પારેખ, છગનલાલ (જ. 27 જૂન, 1894, રાજકોટ; અ. 14 ડિસેમ્બર, 1968 મુંબઈ) : દુ:ખી જનોના સંનિષ્ઠ સેવક. ‘છગનબાપા’ના નામે વધારે જાણીતા. ગ્રામ-વિસ્તારોમાં દરિદ્રતા અને નિરક્ષરતાનિવારણ અર્થે નિ:સ્વાર્થ સેવા આપનાર છગનલાલ ક. પારેખનો જન્મ થયો ત્યારે ગુજરાત વ્યાપક રીતે ગાંધીજીના સમાજસેવાના સંસ્કારોથી પ્રભાવિત હતું. છગનલાલે પાડોશી મહિલાઓથી સમાજસેવાનો આરંભ કર્યો. તેમણે દરિદ્રતા તથા નિરક્ષરતાનિવારણ અર્થે તેમને સંગઠિત કરી. તેમણે જોયું કે ઘણી સ્ત્રીઓના દુ:ખનું મૂળ પરાવલંબનમાં છે. એથી તેમણે મહિલાઓ-સંચાલિત નાના ઉદ્યોગો માટે સગવડો ઊભી કરી. આનાથી સેંકડો પરિવારોને લાભ થયો. ટૂંક સમયમાં તેઓ સમાજમાં આદરપાત્ર સ્થાન પામ્યા. લોકો તેમને પ્રેમથી ‘છગનબાપા’ કહેવા લાગ્યા. 55ની વયે તેમણે તેમના સેવાક્ષેત્રનો વિસ્તાર કર્યો. વધારે દુ:ખી જનોની સેવા માટે તેઓ દૂરના આદિવાસી પ્રદેશો સુધી પહોંચ્યા. તેઓ પૂરપીડિતોની વહારે ધાવા આસામ પણ ગયા હતા. કચ્છના ધરતીકંપપીડિતોનું કામ હોય કે કૉલકાતાના ગુજરાતી સમાજનું, છગનબાપા સેવાની જરૂરિયાતવાળા પાસે પહોંચી જતા. છગનબાપાએ સેવાકાર્ય વ્યવસ્થિત રૂપે ચાલુ રાખવા દેશભરમાં વિદ્યાલયો અને રુગ્ણાલયો સ્થાપ્યાં. તેમણે મહિલા-સંગઠનની સંસ્થાઓ સ્થાપી મહિલાઓને પગભર બનાવી. આમ તેમણે સેવાસમર્પિત જીવન જીવી બતાવ્યું. 1999માં કેન્દ્ર સરકારે તેમની સ્મૃતિમાં ખાસ ટિકિટ પણ બહાર પાડી હતી.
બંસીધર શુક્લ