પાસ્તરનાક, બૉરિસ લિયૉનિદોવિચ (જ. 10 ફેબ્રુઆરી 1890, મૉસ્કો; અ. 30 મે 1960, પેરેડેલ્કિન, મૉસ્કો નજીક) : જગપ્રસિદ્ધ રશિયન કવિ અને નવલકથાકાર. પિતા લિયૉનિદ પ્રાધ્યાપક અને ચિત્રકાર. માતા રોઝાલિયા કૉફમૅન પિયાનોવાદક. ઉછેર ભદ્ર યહૂદી કુટુંબમાં. પિતા લિયો ટૉલ્સ્ટૉયની નવલકથાઓ, રિલ્કાનાં કાવ્યો અને સંગીતકાર સર્ગી રૅચમૅનિનૉફની રચનાઓને આધારે અનેક પાત્રોનું ચિત્રાંકન કરતા. આ રીતે શિક્ષણના પ્રારંભકાળે સંગીત અને તે અંગેના શાસ્ત્રીય જ્ઞાન પ્રત્યે 6 વર્ષ સુધી બૉરિસને સવિશેષ રુચિ રહી. આ ગાળા દરમિયાન સ્ક્યાબ્વીનના અલૌકિક સંગીત તરફ તેમને ભારે આકર્ષણ હતું. 1904-1910 તેમની સંગીતસાધનાનો સમય હતો, પરંતુ 18 વર્ષની વયે કવિતા પ્રત્યેનું આકર્ષણ પ્રબળ થઈ જતાં સંગીત પ્રત્યેનો રસ ઓછો થતો ગયો. દરમિયાન રિલ્કે, બ્લૉક અને બેલી જેવા કવિઓની ગાઢ અસર તળે આવ્યા. મૉસ્કો યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનનો અભ્યાસક્રમ પૂરો કર્યો. તે પછી 1912માં જર્મનીની મેરબર્ગ યુનિવર્સિટીમાં હરમન કૉહેનના માર્ગદર્શન તળે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. પોતે રશિયાની લશ્કરી સેવામાં હતા, પરંતુ એક વાર આકસ્મિક પડી ગયા બાદ તેમના પગે ખોડ રહી ગઈ અને તે બદલ તેમને ગેરલાયક ઠરાવવામાં આવ્યા. આ પછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધસરંજામ બનાવતા, યુરલ્સના કારખાનામાં કામ કર્યું. તેમણે રશિયન ક્રાન્તિ પછી સોવિયેત કૉમિસૅરિયત ઑવ્ એડ્યુકેશનના ગ્રંથાલયમાં સેવા આપી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ તે ‘અ ટ્વિન ઇન ધ ક્લાઉડ્ઝ’ (1914) અને બીજો તે ‘અબવ ધ બૅરિયર્સ’ (1917). જોકે તેમને કીર્તિ મળી ‘માય સિસ્ટર લાઇફ’ (1922) નામના ત્રીજા કાવ્યસંગ્રહથી. ત્યારપછીનાં પ્રકાશનોમાં ‘થીમ્સ ઍન્ડ વેરિયેશન્સ’ (1923) નિબંધસંગ્રહ, ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સ્ટોરીઝ’ (1925), સુદીર્ઘ કાવ્યો ‘ધ યર’ અને ‘લૅફ્ટેનન્ટ શ્મિત’ (ઉભય : 1927) અને ‘સ્પિક્તોરસ્કી’ (1931) નોંધપાત્ર છે. તેમણે પોતાની આત્મકથા ‘અ સેફ કન્ડક્ટ’ (1931) અને તેમનાં પોતાનાં પસંદગીનાં કાવ્યોનો સંગ્રહ ‘સેકન્ડ બર્થ’ (1932) પ્રસિદ્ધ કર્યાં. ‘સેકન્ડ બર્થ’નાં કાવ્યો તેમનાં બીજી વારનાં પત્ની ઝિનૈદા નિગૉઝની સાથેના ગાઢ અનુભવો પર રચાયેલાં છે.
1930 પછી તેમની પરિસ્થિતિ રાજદ્વારી દૃષ્ટિએ વધુ ને વધુ કથળતી ગઈ. તેમણે રશિયાના લેખક બનવા માટે આકરી જહેમત ઉઠાવી, પરંતુ રશિયાના સરમુખત્યાર સ્ટાલિન સાથે તેમનું દીર્ઘ અને ઠંડું યુદ્ધ શરૂ થઈ ગયું હતું.
આમ 1933 પછી લગભગ એક દસકા સુધી તેમનું કોઈ પણ મૌલિક સર્જન પ્રસિદ્ધ થઈ શક્યું નહિ. જોકે બે વિશેષ કાવ્યસંગ્રહો ‘ઑન અર્લી ટ્રેન્સ’ (1943) અને ‘ધ બ્રેથ ઑવ્ ધી અર્થ’ (1945) પ્રકાશિત થયા. આ કપરા સમય દરમિયાન અનુવાદની પ્રવૃત્તિ દ્વારા તેમણે પોતાનું ગુજરાન ચલાવ્યું. ગ્યુઇથે-કૃત ‘ફાઉસ્ટ’, રિલ્કે, બાયરન અને કીટ્સનાં કાવ્યો, તથા જૉન્સન અને શેક્સપિયરનાં કેટલાંક નાટકો તેમણે રશિયન ભાષામાં અનુવાદ કરીને આપ્યાં. પોતાના જીવનના શેષ દશકાઓમાં તેમણે પોતાની તંદુરસ્તીના ભોગે સાહિત્યોપાસના ચાલુ રાખી. જોકે તેમને એક ભવ્ય સર્જન ગદ્યમાં કરવું હતું. બૉલ્શવિક ક્રાન્તિ પહેલાં અને પછી રશિયન બુદ્ધિવાદીઓના સમગ્ર અનુભવને તેમણે વાચા આપવાનો નિર્ધાર કર્યો હતો. આ ભવ્ય સર્જન તે તેમની મહાનવલ ‘ડૉક્ટર ઝિવાગો’.
રઝળપાટ, આધ્યાત્મિક એકલતા અને રશિયન ક્રાન્તિ દરમિયાન અને પછી નિર્દયતાની સાથોસાથ પ્રેમની સરવાણીઓને વ્યક્ત કરતી, મહાકાવ્યનું રૂપ ધારણ કરતી આ નવલકથા મૂળ રશિયન ભાષામાં લખાયેલી છે. આ નવલકથા સૌપ્રથમ ઇટાલીમાં પ્રસિદ્ધ થઈ. પછી તેનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો. જોકે રશિયામાં તે ચોરીછૂપીથી વંચાતી હતી. 1958માં ‘ડૉ. ઝિવાગો’ની રચના બદલ પાસ્તરનાકને નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત થઈ. આ અરસામાં તેમણે પોતાની દ્વિતીય આત્મકથા ‘ઑટબાયગ્રૅફિકલ સ્કેચ’ લખી. જોકે તેમને આપવામાં આવનાર નોબેલ પુરસ્કાર સામે રશિયામાં જોરદાર પ્રત્યાઘાતો પડ્યા. પાસ્તરનાક અંગેની ઘટનાએ માત્ર રાષ્ટ્રનું જ નહિ, સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું. આખરે તેમણે આ પુરસ્કારનો સ્વીકાર નહિ કરવાનું કહેણ મોકલ્યું. છેલ્લાં વર્ષોમાં ઑલ્ગા આઇવિંસ્ક્યાએ ભારે જહેમતપૂર્વક લેખકની શુશ્રૂષા કરી. ‘ડૉ. ઝિવાગો’ નવલકથાનું સુપ્રસિદ્ધ પાત્ર ‘લારા’ તે આ જ ઑલ્ગા. આ સન્નારીની રશિયાની સરકારે ધરપકડ કરેલી અને તેને જેલમાં પૂરી દેવામાં આવી હતી. પાસ્તરનાકની કવિતાનું પુન:પ્રકાશન તેમના મૃત્યુ બાદ કરવામાં આવ્યું. તે જ પ્રમાણે એમના ગદ્ય-લખાણને 1982માં પ્રકાશિત કરવામાં આવ્યું; પરંતુ વિધિની વક્રતા એ ગણાય કે તેમને દુનિયામાં પ્રસિદ્ધિ અપાવનાર ‘ડૉ. ઝિવાગો’નું પ્રકાશન રશિયામાં ન થયું તે ન જ થયું.
વિ. પ્ર. ત્રિવેદી