનું નિદાન ઘણા સંકુલ સ્વરૂપનાં હોય છે; કેમ કે, દુખાવાની સંવેદનાના અર્થઘટનમાં વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિ, અગાઉનો અનુભવ તથા વ્યક્તિની પૂર્વધારણા પણ મહત્વનો ભાગ ભજવે છે; દા.ત., સૈનિક કે કુસ્તીબાજને જે સંવેદના ખાસ દુખાવો ન કરતી હોય તેવી સંવેદના અન્ય માટે ઘણી પીડાકારક હોઈ શકે. આ ઉપરાંત દુખાવાની સંવેદના માટે વ્યક્તિનો લાગણીરૂપી પ્રતિભાવ કેવો રહે છે તે પણ ઘણું મહત્વનું છે. ઘણી વખત સામાન્ય પ્રકારની દુખાવાની સંવેદના લાગણીજન્ય પ્રતિભાવ ઉત્પન્ન કરે ત્યારે ઘણી વધુ પીડા સર્જે છે. આમ દુખાવાની ભૌતિક સંવેદના (sensation) સામાન્ય વ્યવહાર અને નિદાન-ચિકિત્સીય (clinical) કાર્યમાં એક પ્રકારનો પીડાનો અનુભવ (perception) બની જાય છે. પીડાની સારવારમાં શારીરિક પીડાવાહી (nociceptive) સંવેદના ઉપરાંત લાગણી અને વર્તન-સ્વરૂપે આવતા પ્રતિભાવોને પણ ધ્યાનમાં લેવા પડે છે.
પીડાના બે પ્રકારો છે : ત્વરિત (fast) અને મંદગતિવાળી પીડા. ત્વરિત પીડાની સંવેદનાનો અનુભવ 0.1 સેકન્ડમાં થાય છે, જ્યારે મંદગતિ પીડાની સંવેદનાનો અનુભવ 1 સેકન્ડથી વધુ અને ક્યારેક થોડીક મિનિટોમાં થાય છે. આ બંને પ્રકારની પીડાની સંવેદનાનું વહન કરતા ચેતાતંતુઓ અલગ અલગ પ્રકારના હોય છે. તેમની ગુણવત્તા (qualities) પણ અલગ અલગ હોય છે. ત્વરિત પીડાને અન્ય જુદાં જુદાં નામો વડે પણ ઓળખવામાં આવે છે; જેમ કે, તીક્ષ્ણ પીડા (sharp pain), ચૂભણ પીડા (pricking pain), ઉગ્ર પીડા અને વિદ્યુત્સમ પીડા (electric pain). જ્યારે સોય ચૂભે, ચપ્પુ ચામડી કાપે કે ચામડી પર ઝડપથી દાહ લાગે ત્યારે ત્વરિત પીડા થાય છે. આવું જ વીજાઘાત (electric shock) વખતે પણ થાય છે. શરીરની અંદરની પેશીમાંથી આવી ત્વરિત અને તીક્ષ્ણ પીડા ઉદભવતી નથી.
પીડા-સ્વીકારકો અને તેમની ઉત્તેજનાઓ : ચામડી અને પેશીમાં આવેલા ચેતાતંતુઓના મુક્ત છેડાઓ પીડાની સંવેદનાના સ્વીકારકો (receptors) તરીકે કામ કરે છે. તેમને મુક્ત ચેતાંતકો (free nerve endings) પણ કહે છે. તે ચામડીની સપાટી પાસે તથા હાડકાંની બહારની આવરણરૂપ પરિઅસ્થિકલા (periosteum), ધમનીની દીવાલ, સાંધામાં આવેલા હાડકાની સપાટી પર હોય છે. ખોપરીમાં દૃઢતાનિકાના મસ્તિષ્કી દાત્રપટલ (falx cerebri) અને તંબુપટલ (tentorium) નામના મોટા મગજના બંને ખંડો વચ્ચેના તથા મોટા અને નાના મગજ વચ્ચે આવેલા પડદા પણ પીડા-સ્વીકારકો તરીકે આવેલા હોય છે. મોટાભાગની અંદરની પેશીઓ કે અવયવોમાં તે જૂજ પ્રમાણમાં હોય છે અને તેને કારણે જો તેમને ઈજા કે નુકસાન થયેલાં હોય કે પીડાકારક સોજો થયેલો હોય તો ધીમો અને લાંબા સમયનો સતત ચાલતો દુખાવો થાય છે. મુક્ત ચેતાંતકોને ઉત્તેજિત કરતી ઉત્તેજનાઓ (stimuli) ત્રણ પ્રકારની હોય છે : યાંત્રિક, રાસાયણિક અને ઉષ્ણતાલક્ષી (thermal). ત્રણેય પ્રકારની ઉત્તેજનાઓ મંદગતિ પીડા સર્જે છે; પરંતુ યાંત્રિક તથા ઉષ્ણતાલક્ષી જેવી ભૌતિક ઉત્તેજનાઓ ત્વરિત પીડા પણ સર્જે છે. રાસાયણિક સંવેદના સર્જતાં દ્રવ્યોમાં મંદગતિકારક (bradykinin), સિરોટોનિન, હિસ્ટામિન, પૉટૅશિયમ આયન, ઍસિડ, એસિટાઇલકોલિન, પ્રોટીનલયી ઉત્સેચકો (proteolytic enzymes), પ્રોસ્ટાગ્લેન્ડિન્સ તથા પી-પદાર્થ(P-substance)નો સમાવેશ થાય છે. પેશીને કોઈ પણ કારણસર નુકસાન થાય ત્યારે આ દ્રવ્યો છૂટાં પડે છે અને તે મુક્ત ચેતાંતકોને ઉત્તેજે છે. પીડાના સ્વીકારકો એકની એક પ્રકારની ઉત્તેજના થયા કરે છતાં તેનાથી ટેવાતા નથી અને તેથી તે દરેક સમયે પીડાની સંવેદનાના આવેગો (impulses) મોકલે છે. ખરેખર તો એવું બને છે કે સતત ઉત્તેજના થતી રહે તો તેમની ઉત્તેજનશીલતા (excitability) વધે છે અને તેથી ક્યારેક અતિપીડા(hyperalgesia)ની સ્થિતિ સર્જાય છે; જેમાં પીડાજનક ઉત્તેજનાનું પ્રમાણ વધેલું હોતું નથી, પરંતુ પીડાની સંવેદનાના આવેગો ઘણા વધી ગયેલા હોય છે. પીડા-સ્વીકારકોનો આ ગુણધર્મ સંરક્ષણાત્મક છે તે સહેજે સમજી શકાય તેમ છે; કેમ કે, વધુ પડતી પીડા વ્યક્તિને તત્કાળ પ્રતિભાવરૂપ સારવાર અને રાહત શોધવાની ફરજ પાડે છે.
સામાન્ય માણસની ચામડીનું તાપમાન 450 સે. થાય એટલે તે પીડાનો અનુભવ કરે છે. આ તાપમાને પેશીને ગરમીને કારણે નુકસાન શરૂ થતું હોય છે. પેશીને થતા નુકસાનનો દર પીડાની સંવેદનાની તીવ્રતા નક્કી કરે છે. આવું નુકસાન ગરમી, ચેપ, ઈજા કે લોહીના પરિભ્રમણમાં આવેલી સ્થાનિક રુકાવટ(પેશીય અલ્પરુધિરવાહિતા, tissue ischaemia)ને કારણે થતું હોય છે. પેશી-નુકસાન વખતે ઉત્પન્ન થતાં વિવિધ રસાયણો પીડાની સંવેદના સર્જે છે. તે બધાંમાં મંદગતિકારક નામનું દ્રવ્ય સૌથી વધુ મહત્વનું ગણાય છે. તેવી જ રીતે પેશીમાં પોટૅશિયમના આયનો વધે કે પ્રોટીનલયી ઉત્સેચકો મુક્ત ચેતાંતકો પર સીધી પ્રક્રિયા કરે ત્યારે પણ પીડા અનુભવાય છે. હાથ પર લોહીનું દબાણ માપતા સાધનનો પટ્ટો બાંધીને તેમાં દબાણ વધારવામાં આવે ત્યારે હાથમાં લોહી ફરતું બંધ થાય છે. તેને કારણે હાથની પેશીમાં અરુધિરવાહિતા (ischemia) ઉદભવે છે. જો હાથના સ્નાયુ સક્રિય હોય તો 15થી 20 સેકન્ડમાં અને શિથિલ પડી રહેલા હોય તો 3થી 4 મિનિટમાં આ વિકાર ઉદભવે છે, જે પીડાકારક હોય છે. આવા સમયે કાં તો લૅક્ટિક ઍસિડનો ભરાવો અથવા અન્ય રાસાયણિક દ્રવ્યોનું ઉત્પાદન કે વિમોચન (release) પીડાની સંવેદના સર્જે છે. સ્નાયુઓનું સતત સંકોચન (muscle spasm) ઘણી વખત પીડા કરે છે. સ્નાયુનું સતત સંકોચન સ્નાયુમાંના યાંત્રિક સ્વીકારકો(mechanoreceptors)ને ઉત્તેજીને પીડાની સંવેદના સર્જે છે. સ્નાયુ-સંકોચન વખતે ઉત્પન્ન થતાં રસાયણો પણ આ ક્રિયામાં ભાગ લે છે.
પીડાની સંવેદનાનું કેન્દ્રીય ચેતાતંત્ર સુધીનું દ્વિમાર્ગી વહન : પેશીમાંના પીડાકર ઉત્તેજનાના સ્વીકારકો તરીકે મુક્ત ચેતાંતકો કાર્ય કરે છે; પરંતુ તેમના દ્વારા કેન્દ્રીય ચેતાતંત્રને પહોંચાડાતી સંવેદનાના આવેગો બે જુદા જુદા ચેતામાર્ગો (nerve pathways) દ્વારા વહે છે. આ બંને ચેતામાર્ગો ત્વરિત-તીક્ષ્ણ પીડા અને મંદગતિ-દીર્ઘકાલીન પીડા – એમ પીડાના બંને પ્રકારો સાથે અમુક અંશે જોડાયેલા હોય છે. ત્વરિત-તીક્ષ્ણ પીડાની સંવેદનાના આવેગો યાંત્રિક અને ઉષ્માલક્ષી ઉત્તેજનાઓ જેવી ભૌતિક ઉત્તેજનાઓથી ઉત્પન્ન થાય છે અને તે પરિઘીય ચેતાઓ(peripheral nerve)ના નાના Ad પ્રકારના ચેતાતંતુઓ દ્વારા કરોડરજ્જુ (મેરુરજ્જુ) સુધી પહોંચે છે. તેમાં તેમનો વેગ સેકન્ડના 6થી 30 મીટરનો હોય છે. તેની સામે, રાસાયણિક ઉત્તેજનાઓથી ઉત્પન્ન થતા મંદગતિ-દીર્ઘકાલીન પીડાના સંવેદના-આવેગો પરિઘીય ચેતાઓના C પ્રકારના ચેતાતંતુઓ દ્વારા 0.5થી 2 મીટર/સેકન્ડના વેગથી કરોડરજ્જુ સુધી પહોંચે છે. લાંબા સમયની ભૌતિક ઉત્તેજના પણ આ જ માર્ગે મંદગતિ-દીર્ઘકાલીન પીડાની સંવેદના કરોડરજ્જુ સુધી પહોંચાડે છે. આવા દ્વિમાર્ગી વહનને કારણે એક જ પ્રકારની પીડાકારક ઉત્તેજના ક્યારેક બે પ્રકારની સંવેદનાને કેન્દ્રીય ચેતાતંત્ર સુધી પહોંચાડે છે. ત્વરિત-તીક્ષ્ણ પીડાને કારણે વ્યક્તિ પોતાને નુકસાનકારક વાતાવરણ કે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની જરૂરિયાત સમજે છે, અને મંદગતિ-દીર્ઘકાલીન પીડાની સંવેદના દ્વારા તેને તેની પેશીને થયેલા નુકસાનની જાણકારી પણ મળે છે. ક્યારેક આવી મંદગતિ-દીર્ઘકાલીન પીડાને કારણે વ્યક્તિ સહન ન કરી શકે તેટલી લાંબા ગાળાની વેદના (intolerable suffering) પણ અનુભવે છે.
પરિઘીય ચેતા દ્વારા આવેલા ચેતાતંતુઓ કરોડરજ્જુના પશ્ચમૂળ(posterior root)માં થઈને કરોડરજ્જુના ભૂખરા દ્રવ્યના બનેલા પશ્ચશૃંગ(posterior horn)માં વિરમે છે. Ad ચેતાતંતુઓ જ્યારે પશ્ચશૃંગમાં વિરમે છે ત્યારે ત્યાંથી દ્વિતીય સ્તરના ચેતાકોષો સુધી માહિતીનું વહન ગ્લૂટામેટ નામના ચેતાસંદેશાવાહક (neurotransmitter) રસાયણ વડે થાય છે. ત્યાંથી આવેગોને આગળ લઈ જતા ચેતાતંતુઓ બે કરોડરજ્જુમાં મધ્યરેખા ઓળંગીને બાજુ બદલે છે અને કરોડરજ્જુના અગ્રપાર્શ્વી સ્તંભ (anterolateral column) દ્વારા ઉપર મગજમાં આવેલા ચેતક(thalamus) નામના ચેતાકેન્દ્ર-સમૂહ સુધી પહોંચે છે. આ ઉપર ચઢતા આરોહી ચેતામાર્ગ(ascending pathway)ને અગ્રપાર્શ્વ મેરુરજ્જુચેતક ચેતામાર્ગ (anterior spinothalamic pathway) અથવા દૈહિક સંવેદનાલક્ષી ચેતામાર્ગ (somatosensary pathway) કહે છે. આ ચેતામાર્ગમાં બે ચેતાપથ (neural tracts) આવેલા છે; જે ત્વરિત અને મંદગતિ એમ બંને પ્રકારની પીડાની સંવેદનાઓ જોડે અલગ અલગ રીતે સંકળાયેલા છે. તેમને નવમેરુરજ્જુ-ચેતક ચેતાપથ (neospinothalamic tract) અને પુરામેરુરજ્જુ-ચેતક ચેતાપથ (paleospinothalamic tract) કહે છે. ત્વરિત-તીક્ષ્ણ પીડાની સંવેદના Aδ ચેતાંતુઓ દ્વારા આવીને નવમેરુરજ્જુ-ચેતક ચેતાપથ દ્વારા ચેતક સુધી પહોંચે છે.
ત્વરિત-તીક્ષ્ણ પીડાની સંવેદના લાવતા Aδ ચેતાતંતુઓ કરોડરજ્જુના પશ્ચશૃંગમાંની કિનારાવર્તી પટ્ટિકા(lamina marginalis)માં પહોંચીને વિરમે છે. ત્યાંથી દ્વિતીય સ્તર (second order) ચેતાતંતુઓ બાજુ બદલીને નવમેરુરજ્જુ-ચેતક ચેતાપથ દ્વારા ચેતક સુધી પહોંચે છે. તેમના માર્ગમાં તે વચ્ચે મસ્તિષ્ક-પ્રકાંડની ચેતાજાલ-પ્રણાલી(reticular romation)માં પણ કેટલાક ચેતાતંતુઓ આવે છે; પરંતુ મોટાભાગના ચેતાતંતુઓ ચેતકના વક્ષતલીય ચેતાકેન્દ્રસંકુલ(ventrobasal complex)માં વિરમે છે. ત્યાં તેમની સાથે સ્પર્શની સંવેદના લાવતી મધ્યવર્તી ચેતાપટ્ટિકા(medial leminiscus)ના ચેતાતંતુઓ પણ વિરમે છે. થોડાક ચેતાતંતુઓ પશ્ચચેતાકેન્દ્રીય જૂથ(posterior nuclear group)માં પણ જાય છે. ચેતકનાં આ વિવિધ ચેતાકેન્દ્રોમાંથી ઉદભવતા તૃતીય સ્તરીય ચેતાતંતુઓ, મગજના અન્ય ભાગો તથા સંવેદનાઓની જાણકારીનું સૌથી ઉપલું ચેતાકેન્દ્ર જે છે તેવા સંવેદનાલક્ષી મસ્તિષ્કી-બાહ્યક(cerebral cortex)ની પશ્ચમધ્યગડી(postcentral gyrus)માં પહોંચે છે. આમ ત્વરિત-તીક્ષ્ણ પીડાની સંવેદનાની જાણકારી મોટા મગજને થાય છે. મોટા મગજના બહારના અથવા સપાટી પરના ભૂખરા રંગના ભાગને મસ્તિષ્કી-બાહ્યક કહે છે, જે અખરોટની સપાટી જેવી ગડીઓ ધરાવે છે. તેમાંની પશ્ચમધ્યગડી બધી જ દૈહિક સંવેદનાઓનું ઉચ્ચતમ ચેતાકેન્દ્ર (highest nerve centre) ગણાય છે. ઉત્ક્રાંતિની દૃષ્ટિએ આ નવો અથવા પાછળથી બનેલો સંવેદનાવાહી ચેતામાર્ગ હોવાથી તેને લાવતા ચેતાપથને ‘નવ’ (neo) ઉપસર્ગ લાગે છે નવમેરુરજ્જુ-ચેતક ચેતાપથ. ત્વરિત પીડા અંગેની જાણકારી મોટા મગજના બાહ્યકમાં થતી હોવાથી શરીરના કયા ભાગમાં તે ઉદભવી છે તે સ્પષ્ટપણે જાણી શકાય છે. આવું મંદગતિ-દીર્ઘકાલીન પીડા માટે બનતું નથી, કેમ કે તેનું સૌથી ઉપરનું ચેતાકેન્દ્ર ચેતક પોતે જ છે. જોકે સ્પર્શ-સંવેદનાના સ્વીકારકો કરતાં પીડા-સંવેદનાના સ્વીકારકો વધુ છૂટા છવાયેલા હોય છે, તેથી ઘણી વખત પીડાની સંવેદનાના મૂળ વિસ્તારની 10 સેમી.ની આસપાસના વિસ્તારમાંથી તે ઉદભવી છે એવું જાણી શકાય છે. જો સાથે સાથે સ્પર્શ-સંવેદનાના આવેગો પણ મળેલા હોય તો પીડાનું સ્થાનનિશ્ચયન વધુ ચોક્કસ બને છે.

આકૃતિ 2 : સંવેદનાવાળી ચેતાપથ-ચિત્રાત્મક નિદર્શન. (અ) કરોડરજ્જુમાંથી આવતા ચેતાપથ, (આ) ત્રિશાખી ચેતા (trigeninal nerve)નો સંવેદનવાહી ચેતાપથ, (ઇ) મગજ સુધી પહોંચતા સંવેદનાલક્ષી ચેતાપથ, (ઈ) ચેતક અને મસ્તિષ્ક વચ્ચેના ચેતાતંતુઓ.
મંદગતિ-દીર્ઘકાલીન પીડાની સંવેદના લાવતા ‘C’ પ્રકારના ચેતાતંતુઓ પણ કરોડરજ્જુના પશ્ચશૃંગમાં વિરમે છે. તેમના છેડામાંથી ગ્લૂટામેટ તથા ‘પી’ દ્રવ્ય ઝરે છે. ગ્લૂટામેટ ચેતાસંદેશાવાહકનું કાર્ય કરે છે અને તેની અસર થોડીક મિલી સેકન્ડ પૂરતી હોય છે; જેમાં તે દ્વિતીય સ્તરના ચેતાકોષોને ઉત્તેજે છે. પી-દ્રવ્ય ધીમે ધીમે ઝરે છે અને થોડી સેકન્ડોથી માંડીને મિનિટો સુધી તેની સાંદ્રતા વધતી રહે છે. ટાંકણી ચૂભ્યા પછી જે બે પ્રકારની પીડા વ્યક્તિ અનુભવે છે તેનું કારણ કદાચ આ બે રસાયણો છે. ગ્લૂટામેટને કારણે ત્વરિત પીડા અને પી-દ્રવ્યને કારણે દીર્ઘકાલીન પીડા અનુભવાય છે. જોકે આ સંકલ્પનાને સંપૂર્ણપણે સ્વીકારવા માટે હજુ વધુ વિગતોની જરૂર છે. મંદગતિ-દીર્ઘકાલીન પીડાની સંવેદના લઈ જતા દ્વિતીય સ્તરના ચેતાતંતુઓ કરોડરજ્જુમાં મધ્યરેખા ઓળંગીને બીજી બાજુ જાય છે અને તે પુરામેરુરજ્જુ-ચેતક ચેતાપથ દ્વારા ઉપર ચઢે છે. તેમાંના મોટાભાગના ચેતાતંતુઓ મસ્તિષ્ક-પ્રકાંડ(brainstem)માં આવેલી ચેતાજાળ-પ્રણાલી, અટ્ટાવી વિસ્તાર (tectal area) અને પરિજલનલિકા (periaquiductal) વિસ્તારમાં વિરમે છે અને
ભાગના ચેતાતંતુઓ ચેતક સુધી પહોંચીને વિરમે છે. નીચલા ચેતાકેન્દ્રમાંથી નીકળતા ચેતાતંતુઓ મગજના અધશ્ચેતક (hypothalamus) અને અન્ય તલપ્રદેશીય ચેતાકેન્દ્ર(basal nuclii)માં જાય છે : અધશ્ચેતક સાથે જોડાતા ચેતાતંતુઓ પીડાનો લાગણીકારી અનુભવ સર્જે છે. નીચલા સ્તરનાં પ્રાણીઓમાં મોટું મગજ કાપી કાઢવામાં આવે તોપણ ચેતક અને અન્ય નીચલાં ચેતાકેન્દ્રોને કારણે પણ પીડાનો અનુભવ થાય છે. માટે પીડાના અનુભવ માટે મોટા મગજના બાહ્યકની જરૂર છે જ એવું નથી. મોટા મગજના બાહ્યક સંવેદનાઓને સભાનપણે અર્થઘટિત કરે છે. તેથી નીચલા સ્તરનાં ચેતાકેન્દ્રો પીડાનો અનુભવ કરાવી શકે છે, પરંતુ મંદગતિ-દીર્ઘકાલીન પીડાની સંવેદના કયા સ્થળેથી ઉત્પન્ન થઈ છે તેનું નિશ્ચયન ઓછી ચોકસાઈવાળું રહે છે. તેનું કારણ સમગ્ર ચેતામાર્ગમાં અનેક ચેતાગ્રથનો (synapses) આવેલાં છે તે હશે એવું મનાય છે. બે ચેતાકોષો એકબીજા સાથે જે સ્થળે જોડાય તે સ્થળને ચેતાગ્રથન કહે છે. તેથી લાંબા સમયની પીડાવાળો દર્દી તેના પીડાકારક વિસ્તારને એક આંગળીથી બતાવવામાં મુશ્કેલી અનુભવે છે. હાલની માન્યતા મુજબ પીડાની સંવેદનાને અનુભવવાનું કાર્ય ચેતક સહિતનાં નીચલાં ચેતાકેન્દ્રો કરે છે અને મગજ પીડાની સંવેદનાની ગુણવત્તા વિશે ખ્યાલ મેળવે છે. પીડાની સંવેદનાનું વહન કરતા ઘણા ચેતાતંતુઓ મસ્તિષ્ક-પ્રકાંડની ચેતાજાળ-પ્રણાલી તથા ચેતકમાં આવેલાં અંત:પટ્ટિકા-ચેતાકેન્દ્રો(intralaminar nuclii)માં વિરમે છે. આ બંને વિસ્તારો વ્યક્તિને જાગ્રત રાખવામાં (arousal) મહત્વનું કાર્ય કરે છે; માટે જ્યારે પણ પીડાની સંવેદના ઉદભવે ત્યારે વ્યક્તિ ઊંઘમાંથી ઊઠી જાય છે.
પીડાશામક ઔષધો તથા પારત્વકીય વિદ્યુતીય ચેતોત્તેજન (transcutaneous electrical nerve stimulation, TENS) જેવી ભૌતિક ક્રિયાઓ દુખાવાનું શમન ન કરે તેવી ખૂબ વધી ગયેલા કૅન્સરની બીમારીમાં ઘણી વખત ચેતામાર્ગને કાપીને કે દવાઓ વડે તેના આવેગવહનમાં અવરોધ જન્માવીને પણ પીડાશમન કરાય છે. તેને અનુક્રમે મેરુરજ્જુછેદન (cordotomy) કે ચેતારોધ (nerve-block) કહે છે.
આંતરિક પીડાશમન : દરેક વ્યક્તિનો પીડાનો અનુભવ અને તે માટેની પ્રતિક્રિયા અલગ અલગ હોય છે. તેમાં સહનશક્તિ, લાગણીઓ પરનો કાબૂ, વ્યક્તિત્વ, મનોદશા (mood) ઉપરાંત મગજની અંદરની પીડાશમનની પ્રણાલી (analgesic system) પણ ઉપયોગી રહે છે. ચેતાતંત્રમાંના વિવિધ ચેતાપથ અને ચેતામાર્ગો દ્વારા પીડાની સંવેદનાનો પ્રવેશ (નિવેશન, input) ઘટાડાય છે. પીડાની સંવેદનાના નિવેશનને ઘટાડતી પ્રક્રિયાને પીડાનિયંત્રણ-પ્રણાલી કહે છે. તેનાં ત્રણ મુખ્ય ઘટકો છે : મધ્યમસ્તિષ્ક(midbrain)માં પરિજલનલિકાકીય ધૂસરદ્રવ્ય (periaquiductal gray) નામનો વિસ્તાર તથા અધશ્ચેતક(hypothalamus)માં આવેલો પરિનિલયી વિસ્તાર (periventricular area) પહેલું ઘટક બનાવે છે. આ બંને વિસ્તારો મગજમાંના પ્રવાહી ભરેલા ત્રીજા પોલાણ(ત્રીજું નિલય)ની આસપાસ તથા ત્રીજા અને ચોથા નિલયને જોડતી જલનલિકા(aquiduct)ની આસપાસ આવેલા છે. તેમાંથી નીકળતા અવદાબક ચેતાતંતુઓ મજ્જાસેતુ(pons)માં અને લંબમજ્જા(medulla oblongata)માં આવેલા તન્વી મહાચેતાકેન્દ્ર (raffe magnus nucleus) તથા અન્ય ચેતાકેન્દ્રોમાં અથવા કરોડરજ્જુના પશ્ચશૃંગમાં જાય છે. તેથી પીડાનિયંત્રણ-પ્રણાલીના મુખ્ય ત્રણ ઘટકો (1) પરિનિલયી વિસ્તાર તેમજ પરિજલનલિકાકીય ધૂસર- દ્રવ્ય, (2) મજ્જાસેતુ અને લંબમજ્જાના તન્વી મહાચેતાકેન્દ્ર તથા અન્ય કેન્દ્રો અને (3) મેરુરજ્જવી પશ્ચશૃંગ (spinal dorsal horn). કરોડરજ્જુ(મેરુરજ્જુ)ના પશ્ચશૃંગમાં આવેલા ચેતાકોષો પીડા અવદાબક સંકુલ (pain inhibitory complex) બનાવે છે; જે બહારથી આવતી પીડાલક્ષી સંવેદનાઓને ચેતાતંત્રના ઉપરના વિસ્તારો કે કેન્દ્રો સુધી જવા જ દેતી નથી. તેને પીડાનું દ્વારનિયંત્રણ (gate control) કહે છે. આવું જ પીડાની સંવેદનાના વહનનું અવદાબન લંબમજ્જા, મજ્જાસેતુ, મધ્યમસ્તિષ્ક અને અધશ્ચેતકનાં ઉપર જણાવેલાં ચેતાકેન્દ્રોમાં પણ થાય છે.


આકૃતિ 3 : પીઠનું કંકાલતંત્ર સ્પર્શવેદનાના બિન્દુઓ : (અ) પીઠમાંનાં હાડકાં (આ) સ્પર્શવેદનાનાં સ્થાન અને નિદાન : (1) ગ્રીવાલક્ષી કરોડસ્તંભ, (2) ખભો, (3) ભુજાસ્થિ (humerus), (4) પાવડાસ્થિ (scapula), (5) છાતીનું અસ્થિપિંજર, (6) પાંસળીઓ (7) પૃષ્ઠલક્ષી કરોડસ્તંભ, (8) કટિલક્ષી કરોડસ્તંભ, (9) ત્રિકાસ્થિ (sacrum), (10) નિતંબનું હાડકું, (11) જંઘાસ્થિ (femul), (12) આસનાસ્થિ, (13) કેડ, (14) 12મી પાંસળી, (15) મૂત્રપિંડલક્ષી સંદર્ભપીડા, (16) ખોટી રીતે બેસવાથી થતો દુખાવો, (17) સ્થાનિક મરોડનો દુખાવો. : (18) અને (19) સ્પર્શવેદનાના બિન્દુઓ કે જેના પર દબાવવાથી વિવિધ રોગો/વિકારોમાં દુખાવો થાય : (18) રાંઝણનો દુખાવો, (19) સ્થાનિક અસ્થિભંગમાં દુખાવો
પીડાશમનની આ ચેતાકેન્દ્રોની પ્રણાલીમાં કાર્ય કરતાં ચેતા-સંદેશવાહક રસાયણોમાં સિરોટોનિન, અંત:મસ્તિષ્કી પીડાશામક (eukephalin) અને અંત:અફીણાભ પીડાશામક(endorphin) વગેરેનો સમાવેશ થાય છે. પરિજલનલિકાકીય ધૂસરદ્રવ્યના ચેતાતંતુઓના છેડામાંથી અંત:મસ્તિષ્કી પીડાશામક નામનું રસાયણ ઝરે છે. આમ તન્વી મહાચેતાકેન્દ્રમાં અંત:મસ્તિષ્કી પીડાશામકનું સ્રવણ થાય છે. તેમાંથી ઉદભવતા ચેતાતંતુઓ કરોડરજ્જુના પશ્ચશૃંગમાં વિરમે છે. ત્યાં તેમના નીચલા છેડા દ્વારા સિરોટોનિનનું સ્રવણ કરે છે. કરોડરજ્જુમાં મુક્ત થયેલું સિરોટોનિન સ્થાનિક કોષોમાંથી અંત:મસ્તિષ્કી પીડાશામકનું સ્રવણ વધારે છે. અંત:મસ્તિષ્કી પીડાશામક Aδ તથા C ચેતાતંતુઓનું તથા મેરુરજ્જુચેતક ચેતાપથના ચેતાતંતુઓનું અવદાબન કરે છે. તેને કારણે પીડાની સંવેદના ઉપલાં ચેતાકેન્દ્રો સુધી પહોંચતી અટકાવે છે. બહારથી આવતી પીડા અંગેની સંવેદનાઓ અને તેમના અવદાબન વચ્ચે સંતુલન સર્જીને પીડાની સંવેદનાથી ઉદભવતી વેદના (suffering) યોગ્ય પ્રમાણમાં રહે તેવી સ્થિતિ સર્જાય છે. વિવિધ પ્રકારના મૉર્ફિન જેવાં અફીણાભ દ્રવ્યો (opiates) મગજ અને કરોડરજ્જુના વિસ્તારોમાં હોય છે એવું શોધાયું છે. તેઓ આંતરિક પીડાશમન-પ્રણાલીમાં વિવિધ સ્તરે કાર્યરત હોય છે. આ બધાં અંત:અફીણાભ પીડાશામકો પ્રોટીનના ત્રણ મોટા અણુઓનાં વિભાજિત શેષદ્રવ્યો(derivatives) છે. પ્રોટીનના ત્રણ મોટા અણુઓનાં નામ છે : પ્રોઓપિઓમેલિનોકોર્ટિન, પ્રોએન્કિફેલિન તથા પ્રોડાયનોર્ફિન. મહત્વનાં અફીણાભ દ્રવ્યોમાં બીટા-અંત:અફીણાભ પીડાશામક (β-endorphin), મેટ-અંત:મસ્તિષ્કી પીડાશામક, લ્યુ-મસ્તિષ્કી પીડાશામક અને ગત્યફીણાભ પીડાશામક-(dynomorphin)નો સમાવેશ થાય છે. બીટા-જૂથનું અંત:અફીણાભ પીડાશામક અધશ્ચેતક અને પીયૂષિકા ગ્રંથિમાં પણ જોવા મળે છે.
જે ભાગ દુખતો હોય તે ભાગ પરની ચામડીને ઘસવાથી ત્યાંથી સ્પર્શ-સંવેદનાના આવેગો ઉદભવે છે, જે કરોડરજ્જુના પશ્ચશૃંગમાં Aβ ચેતાતંતુઓ વડે પહોંચે છે. આ સંવેદના-આવેગો પશ્ચશૃંગમાંના પીડાવહનના ચેતાતંતુઓનું અવદાબન કરે છે; તેથી દુખતું હોય તે સ્થળે હાથ ફેરવવા કે ઘસવાથી પીડાનો અનુભવ ઘટે છે. તેવી જ રીતે ચામડી પર કે ચેતકમાં ચોક્કસ સ્થળે વિદ્યુત વડે ઉત્તેજના કરવામાં આવે તો પણ પીડાનું શમન થાય છે. આમ વિવિધ આંતરિક પીડાના અનુભવમાં ઘટાડો થયેલો જોવા મળે છે.

આકૃતિ 4 : પીડાની સંવેદનાઓ અને અવદાબન : (અ) પીડાસ્વીકારક, (આ) પીડાસંવેદનાની તીવ્રતા, (ઇ) ગરમીનો પીડા તરીકે અનુભવ – મોટાભાગની વ્યક્તિઓ 450 C. ગરમીથી પીડા અનુભવે છે. (ઈ) પીડાવહનના ચેતામાર્ગો, (ઉ) પીડાની સંવેદનાનું અવદાબન કરતા તથા શમન કરતા ચેતામાર્ગો, (ઊ) અવયવી પીડાનો સંદર્ભિત પીડા રૂપે પ્રસાર. : (1) મુક્ત ચેતાંતકો (પીડા સંવેદનાના સ્વીકારકો), (2) ચામડી (પેશી), (3) ટાંકણી, (4) ચેતા, (5) ચેતાતંતુઓ, (6)થી (8) ઉત્તેજિત ચેતાતંતુઓ (6) ઓછા ચેતાતંતુઓ, (7) મધ્યમ સંખ્યાનાં ચેતાતંતુઓ, (8) ઘણા ચેતાતંતુઓ, (9) કરોડરજ્જુ, (10) પીડાના ચેતામાર્ગો, (11) ચેતાજાલીમય સક્રિયક પ્રણાલી, (12) ત્વરિત પીડાના ચેતામાર્ગ, (13) મંદગતિ પીડા ચેતામાર્ગો, (14) ચેતક, (15) મોટા મગજ તરફ જતા ચેતાતંતુઓ, (16) સંવેદનાલક્ષી ચેતાતંતુઓ, (17) અંત:મસ્તિકી પીડાશામક ચેતાતંતુઓ, (18) લંબમજ્જા, (19) મજ્જાસેતુ, (20) મધ્યમસ્તિષ્ક, (21) ત્રીજું નિલય, (22) જલનલિકા, (23) ચોથું નિલય (24) પારનિલયી વિસ્તાર, (25) પરિજલ નલિકાકોષ ધૂસર-દ્રવ્ય, (26) ગળું, (27) ખભો, (28) છાતી, (29) પેટ, (30) નાભિ, (31) ઊરુવિસ્તાર, (32) હૃદયનો દુખાવો, (33) અન્નનળીનો દુખાવો, (34) જઠરનો દુખાવો, (35) યકૃત અને પિત્તાશયનો દુખાવો, (36) જઠરાંત(pylorus)નો દુખાવો, (37) એપેન્ડિક્સ અને આંતરડાનો દુખાવો, (38) જમણા મૂત્રપિંડનો દુખાવો, (39) ડાબા મૂત્રપિંડનો દુખાવો, (40) મોટા આંતરડાનો દુખાવો, (41) મૂત્રપિંડનળી(ureter)નો દુખાવો (ચૂંક)
સંદર્ભિત પીડા (referred pain) : શરીરમાં એક સ્થળે ઉદભવેલા વિકારની પીડા શરીરમાં અન્યત્ર અનુભવાય તો તેને સંદર્ભિત પીડા કહે છે. તેના વિશેનું જ્ઞાન જુદા જુદા અવયવના વિકારોના નિદાન માટે ઉપયોગી છે. ચામડી પરના ચર્મપટ્ટામાંથી અને કોઈ અવયવમાંથી આવતી પીડાની સંવેદનાનું વહન કરતા ચેતાતંતુઓ કરોડરજ્જુના એક જ વિખંડમાં પ્રવેશીને એક જ દ્વિતીય સ્તરના ચેતાતંતુ સાથે ચેતાગ્રથન કરીને સંકળાયેલા હોય તો ઉપરનાં કેન્દ્રોમાં પહોંચતા સંદેશા જાણે જે તે ચર્મપટ્ટામાં ઉદભવેલી પીડાના હોય તેવી સમજણ ઊભી કરે છે. આમ વિવિધ અવયવોમાં ઉદભવતી પીડા શરીરના જુદા જુદા ભાગો પર સંદર્ભિત થાય છે.
પ્રસરતી પીડા (radiating pain) : જો કોઈ ચેતા (nerve) મોટા વિસ્તારમાં તેની શાખાઓ વડે સંવેદનાઓ ઝીલતી હોય તો ક્યારેક તેવી ચેતાના વિકારમાં પીડાનું તે સમગ્ર વિસ્તાર પર પ્રસરણ થાય છે; દા. ત., રાંઝણ. તેવી જ રીતે હૃદ્-પીડ(anginapectoris)નો દુખાવો સંદર્ભિત પીડા રૂપે છાતીના મધ્ય ભાગમાં તેમજ ડાબા ખભા અને હાથમાં અનુભવાય છે. આંત્રપુચ્છશોથ(appendicitis)માં પીડાનું પ્રસરણ જુદી રીતે થાય છે. સૌપ્રથમ સંદર્ભિત પીડા રૂપે ડૂંટીની આસપાસ દુ:ખે છે, પરંતુ જ્યારે આંત્રપુચ્છ-શોથનો વિકાર પરિઘીય પરિતનકલાને પણ અસર કરે છે ત્યારે તે ખસીને સ્થાનિક પીડા રૂપે પેટના જમણા નીચલા નિતંબીય વિસ્તારમાં સ્થિર થાય છે. મૂત્રપિંડનળીમાં પથરી હોય તો તે પથરી જેમ જેમ ખસીને મૂત્રાશય તરફ જાય તેમ તેમ દુખાવો પણ બદલાતી જતી સંદર્ભિત પીડાની જગ્યાને કારણે ખસીને પશ્ચકટિવિસ્તારથી નીચે અને આગળ વૃષણકોથળી (scrotum) તરફ જાય છે.
અતિપીડા (hyperalgesia) : પીડાસંવેદનાવાહી ચેતામાર્ગની ઉત્તેજનશીલતા વધી જાય તો પીડાકારક ઉત્તેજના કરતાં પીડાની સંવેદના અને અનુભવ વધી જાય છે. તેને અતિપીડા કહે છે. તે બે પ્રકારની છે : પ્રાથમિક (primary) અને દ્વૈતીયીક (secondary). સ્વીકારકો (receptors) વધુ પડતા ઉત્તેજનશીલ થાય ત્યારે પ્રાથમિક અતિપીડા થાય છે; દા. ત., સૂર્યતાપમાં તપેલી ચામડી. મોટેભાગે હિસ્ટામિન અને કદાચ પ્રોસ્ટાગ્લેન્ડિનનો સ્થાનિક સ્રાવ તેવું કરે છે. કરોડરજ્જુ કે ચેતકના વિકારોમાં ચેતામાર્ગનું વહન ક્યારેક વધુ થાય છે. તેને દ્વૈતીયીક અતિપીડા કહે છે. ચેતકના વિકારોમાં અનુભવાતી વધુ પડતી પીડાને ચેતકીય સંલક્ષણ (thalamic syndrome) કહે છે.
દુરભિસારીય પીડા (deafferentation pain) : સંવેદનાઓ કેન્દ્રીય ચેતાતંત્ર તરફ થાય છે માટે તેના આવેગોનું વહન કરતા ચેતાતંતુઓ અભિસારી ચેતા (afferent nerves) બનાવે છે. જ્યારે આવા અભિસારી ચેતાતંતુઓ કૅન્સર કે અન્ય રોગને કારણે અસરગ્રસ્ત થાય ત્યારે તેમાંથી ઉદભવતી સંવેદનાઓ પીડા કરે છે. તેને દુરભિસારીય પીડા કહે છે. ત્રિશાખી ચેતાપીડ(trigeminal neuralgia)માં ચેતાઓ અને ચેતામૂળપીડ(radicular pain)માં ચેતામૂળમાં ઉદભવેલો વિકાર પણ કેન્દ્રીય ચેતાતંત્રને પીડાકારક સંદેશાઓ મોકલે છે. આવી જ રીતે હર્પિસઝોસ્ટરના રોગમાં કરોડરજ્જુના પશ્ચશૃંગમાંના ચેતાકોષો પીડાકારક સંવેદનાઓ સર્જે છે. આમ અતિપીડા, દુરભિસારીય પીડા, ચેતાપીડ, ચેતામૂળપીડ વગેરે વિવિધ ચેતાતંત્રીય વિકારો પણ પીડા સર્જે છે. આવા પ્રકારની પીડાને ચેતારુગણ્તાજન્ય પીડા (neuropathic pain) કહે છે.
પીડાના કારણ અને તેની તીવ્રતાનું નિદાન તથા સારવારના સિદ્ધાંતો : દર્દીના શરીરમાંના વિકારોથી ઉદભવતી પીડાને દૈહિક પીડા (somatic pain) કહે છે, જ્યારે ચેતાતંત્રના વિકારથી ચેતારુગ્ણતાજન્ય (neuropathic) પીડા ઉત્પન્ન થાય છે. દૈહિક પીડા અવયવોમાંથી (અવયવી પીડા, visceral pain) અથવા બહારની સંરચનાઓ(સ્નાયુ, હાડકાં, ચામડી વગેરે)માંથી ઉદભવે છે. અવયવી પીડા સામાન્ય રીતે ચામડી પર કોઈ વિસ્તારમાં સંદર્ભિત પીડા રૂપે અનુભવાય છે. પીડા ક્યારેક અન્યત્ર ફેલાતી પણ જોવામાં આવે છે. દૈહિક અને ચેતારુગ્ણતાજન્ય પીડાના બંને પ્રકારોને અલગ પાડવા જરૂરી ગણાય છે. દૈહિક પીડા હોય ત્યારે પીડાકારક કારણ કે રોગની હાજરી જાણી શકાય છે. પીડા સામાન્ય રીતે નિશ્ચિત વિસ્તાર પૂરતી હોય છે તથા તે આઇબુપ્રોફેન કે અફીણજૂથના પીડાશામક જેવાં પ્રતિશોથ પીડાશામકો (anti-inflammatory analgesics) વડે શમે છે. ચેતારુગ્ણતાજન્ય પીડાના વિકારમાં થતી ચેતાપીડ (neuralgia) વિવિધ રૂપે અનુભવાય છે. ક્યારેક તીવ્ર વીજઆંચકા જેવી પીડા થાય છે તો ક્યારેક બળતરા અને કળતર (aching) જેવી સંવેદના થાય છે. આવી સંવેદનાઓને દુશ્ચેતના (dysesthesia) કહે છે. ક્યારેક વ્યક્તિને અતિપીડા, અતિસ્પર્શતા (hyperaesthesia) કે કોઈ પીડાકારક ઉત્તેજના વગરની અન્યથા વેદના (allodynia) થાય છે. આ ત્રણેય વિકારોને અતિવેદના (hyperpathia) કહે છે. ક્યારેક ચેતાને ઈજા થવાથી પીડા થતી હોય છે. તેને ચેતાક્ષતપીડા (causalgia) કહે છે.
પીડાની તીવ્રતા પ્રમાણે તેને મંદ, મધ્યમ કે તીવ્ર કક્ષામાં વહેંચવામાં આવે છે. કૅન્સરના અસાધ્ય તબક્કામાં થતી પીડાને અંતિમ બીમારીની પીડા ગણવામાં આવે છે. પીડાની સારવારમાં તેનું કારણ શોધીને દૂર કરવાની ક્રિયા કરાય છે. પીડાની તીવ્રતાને આધારે પ્રતિશોથી પીડાશામકો જેવી મંદથી મધ્યમ કક્ષાની પીડાશામક દવાઓ અથવા નશાકારક અફીણજૂથના પીડાશામકો જેવી સૂક્ષ્મ પીડાશામક દવાઓ અપાય છે. પીડાની સારવારમાં અન્ય સહચિકિત્સીય ઔષધો પણ ઉપયોગી છે. ચેતારુગ્ણતાજન્ય પીડામાં આંચકીરોધી દવાઓ અપાય છે. જો સાથે માનસિક પ્રતિભાવ તીવ્ર હોય તો ખિન્નતારોધક કે ચિંતાશામક ઔષધો પણ અપાય છે. વિવિધ પ્રકારની પીડાશામક ભૌતિક ક્રિયાઓ તથા સામાજિક અને મનોવૈજ્ઞાનિક સહાયકારી સારવાર પણ ઉપયોગી રહે છે.
શિલીન નં. શુક્લ
