પ્રાઇડ ઍન્ડ ધ પૅશન, ધ : અંગ્રેજી ચલચિત્ર – સાહસચિત્ર. નિર્માણ-વર્ષ : 1957. નિર્માતા-દિગ્દર્શક : સ્ટૅનલી ક્રેમર; પટકથા : એડના ઍડહૉલ્ટ, ઍડવર્ડ એન. હૉલ્ટ; છબિકલા : ફ્રાન્ઝ પ્લાનર; સંગીત : જ્યૉર્જિસ એન્થેઇલ; મુખ્ય ભૂમિકા : કૅરી ગ્રાન્ટ, સોફિયા લૉરેન, ફ્રૅન્ક સિનાત્રા, થિયોડૉર બાઇકલ, જૉન વેન્ગ્રાફ, જે. નૉવેલો, ફિલિપ વાનઝેન્ડર.
છબિકલાની ર્દષ્ટિએ ઘણાં પ્રભાવશાળી શ્યો ધરાવતું આ ચિત્ર લેખક સી. એસ. ફોરેસ્ટરની નવલકથા ‘ધ ગન’ પર આધારિત છે. ઓગણીસમી સદીમાં ફ્રાન્સના શહેનશાહ નેપોલિયને સ્પેન પર આક્રમણ કરીને તેનો ઘણો વિસ્તાર જીતી લઈ તેના પર આધિપત્ય જમાવી દીધું હતું. નેપોલિયનની સેનાને આ વિસ્તારમાંથી હઠાવવા માટે સ્પેનના ખેડૂતો જંગે ચઢે છે. સ્પૅનિશ લશ્કરે તરછોડી દીધેલી એક મહાકાય તોપ તેઓ કબજે કરે છે. આ તોપ ફોડવા માટે એક બ્રિટિશ અધિકારીને તેઓ મનાવી લે છે. પછી શરૂ થાય છે એવા સ્થળે તોપને લઈ જવાનો પ્રયાસ, જ્યાં નેપોલિયનનું લશ્કર છે. મહાકાય તોપનું સ્થળાંતર કરવાનાં કેટલાંક ર્દશ્યો પણ નોંધપાત્ર છે.
સક્ષમ કથાવસ્તુ ધરાવતા અને ટિકિટબારી પર અત્યંત સફળ થયેલા આ ચિત્રની વિવેચકોએ એવી ટીકા કરી છે કે તેમાં ધરખમ કલાકારો છે, પણ તેની પાત્રવરણી યોગ્ય નહિ હોવાથી તેમની પ્રતિભા વેડફાઈ છે. સ્પૅનિશ ખેડૂતના પાત્રમાં ફ્રૅન્ક સિનાત્રા અને બ્રિટિશ અધિકારીના પાત્રમાં કૅરી ગ્રાન્ટ છે. સોફિયા લૉરેનના ભાગે આ બંને પુરુષો વચ્ચે પ્રણયત્રિકોણ રચવાનું કામ આવ્યું છે. નવલકથામાં દર્શાવાયેલાં સ્થળો પર જઈને આ ચિત્ર બનાવાયું છે.
હરસુખ થાનકી