પાવાગઢ (ભૂસ્તરીય) : મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવારૂપ ગુજરાતનો પર્વતસમૂહ. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 48 કિલોમીટરને અંતરે આવેલા પાવાગઢ પર્વતસમૂહ(22o 28′ ઉ. અક્ષાંશ, 73o 34′ 30″ પૂ. રેખાંશ)ની ટેકરીઓ વિશિષ્ટ ભૂમિસ્વરૂપ તો રચે જ છે, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ તેમનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા રજૂ કરતાં ભારતમાંનાં કેટલાંક સ્થાનો પૈકીનું એક લાક્ષણિક સ્થાન બની રહે છે. અહીંની ટેકરીઓના સમૂહો ડેક્કન ટ્રૅપ વયના ક્ષિતિજસમાંતર લાવાપ્રવાહોથી બનેલા થરોની શ્રેણી રચે છે. મહાકાલીમંદિરસ્થિત શિખર આ સમૂહનું ઊંચામાં ઊંચું ભૂમિચિહ્ન છે, જેની ઊંચાઈ સમુદ્રસપાટીથી લગભગ 850 મીટર (2,814 ફૂટ) અને તળભૂમિથી 728 મીટર (2,400 ફૂટ) છે. પાવાગઢ ટેકરીસમૂહનું સ્થળદૃશ્ય ઉપરથી મેજઆકારના સમતલ લક્ષણવાળા, સમુત્પ્રપાતો રચતા ઉગ્ર ઢોળાવવાળા અને જુદી જુદી ઊંચાઈએ ક્યાંક ક્યાંક સમતલ અગાશીઓ રચતા ભૂમિઆકારોનું બનેલું છે. ઊંચાઈએ આવેલી મુખ્ય ટેકરી નાનીમોટી અનેક ટેકરીઓથી ઘેરાયેલી છે, જેમનાં ભૂસ્તરીય, ખડકવિદ્યાત્મક, ભૂપૃષ્ઠરચનાત્મક અને સ્તરવિદ્યાત્મક લક્ષણો એકસરખાં છે.

સામાન્ય ભૂસ્તરીય લક્ષણો : પાવાગઢ અને નજીકનો આજુબાજુનો વિસ્તાર ક્રિટેસિયસ અને ડેક્કન ટ્રૅપ રચનાઓના અગ્નિકૃત અને જળકૃત ખડકોથી બનેલો છે. પાવાગઢના ટેકરીસમૂહો અલગ પાડી શકાય એ પ્રમાણેના બંધારણીય તફાવતોવાળા 26 થરોથી રચાયેલા છે. આ લાવા- પ્રવાહોથી જૂના વયના મધ્યજીવયુગના બાઘ-શ્રેણી રચતા ક્રિટેસિયસ રચનાના ચૂનાખડકો (શેલ અને રેતીખડકો સહિત) પાવાગઢથી અગ્નિકોણમાં અને શિવરાજપુર પાસે આજુબાજુના વિસ્તારમાં જોવા મળે છે, જેમાં ડૉલેરાઇટનાં અંતર્ભેદનો પણ મળે છે. બાઘ શ્રેણીનો અહીંનો સ્તરાનુક્રમ પ્રમાણમાં ઊંડાઈવાળા જળસંજોગોનો નિર્દેશ કરે છે. તેમનું પછીથી ક્રમિક ઊર્ધ્વગમન થયેલું છે. (જુઓ ક્રિટેસિયસ રચના અને ડેક્કન ટ્રૅપ રચના.)

પાવાગઢ પર્વત અને તેના શિખરે કાલિકા માતાનું મંદિર

પાવાગઢની ટેકરીઓના ખડકો ખૂબ જ પ્રમાણમાં સાંધા- (joints)વાળા છે, તેથી ભૂગર્ભજળસંચય માટે નોંધપાત્ર બની રહે છે. ટેકરીઓમાંથી ઠેકઠેકાણે ઝરણાં ઉદભવે છે, જે જળપ્રાપ્તિની અનુકૂળતા કરી આપે છે. મેજ આકારની અગાશીઓ પર તૈયાર થયેલાં નાનાં નાનાં થાળાંઓમાં દૂધિયા રંગના પાણીથી જળભરાવો થયેલો રહે છે, જેનું મુખ્ય કારણ સફેદ માટીકણોની કલિલસ્થિતિ છે. ત્યાં આજુબાજુના જ્વાળામુખી થરોમાં રહેલી જ્વાળામુખી ભસ્મ(volcanic ash)ના ખવાણ-ધોવાણથી ઉદભવતા સફેદ કણો જળપરિવાહ દ્વારા ખેંચાઈ આવવાથી તળાવોનું પાણી દૂધિયું બની રહે છે. તળાવોનાં તળ અપારગમ્ય સફેદ માટીકણોના પડથી આચ્છાદિત બનેલાં રહેતાં હોવાથી વર્ષના સમગ્ર ગાળા માટે જળસંચયની અનુકૂળતા ઊભી થાય છે.

ખડકવિદ્યાત્મક લક્ષણો : પાવાગઢની ટેકરીઓમાં જોવા મળતા જુદા જુદા જ્વાળામુખી ખડકો પૈકીનો મુખ્ય ખડક-પ્રકાર થોલિઆઇટિક બંધારણ ધરાવતો બેસાલ્ટ છે. સ્થાનભેદે તે બદામાકાર સંરચનાવાળો પણ છે. અન્ય પ્રકારોમાં એન્ડેસાઇટ, રહાયોલાઇટ અને ડૅલેનાઇટ જેવા સ્વભેદન પામેલા ખડકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અલ્કલ લક્ષણવાળા ઑલિવીન બેસાલ્ટ પ્રકારો પણ મળે છે, જેમાં ઑલિવીન બેસાલ્ટ, ઑલિવીન ડૉલેરાઇટ, મ્યુગેરાઇટ, લૅટાઇટ અને ફોનોલાઇટ મુખ્ય છે.

સ્તરવિદ્યાત્મક લક્ષણો : લાવાપ્રવાહોની વય-અનુક્રમિત સ્તરવિદ્યાત્મક ખડકશ્રેણી તેમની જાડાઈ સહિત નીચે મુજબ છે :

રહાયોલાઇટ સમૂહ :  રહાયોલાઇટ, ફેલ્સાઇટ, ડૅલેનાઇટ, રહાયોડેસાઇટ  30 મીટર
વિસ્ફોટયુક્ત પ્રસ્ફુટન પ્રક્રિયાનો કાળગાળો : પિચસ્ટોન, જ્વાળામુખી ટફ, ઍંગ્લોમરેટ, ઇગ્નિમ્બ્રાઇટ (ભસ્મ)
ઍન્ડેસાઇટ-વિભાગ : પૉર્ફિરિટિક ઍન્ડેસાઇટ (ક્વાર્ટઝ-સમૃદ્ધ), પૉર્ફિરિટિક ઑલિવીન બેસાલ્ટ 15 મીટર
બેસાલ્ટ-સમૂહ : ઑલિવીન ડૉલેરાઇટનાં ડાઇક અંતર્ભેદનો, મ્યુગેરાઇટ (ઑલિગોક્લેઝ) બેસાલ્ટ), લૅટાઇટ (ટ્રેકીઍન્ડસૉઇટ) અને ફોનોલાઇટ 165 મીટર
બેસાલ્ટ-સમૂહ : બિનપૉર્ફિરિટિક બેસાલ્ટ થોલીઆઇટ, ટેકીલાઇટ (વિકાચીકરણ પામેલો લાવા) અ સં ગ તિ 510 મીટર

આજુબાજુના વિસ્તારમાં મળતી, લાવાપ્રવાહો કરતાં જૂના વયની, ભૂસ્તરીય રચનાઓને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય :

ક્રિટેસિયસ બાઘ-સ્તરો, નિમાર-રેતીખડક અ સં ગ તિ
પ્રી-કૅમ્બ્રિયન ગોધરા ગ્રૅનાઇટ (એરિનપુરા ગ્રૅનાઇટ સમકક્ષ) ચાંપાનેર શ્રેણી (ફીલાઇટ, સ્લેટ, ક્વાર્ટઝાઇટ)

(અસંગતિ = બે થરો વચ્ચે પેદા થતો લાવાપ્રસ્ફુટનજન્ય જમાવટનો અભાવ)

ખડકપ્રકારો : (1) બિન-પ્રૉર્ફિરિટિક બેસાલ્ટ : ટેકરીઓના તળવિભાગોના થર રચતો બેસાલ્ટ ખડક-પ્રકાર મહાસ્ફટિકોથી રહિત છે. તે સૂક્ષ્મદાણાદાર, ઘેરા રંગવાળો, કોટરયુક્ત અને બદામાકાર સંરચનાવાળો છે. સ્ટિલબાઇટ, નેટ્રૉલાઇટ અને એનલ્સાઇટ, મુખ્ય ઝિયોલાઇટ ખનિજ-પ્રકારો છે, જે બદામાકાર સંરચના બનાવે છે; જ્યારે અકીક, ઓપલ, સફરજન જેવા લીલા રંગનું ક્રાઇસોફ્રેજ, રાતા રંગનાં કાર્નેલિયન અને જાસ્પર અને ક્વચિત્ આછા રંગના ઍમેથિસ્ટ સ્ફટિકો જેવા ચાલ્સિડોની જાતનાં પરિણામી સિલિકાયુક્ત ખનિજો પણ તેમાં જોવા મળે છે.

(2) પૉર્ફિરિટિક ઓલિવીન બેસાલ્ટ : ઑલિવીનના મહાસ્ફટિકોની પરખથી આ પ્રકાર જુદો તરી આવે છે, જેમાંનું ઑલિવીન સર્પેન્ટાઇન અને ઇડિંગ્સાઇટમાં પરિવર્તન પામેલું છે. ક્વાર્ટઝ અને બદામાકાર સંરચનાનો અભાવ આ ખડકનું મુખ્ય પરખલક્ષણ બની રહે છે.

(3) પોર્ફિરિટિક ઍન્ડેસાઇટ : આ ખડક બેસાલ્ટ કરતાં આછા રંગવાળો છે અને સ્પષ્ટ મહાસ્ફટિકમય સંરચના બતાવે છે, તેના મહાસ્ફટિકો ઍન્ડેસાઇન-પ્લેજિયોક્લેઝથી બનેલા છે; ક્યારેક આ ખડકો પ્રવાહ-સંરચના પણ દર્શાવે છે, જેનું કારણ તેમાં રહેલી આ ખનિજપટ્ટીઓની ચોક્કસ અન્યોન્ય સમાંતર દિકસ્થિતિ (orientation) છે.

(4) પિચસ્ટોન : મૌલીય ઉચ્ચસપાટપ્રદેશ પરનાં થોડાંક સ્થાનોમાં ચીકણા, કાચમય દેખાવવાળા રાખોડી-કાળા રંગનો આ પ્રકાર જોવા મળે છે, સંભવત: તે ઍસિડિક લાવામાંથી ત્વરિત ઠરી ગયેલો પ્રકાર છે.

(5) જ્વાળામુખી ભસ્મ અને ટફ સ્તરો : આ ખડક-પ્રકારો લીલાશ પડતા રંગથી રાખોડી રંગના  છે અને મૌલીય ઉચ્ચપ્રદેશનો કેટલોક વિભાગ રચે છે; એટલું જ નહિ, જ્વાળામુખી પ્રક્રિયાના વિસ્ફોટ તબક્કાથી તે ઉદભવેલા હોવાનું સૂચન કરે છે.

(6) રહાયોલાઇટ : મૌલીય ઉચ્ચસપાટપ્રદેશનો ઉપરનો શિખર સુધીનો વિભાગ આ ખડકસમૂહથી બનેલો છે. આ થરનો તળભાગ ગુલાબી રંગવાળો પ્રકાર રચે છે. પ્રવાહ-સંરચના તેનું મુખ્ય પરખલક્ષણ છે. રહાયોલાઇટના આ થરો સંભવત: સૌથી છેલ્લે પ્રસ્ફુટિત થયેલા અહીંના સૌથી નવા વયના લાવાપ્રવાહો રજૂ કરે છે. બેસાલ્ટની તુલનામાં રહાયોલાઇટ મર્યાદિત પ્રમાણમાં મળે છે. તેનું કારણ થોલીઆઇટ પ્રકારનો લાવા નીકળી ગયા બાદ ઍસિડિક સ્નિગ્ધ લાવા અવશિષ્ટ રહીને રહાયોલાઇટ-સ્વભેદન પ્રકાર બનાવ્યો હોય. આ ઉપરાંત, પ્રવાહ-સંરચના વગરનો દળદાર રહાયોલાઇટ પણ થોડા પ્રમાણમાં મળી રહે છે જેનાથી સૌથી ઉપરની મંદિરવાળી ભેખડ રચાયેલી છે; તેનું ભેખડ-સ્વરૂપ તે સંભવત: જ્વાળામુખીદાટો હોવાનું લક્ષણ પણ રજૂ કરે છે. આ ભેખડ મૂળ કદાચ મોટા પરિમાણવાળી હોવી જોઈએ જેમાંથી તૂટીને નીચે તરફના ઢોળાવો પર ગબડીને રહેલાં મોટાં ગચ્ચાં આજે જોવા મળે છે.

ઉત્પત્તિ : ખડકોનાં ક્ષેત્રલક્ષણોના અભ્યાસ પરથી જણાય છે કે પોપડાના અધોવિભાગમાં થોલીઆઇટ પ્રકારનો તેમજ અલ્કલ ઑલિવીન-બેસાલ્ટ પ્રકારનો મૅગ્મા સહઅસ્તિત્વ ધરાવતો બનેલો હોવો જોઈએ. ઊંડાઈમાં જ તેનું વિભાગીય સ્વભેદન થયા બાદ ક્રમશ: પ્રસ્ફુટન થયું હોવું જોઈએ, કારણ કે સપાટી પર સ્વભેદન થયાના કોઈ પુરાવા ઉપલબ્ધ થતા નથી. ઍન્ડેસાઇટ, ડૅલેનાઇટ અને રહાયોલાઇટ ખડક-પ્રકારોનું સ્વભેદન થોલીઆઇટ મૅગ્મામાંથી જ થયેલું હોવાનું સ્પષ્ટ બની રહે છે; એ જ રીતે મ્યુગેરાઇટ, લેટાઇટ અને ફોનોલાઇટ પ્રકારો ઓલિવીન બેસાલ્ટ મૅગ્મામાંથી સ્વભેદન પામેલા હોવાનું ગણાય છે. પિચસ્ટોન એ રહાયોલાઇટનો જ ત્વરિત ઠરી ગયેલો પ્રકાર છે. જ્વાળામુખી ભસ્મ-સ્તરો, જ્વાળામુખી ટફ અને ઍગ્લોમરેટ રહાયોલાઇટનું પ્રસ્ફુટન થયા અગાઉની જ્વાળામુખી પ્રક્રિયા વિસ્ફોટિત પ્રકારની હોવાનો નિર્દેશ કરે છે.

પ્રસ્ફુટનનો પ્રકાર : પાવાગઢમાં મળી આવતા ખડકપ્રકારો મોટેભાગે તો જ્વાળામુખી પ્રસ્ફુટન શાંત પ્રકારનું હોવાનું સૂચન કરે છે, જે દરમિયાન થોલીઆઇટ અને ઓલિવીન બેસાલ્ટ બંને પ્રકારનો દ્રવજથ્થો તરલ લાવા સ્વરૂપે નીકળ્યા કર્યો હોવાનું જણાય છે. ત્યારબાદ અમુક કાળગાળા સુધી પ્રસ્ફુટન-પ્રક્રિયા થઈ હોવાનું જણાતું નથી, પરંતુ તે દરમિયાન ધોવાણ થતું ગયેલું અને મેજ આકારની માળભૂમિ રચાવાના સંજોગો મળેલા, જેમાં તૈયાર થયેલી અગાશીઓ પર થયેલા વિસ્ફોટમાં જ્વાળામુખી બ્રેસિયા (ઍગ્લોમરેટ), ટફ અને ભસ્મ-સ્તરો તૈયાર થતા ગયા. ફરીથી થયેલા ફાટ-પ્રસ્ફુટન દરમિયાન પટ્ટાદાર, પ્રવાહ-સંરચનાયુક્ત રહાયોલાઇટ બન્યો. છેલ્લે સાંકડો થતો ગયેલો જ્વાળામુખી-કંઠ દળદાર રહાયોલાઇટથી ભરાઈ ગયો, જે પ્રસ્ફુટન-પ્રક્રિયાનો છેલ્લો તબક્કો હોવાનું સૂચન કરે છે. જુદા જુદા બંધારણવાળા લાવાના થરો આંતરે આંતરે થયેલા છે, જેમની વચ્ચે વચ્ચે રેડ બોલ (red bole)-સ્તરો, આંતરટ્રૅપ-સ્તરો, ઍગ્લોમરેટ અને ભસ્મસ્તરો (અથવા ઇગ્નિમ્બ્રાઇટ) બનેલા જણાય છે, જે સૂચવે છે કે સ્વભેદન પોપડાના અંદરના ભાગોમાં થયેલું છે.

વિવાદાસ્પદ બાબતો : પાવાગઢના ખડકપ્રકારોની ઉત્પત્તિ અને પ્રસ્ફુટનપ્રકાર માટે નીચેના મુદ્દા વિવાદાસ્પદ રહ્યા છે :

(1) જુદા જુદા પ્રસ્ફુટિત ખડકપ્રકારો તૈયાર થવા માટે મૅગ્માના બે પ્રકારો હતા કે માત્ર એક જ સમાંગ માતૃ-મૅગ્મા હતો ?

(2) સૌથી ઉપરનો રહાયોલાઇટ લાવાનો થર છે કે પછી જ્વાળામુખી-દાટો છે ?

(3) પ્રસ્ફુટનપ્રકાર શાંત પ્રકારનો હતો કે કેન્દ્રીય પ્રકારનો હતો ?

(4) પ્રસ્ફુટન અગાઉ પોપડાના અંદરના ભાગમાં જ સ્વભેદન થયેલું કે લાવાના બહાર આવ્યા પછી થયેલું ?

(5) ટેકરીઓ ખંડ-સ્તરભંગ પ્રકારથી બનેલી છે કે પરિધોવાણ દ્વારા બનેલો પર્વતોનો અવશિષ્ટ પ્રકાર છે ?

ઉપર્યુક્ત પ્રશ્નોમાં રજૂ થયેલી વિવાદાસ્પદ બાબતો ક્ષેત્રકાર્ય અને પ્રાયોગિક ધોરણે અભ્યાસ અને તપાસને અધીન છે.

આર્થિક મહત્ત્વ : અહીં મળતા બેસાલ્ટ રસ્તાઓ અને મકાનોના બાંધકામ માટેની સામગ્રી પૂરી પાડે છે. અહીં એ માટે ઘણી સપાટી-ખાણો કાર્યરત છે.

લાવાપ્રવાહોથી બનેલી સ્તરશ્રેણીની માહિતીદર્શક સારણી

(અહીં થરોનું વય નવાથી જૂના તરફની જમાવટ દર્શાવવા માટે ઊલટો ક્રમ મૂક્યો છે.)

26. ગુલાબી રંગના, પ્રવાહ-સંરચનાવિહીન, ક્વાર્ટઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકોવાળા રહાયોલાઇટ.

25. રહાયોલાઇટ બ્રેસિયા, જેમાં નિમ્નભાગના પ્રવાહસંરચનાવાળા રહાયોલાઇટના ટુકડાઓ જડાયેલા છે.

24. પ્રવાહ-સંરચનાવાળા રહાયોલાઇટ, જે વારાફરતી આછા સફેદથી ગુલાબી રંગના તેમજ ઘેરા ચૉકલેટ રંગના ખડકોથી બનેલા છે.

23. પિચસ્ટોન રાખોડી-કાળા રંગના તેમજ ડામર જેવી ચમકવાળા.

22. વધુ પ્રમાણમાં ખવાણ પામેલા લીલા રંગના ઇગ્નિમ્બ્રાઇટ (ભસ્મસ્તરો).

21. ઊર્ધ્વ વિભાગમાં કોટરયુક્ત અને બદામાકાર સંરચનાયુક્ત રાખોડી કાળો ઍન્ડેસાઇટ. મહાસ્ફટિકો પ્રમાણમાં નાનાં સ્વરૂપોમાં મળે છે.

20. લીલાશ પડતો કાળો ઑલિવીન બેસાલ્ટ. લીલા રંગનાં મૃદુ ખનિજો બદામાકાર સ્વરૂપોમાં. ખનિજ-ઘટકોમાં નાના મહાસ્ફટિકો.

19. પૉર્ફિરિટિક ડૉલેરાઇટ. સફેદ રંગના ફેલ્સ્પારના મોટા કદના મહાસ્ફટિકોવાળો રાખોડી કાળો ખડક. બદામાકાર સંરચનાવાળો પરંતુ વધુ ખવાણ પામેલો ડૉલેરાઇટ.

18. લૅટાઇટ અથવા ટૅ્રકીઍન્ડેસાઇટ. કોટરયુક્ત અને બદામાકાર સંરચનાવાળો, ચૉકલેટરંગી સબઍસિડિક ખડક.

17. રાખોડી કાળો, મધ્યમ કદના મહાસ્ફટિકોવાળો, સુવિકસિત સાંધાઓવાળો પૉર્ફિરિટિક ખડક.

16. રાખોડી કાળા રંગનો ખડક, વધુ કોટરોવાળો, કોટરો ઝિયોલાઇટ અને લીલા રંગનાં ખનિજોથી ભરાયેલાં. મધ્યઊર્ધ્વ વિભાગમાં ઓછાં નાનાં કોટરો, પરંતુ નિમ્ન વિભાગમાં મોટા કદનાં કોટરો.

15. મ્યુગેરાઇટ, બેસાલ્ટિક મ્યુગેરાઇટ, ઑલિવીન બેસાલ્ટ અને ઇડિંગ્સાઇટ બેસાલ્ટ. નૅટ્રોલાઇટની બદામાકાર સંરચનાઓવાળો રાખોડી કાળો ખડક.

14. રાખોડી કાળો ઍગ્લોમરેટ, બેસાલ્ટ ખડકના ટુકડાઓ ધરાવતો ઍગ્લોમરેટ.

13. રાખોડી કાળો સૂક્ષ્મદાણાદાર બેસાલ્ટ.

– રેડ બોલ સ્તર –

12. પરિવર્તિત પ્લેજિયોક્લેઝ ખનિજના લાલ રંગવાળા મહાસ્ફટિકોથી યુક્ત રાખોડી કાળો બેસાલ્ટ.

11. ઝિયોલાઇટધારક કોટરોવાળો લીલાશ પડતો કાળો બેસાલ્ટ.

10. બેસાલ્ટ ખડકટુકડાઓવાળો રાખોડી કાળો ઍગ્લોમરેટ.

9. રાખોડી-લીલો સૂક્ષ્મ દાણાદાર બેસાલ્ટ.

–  રેડ બોલ સ્તર –

8. કથ્થાઈ-કાળો બદામાકાર સંરચનાવાળો બેસાલ્ટ.

7. લીલો-રાખોડી સૂક્ષ્મદાણાદાર બેસાલ્ટ.

6. રહાયોલાઇટ. પર્પલચૉકલેટઆછા સફેદ રંગનાં વારાફરતી પડોવાળો દળદાર ખડક.

5. રાખોડી-કાળો બદામાકાર સંરચનાવાળો બેસાલ્ટ.

4. કાળા આવૃત્ત દ્રવ્ય સહિતનું ઍગ્લોમરેટયુક્ત ખડક પડ.

3. રાખોડી કાળો કોટરયુક્ત પૉર્ફિરિટિક બેસાલ્ટ. તેમાં સંભવત: સ્વભેદન પામેલાં ગુલાબી અથવા લાલ રંગના ખડકનાં પડ, કોટરો લાલ રંગના ખનિજથી ભરાયેલાં. મોટે ભાગે આ ખડક મ્યુગેરાઇટનું બંધારણ ધરાવે છે.

2. લાલ કે પર્પલ રંગનો ઍગ્લોમરેટયુક્ત ખડક. રંગ પરથી ખડક વધુ પ્રમાણમાં ઍસિડિક પ્રકારનો જણાય છે. ભસ્મસ્તરોના વીક્ષાકાર જથ્થા પણ મળે છે.

– રેડ બોલ આંતરટ્રૅપ સ્તર –

1. લીલા-કાળા રંગનો સૂક્ષ્મ દાણાદાર ઑલિવીન બેસાલ્ટ, ક્યાંક ક્યાંક સૂક્ષ્મ પૉર્ફિરી પ્રકાર પણ મળે છે.

ક્રિટેસિયસ રચના  ડૉલેરાઇટ ડાઇક સહિતના બાઘશ્રેણીના ચૂનાખડકો.

આર્કિયન રચના (ધારવાર રચના) – ફિલાઇટ, સ્લેટ અને ક્વાટર્ઝાઇટ  મૅંગેનીઝ ધાતુખનિજો સહિત ગોંડાઇટ શ્રેણી.

પાવાગઢ (ભૂગોળ) : ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ચાંપાનેર ગામે આવેલ ધાર્મિક સ્થળ.

ભૌગોલિક સ્થાન : તે આશરે 22 ઉ. અ. અને 73 પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. વડોદરાથી આશરે 50 કિમી.ના અંતરે આવેલું છે. આ શિખરની ઊંચાઈ 822 મીટર છે. વિશ્વામિત્રી નદીનું ઉદગમસ્થાન આ ટેકરીની આસપાસ રહેલું છે. આ મંદિરના માર્ગે છાસિયું તળાવ અને દૂધિયું તળાવ – એવાં બે તળાવ આવેલાં છે. ટેકરીની તળેટીથી સૌથી ઊંચી ટોચ પર આવેલ મહાકાલીમાતાના મંદિર સુધીનો માર્ગ લગભગ 5 કિમી. જેટલું અંતર ધરાવે છે. આ મંદિરમાં કાલિકામાતાની સમાધિ છે. યાત્રાળુઓની સગવડ માટે રોપ-વે પણ ઉપલબ્ધ છે.

પાવાગઢની તળેટીમાં પાવાગઢ પુરાતત્ત્વીય ઉદ્યાનને યુનેસ્કો દ્વારા વિશ્વવારસાના સ્થળ તરીકે ઈ. સ. 2004માં જાહેર કરાયું છે. અહીં પુરાતત્ત્વીય, ઐતિહાસિક અને જીવંત વારસારૂપી મિલકતોનું મોટા પાયે ઉત્ખનન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાગઐતિહાસિક સ્થળો, 8મીથી 14મી સદીના મળી આવેલા સગડ(નિશાનીઓ)માં કિલ્લાઓ, ધાર્મિક ઇમારતો વગેરે. આ એકમાત્ર સંપૂર્ણ અને બદલાયા વગરનું મોગલયુગ પહેલાંનું ઇસ્લામિક શહેર છે.

પાવાગઢ મંદિરના ઇતિહાસમાં ઘણા વિરોધાભાસ હોવાનું નોંધાયું છે. મહંમદ બેગડાએ 15મી સદીમાં ચાંપાનેર ઉપર પ્રભુત્વ સ્થાપ્યું હતું. જ્યારે મંદિર સાથે સંકળાયેલા સ્થાનિક લોકો જણાવે છે કે મહંમદ બેગડાએ મંદિરનું શિખર તોડી નાખ્યું હતું. ત્યાં આવેલી સદનશાહ પીરની દરગાહ 11મી સદીની છે. મંદિરનું પુનઃ નિર્માણ કરતી વખતે તે દરગાહ ખસેડીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આપી છે. જૈન સંપ્રદાયે પણ આ સંદર્ભમાં રજૂઆત કરેલ છે.

ઇતિહાસ : પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ પર્વત કાલિકામાતાની યાત્રાના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. તે વડોદરાની પૂર્વે 48 કિમી. દૂર છે. દંતકથા મુજબ ત્યાંની ખીણના ઉપરના ભાગમાં વિશ્વામિત્ર ઋષિ રહેતા હતા. તેમની પાસે કામધેનુ ગાય હતી. એક વાર ગાય ચરવા જતાં ખીણમાં પડી ગઈ. તેણે પોતાના દૂધ વડે ખીણ ભરી દીધી. તેના ઉપર તરીને તે ઘેર ગઈ. તે જાણીને ઋષિએ ભગવાનને પ્રાર્થના કરીને ખીણ પૂરી દેવાની માગણી કરી. ભગવાને મોટો પર્વત મોકલ્યો. તેના ત્રણ-ચતુર્થાંશ ભાગમાં ખીણ પુરાઈ ગઈ. બાકીનો એક-ચતુર્થાંશ ભાગ પર્વત રૂપે રહ્યો હોવાથી તે પાવાગઢ પર્વત કહેવાયો. પ્રાચીન અભિલેખોમાં તેનું નામ પાવકગઢ (fire-hill) મળે છે.

અગિયારમી સદીમાં ચંદ બારોટે પાવાપતિ તરીકે તુઆર કુળના રામ ગૌરનો ઉલ્લેખ કર્યો છે. મેવાડથી નાસીને આવેલા ચૌહાણ રજપૂતોએ ઈ. સ. 1300માં પાવાગઢ કબજે કર્યો. અમદાવાદના મુસ્લિમ સુલતાનો અહમદશાહ અને મહંમદશાહે પાવાગઢ કબજે કરવા કરેલા પ્રયાસોમાં તેઓ સફળ થયા નહોતા. 1484માં મહંમદ બેગડાએ પતાઇ રાવળ(જયસિંહ રાવળ)ને હરાવી પાવાગઢ કબજે કર્યો. તેણે સંરક્ષણની દૃષ્ટિએ ત્યાં કિલ્લો બાંધ્યો. પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેરને તેણે ગુજરાતનું પાટનગર બનાવ્યું. શહેનશાહ હુમાયૂંએ બહાદુરશાહને હરાવી 1535માં પાવાગઢ કબજે કર્યો; પરંતુ બહાદુરશાહે થોડા સમય બાદ પુન: ગુજરાત જીતી લીધું. ત્યારબાદ 1573માં અકબરે ગુજરાત પર જીત મેળવી. 1727માં મરાઠા સરદાર કૃષ્ણાજીએ અને 1761માં સિંધિયાએ પાવાગઢ પર જીત મેળવી. 1803માં સિંધિયા પાસેથી બ્રિટિશ સેનાપતિ વુડિંગ્ટને પાવાગઢ પરની સત્તા મેળવી લીધી.

પાવાગઢના શિખર પર કાલિકામાતાનું મંદિર છે. સાત મહેલ નામના ચૌહાણ રાજાઓના મહેલના અવશેષો અને સદનશાહ દરવાજો તેની તળેટીમાં આવેલા છે. તેની ખીણમાંથી વિશ્વામિત્રી નદી નીકળે છે. સદન- શાહ દરવાજાથી આશરે 100 મીટરની ઊંચાઈએ માચી હવેલી આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ

નીતિન કોઠારી