પ્રસાદ : હિંદુ ધર્મની માન્યતા મુજબ દેવતાને ધરવામાં આવેલી અથવા દેવતા, ગુરુ વગેરેએ પ્રસન્ન થઈને આપેલી વાનગી – ફળ, ફૂલ, વસ્ત્ર વગેરેમાંની કોઈક વસ્તુ. પૂજા, પુરાણકથા, ભજન વગેરે હિંદુ ધાર્મિક વિધિને અંતે દેવતા વગેરેને ધરાવેલી નૈવેદ્યની વસ્તુ પ્રસાદ તરીકે હાજર રહેલી વ્યક્તિઓને વહેંચવાની પ્રથા ભારત દેશમાં પ્રચલિત છે. દેવતા વગેરેની કૃપા કે પ્રસન્નતાનું મૂર્ત પ્રતીક પ્રસાદ હોવાની માન્યતા હિંદુઓમાં છે, કારણ કે ‘પ્રસાદ’ શબ્દનો અર્થ જ ‘કૃપા’ છે. હિંદુઓ પ્રસાદને પવિત્ર માનતા હોવાથી પ્રસાદ જમણા હાથે, એના પર પગ ન પડે એ રીતે, આદર સાથે લેવાની પ્રથા તેમનામાં પ્રચલિત છે. પ્રસાદનો તિરસ્કાર કરવાથી આપત્તિ આવવાની અનેક કથાઓ પુરાણોમાં જોવા મળે છે.
હિંદુ ધર્મ પ્રસાદ તરીકે અનેક વસ્તુઓને સ્વીકારે છે. વૈદિક યજ્ઞોમાં ચરુ (= ભાત), પુરોડાશ (= જવ કે ચોખાના લોટનો રોટલો), સોમરસ તથા પશુ વગેરે બલિ દેવોને આપી યજ્ઞ કરનાર સ્વીકારતો. એ હુતશેષમાં પ્રસાદનો સૌથી પ્રાચીન ખ્યાલ જોવા મળે છે. સંત કે ગુરુ શિષ્ય કે ભક્તને ભસ્મ કે આશીર્વાદ આપે; દીક્ષા આપે અથવા શક્તિપાત કરે એને પણ પ્રસાદ માનવાની પ્રથા હિંદુઓમાં પ્રચલિત છે. તેમની માન્યતા એવી છે કે પ્રસાદ લેવાથી ધન, કલ્યાણ, આરોગ્ય, સંતાન, રાજ્ય, શક્તિ, પવિત્રતા, મોક્ષ વગેરે – એ રીતે સમગ્ર કલ્યાણની પ્રાપ્તિ થાય છે.
આજે પણ વૈષ્ણવધામ શ્રીનાથજીમાં તુલસીની માળા, શિરડીના સાંઈબાબાની ભસ્મ, જગન્નાથજીમાં કેસરી દુપટ્ટો, અંબાજીધામમાં માતાજીની ચૂંદડી, કેટલાંક મંદિરોમાં ચરણામૃત વગેરે પ્રસાદના વિવિધ પ્રકારો વીસમી સદીના અંતે પણ ચાલુ છે.
પ્ર. ઉ. શાસ્ત્રી