પિલ્લૈ શંકર (જ. 31 જુલાઈ 1902, કાયામ્કુલમ્, કેરળ; અ. 26 ડિસેમ્બર 1989) : વિખ્યાત કાર્ટૂનિસ્ટ અને ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટના સ્થાપક. ત્રિવેન્દ્રમની મહારાજા કૉલેજમાંથી વિજ્ઞાનના સ્નાતક થયા બાદ, 1927માં તેઓ કાયદાનું જ્ઞાન મેળવવા મુંબઈ ગયા; પણ તુરત જ અભ્યાસ છોડી દીધો ને કામ કરવા લાગ્યા. મુંબઈમાં તેઓ વિદ્યાર્થી હતા ત્યારે શોખ ખાતર કાર્ટૂનચિત્રોનું કામ કરતા હતા. તેઓ રાજકીય નેતાઓનાં ચિત્રો દોરતા. રાજકીય પ્રસંગો તરફ તેમને આકર્ષણ રહેતું. 1932માં તેઓ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં જોડાયા અને 1946 સુધી ત્યાં તેમણે કાર્ટૂનિસ્ટ તરીકે કામ કર્યું. ભારતની સ્વાતંત્ર્યલડતના આ ગાળામાં તેમણે આ પત્ર દ્વારા યાદગાર કાર્ય કર્યું હતું. 1948માં તેમણે ‘ધ શંકર્સ વીકલી’ શરૂ કર્યું. તેમાં ઊંચા પ્રકારની રમૂજ ને હાસ્ય પીરસતા હતા. શંકરનાં કાર્ટૂનો ખૂબ લોકપ્રિય થયાં. 1975માં તેમણે આ ‘વીકલી’ બંધ કર્યું અને લેખનકાર્ય શરૂ કર્યું.
1957માં સ્થપાયેલ ‘ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટ’માં તેમણે પછી પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતનાં સામાન્ય બાળકોને પરવડે તેવી કિંમતવાળાં, સારી રીતે લખાયેલાં અને સારાં ચિત્રોથી સુશોભિત એવાં બાળસાહિત્યનાં આકર્ષક પુસ્તકો તૈયાર કરવાં એ તેમનું મુખ્ય પ્રયોજન હતું. આ સંસ્થા નિમિત્તે તેમણે ‘ચિલ્ડ્રન્સ વર્લ્ડ’ નામે માસિક પણ પ્રકાશિત કર્યું. શંકરે 1949થી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચિત્રસ્પર્ધાઓ અને 1951થી તત્ક્ષણ ચિત્રસ્પર્ધાઓ યોજવાનું શરૂ કર્યું. તેમણે ‘ઇન્ટરનેશનલ ડૉલ્સ મ્યુઝિયમ’ 1965માં ઊભું કર્યું. તેમણે બાળકો માટે વાચનાલયો પુસ્તકાલયો તૈયાર કરાવ્યાં. 1965માં તેમણે આધુનિક ટૅક્નૉલૉજીની સગવડોવાળું છાપખાનું તૈયાર કરાવ્યું, જેથી સુંદર મુદ્રણકાર્ય થઈ શકે.
તેમને અનેક પુરસ્કારો મળેલા છે. 1956માં તેમને ‘પદ્મશ્રી’, 1966માં ‘પદ્મભૂષણ’ અને 1977માં ‘પદ્મવિભૂષણ’ એનાયત થયેલ. 1979માં બાળકો પ્રત્યેની તેમની સમર્પિતતાને ધ્યાનમાં રાખી યુનાઇટેડ નૅશન્સ ઍસોસિયેશનની હેમિલ્ટન શાખાએ તેમનું સન્માન કરેલું. 1980માં હંગેરિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કલ્ચરલ રિલેશન્સે તેમને ઍવૉર્ડ આપ્યો હતો. ઇન્ડો-ચેક મૈત્રીના અન્વયે ચેકોસ્લોવૅકિયાની સરકારે તેમને સુવર્ણચંદ્રક આપેલો. દિલ્હીની યુનિવર્સિટીએ તેમને ડી.લિટ્.ની પદવી આપેલી. એ રીતે શંકર પિલ્લૈ, તેમની ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને કાર્ટૂનો દ્વારા હંમેશાં યાદ કરતાં રહેવાનું ગમે તેવી ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવનારા કલાકાર ને સમર્થ પત્રકાર હતા.
શ્રદ્ધા ત્રિવેદી