પાર્કિયા (ચંદુફળ)
January, 1999
પાર્કિયા (ચંદુફળ) : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ માઇમોસોઇડી ઉપકુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. Parkia biglandulosa Wight & Arn (ગુ. ચંદુફળ) અને P. roxburghii G. Don. syn. P. javanica (Lam.) Merrill નામની બે જાતિઓ ભારતમાં થાય છે.
P. biglandulosa સુંદર, ઊંચું અને સદાહરિત વૃક્ષ છે. તે મૂળ મલાયાનું છે અને ભારતમાં ખાસ કરીને દક્ષિણમાં રસ્તાની બંને બાજુએ અને ઉદ્યાનોમાં છાયા-વૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે. તે અસંખ્ય નાની પર્ણિકાઓ સહિત મોટાં પિચ્છાકાર સંયુક્ત પર્ણો ધરાવે છે. પીછાં જેવા પર્ણસમૂહને કારણે તે આકર્ષક લાગે છે. પર્ણદંડ પાસે બે ગ્રંથિઓ હોવાથી તેનું જાતીય નામ ‘biglandulosa’ આપવામાં આવ્યું છે. લાંબા દંડ પર લટકતા ગોળ મુંડક સ્વરૂપે પુષ્પો ગોઠવાયેલાં હોય છે. શરૂઆતમાં મુંડક મખમલી બદામી રંગના અને પરિપક્વતાએ સફેદ રંગના બને છે.
તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે.
મ. ઝ. શાહ