પાયરૉક્સિનાઇટ : એક પ્રકારનો અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક. આવશ્યકપણે માત્ર પાયરૉક્સિનથી બનેલા મધ્યમ કે સ્થૂળ દાણાદાર ખડકને પાયરૉક્સિનાઇટ કહેવાય. ઑલિવીન-વિહીન અન્ય લોહમૅગ્નેશિયન ખનિજોથી બનેલા પર્કનાઇટને પણ પાયરૉક્સિનાઇટ કહી શકાય. વધુ પડતા પાયરૉક્સિનથી બનેલો, ક્યારેક થોડા ઑલિવીન કે હૉર્નબ્લેન્ડ સહિતનો, વજનદાર, ઘેરા રંગવાળો દૃશ્ય સ્ફટિકોવાળો (phaneritic) અગ્નિકૃત ખડક. વધુ પડતા કે સંપૂર્ણ લોહમૅગ્નેશિયન ખનિજીય બંધારણને કારણે આ ખડક મેફિક કે પૂર્ણમેફિક ગણાય છે. વધુ પ્રમાણવાળા ઑર્થોપાયરૉક્સિનથી બનેલો પાયરૉક્સિનાઇટ પટ્ટાવાળા વિશાળ ગૅબ્બ્રો ખડકજથ્થાઓમાં ક્યારેક ઍનોર્થોસાઇટ અને પેરિડોટાઇટ સાથે પણ મળે છે. આ ખડકો ગૅબ્બ્રો બંધારણવાળા મૅગ્માના સ્ફટિકીકરણ દ્વારા બને છે. ક્યાંક કેટલાક પાયરૉક્સિનાઇટ સમૃદ્ધ ક્રોમાઇટની પ્રાપ્તિ માટેના માતૃખડકો બની રહે છે. ક્લાઇનોપાયરૉક્સિનથી બનેલા અમુક પાયરૉક્સિનાઇટ પણ મૅગ્માજન્ય ઉત્પત્તિવાળા હોય છે, પરંતુ તે પૈકીના ઘણા સંભવત: મૅગ્મા અને ચૂનાખડકો વચ્ચે થયેલી પ્રક્રિયાની પેદાશરૂપ હોવાનું જણાયું છે; અન્ય પાયરૉક્સિન-સમૃદ્ધ ખડકો કણશ: વિસ્થાપન અને વિકૃતિની પ્રક્રિયા દ્વારા પણ બનેલા હોય છે.
પાયરૉક્સિન અને ઑલિવીનધારક આલ્કલાઇન માતૃદ્રવ્યમાંથી તે ખનિજોના સંકેન્દ્રણથી પાયરૉક્સિનાઇટ બની શકે છે, પરંતુ ખાસ કરીને તો તે ગૅબ્બ્રો વર્ગના ખડકો સાથે જ સંકળાયેલા હોય છે. આ ખડકમાં બાયોટાઇટ અને હૉર્નબ્લેન્ડ ક્વચિત્ વધુ પ્રમાણમાં હોઈ શકે અને જો હોય તો તે મુજબનાં વિશિષ્ટ નામ તે તે પ્રકારને અપાય. ઓછી માત્રાવાળા ખનિજીય તફાવતથી પણ આ ખડકને વિશિષ્ટ નામ અપાય છે.
ગિરીશભાઈ પંડ્યા