પ્રવિધિ (process) નું અર્થશાસ્ત્ર (રસાયણઉદ્યોગ)

February, 1999

પ્રવિધિ(process)નું અર્થશાસ્ત્ર (રસાયણઉદ્યોગ) : પ્લાન્ટની સ્વીકૃત રચના (design) એવી હોવી જોઈએ, જેથી તે પ્રત્યેક સ્થિતિમાં નફો રળી આપવામાં કામિયાબ નીવડે. પેઢી માટે કુલ નફો તેની કુલ આવક અને તેના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત હોય છે.

ઔદ્યોગિક પ્રવિધિ માટે મૂડીરોકાણ કરવું પડે છે. કોઈ પણ પ્રવિધિ માટેના કુલ મૂડીરોકાણને બે વિભાગમાં વહેંચી શકાય : (1) સ્થાયી કે સ્થિર મૂડીરોકાણ; (2) અસ્થાયી કે અસ્થિર મૂડીરોકાણ.

ઉત્પાદન માટેનાં ભૌતિક સાધનો અને પ્રવિધિને લગતી સગવડો ઊભી કરવા માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે તેને સ્થાયી મૂડીરોકાણ કહેવામાં આવે છે. મજૂરોને વેતન ચૂકવવા, કાચા માલનો  સંગ્રહ કરવા, પેદા થયેલી ચીજના જથ્થાને હાથ પર રાખવા માટે જે ખર્ચ કરવામાં આવે છે તેને અસ્થાયી મૂડીરોકાણ કહેવામાં આવે છે.

રસાયણ-ઉદ્યોગના ક્ષેત્રે નીચેની બાબતોમાં સ્થિર મૂડીરોકાણ થાય છે. તેમાં સીધા ખર્ચ (direct cost) તરીકે ઓળખાતી બાબતો આ પ્રમાણે છે : સાધનોની ખરીદી, ખરીદવામાં આવેલાં સાધનોની કારખાનાના રૂપમાં સ્થાપના, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ, બેસાડેલા પાઇપો, વિદ્યુત-વિષયક સ્થાયી સાધનસામગ્રી, મકાનનું બાંધકામ, પ્રયોગશાળાનાં સાધનો વગેરે. જેનો સમાવેશ આડકતરા ખર્ચ(indirect cost)માં થાય છે તેવી કેટલીક વિગતો આ પ્રમાણે છે : ઇજનેરી ખર્ચ અને નિરીક્ષણખર્ચ, વેરો, વ્યાજ, કોન્ટ્રૅક્ટરની ફી, અણધારી ઘટનાને પહોંચી વળવા માટે રાખેલાં નાણાં (contingency).

એક પ્રતિનિધિરૂપ રાસાયણિક એકમના ખર્ચને આ પ્રમાણે રજૂ કરી શકાય : કાચા માલસામાનનું ખર્ચ (કુલ ઉત્પાદનખર્ચના 10%થી 50%), ઉત્પાદન અંગેનું વેતનખર્ચ (કુલ ઉત્પાદનખર્ચના 10%થી 20%), નિરીક્ષણ અને કારકુની ખર્ચ (કુલ વેતનખર્ચના 10%થી 25%), જાળવણી અને સમારકામનું ખર્ચ (સ્થિર મૂડીરોકાણના 2% થી 10%), પ્રયોગશાળા-ખર્ચ (વેતનખર્ચના 10%થી 20%), પેટન્ટ્સ અને ટ્રેડમાર્કનું ખર્ચ (કુલ ઉત્પાદનખર્ચના શૂન્યથી 6%). ઉપર જે ખર્ચની વિગતો આપી છે તે અસ્થિર ખર્ચની છે.

સ્થિર ખર્ચની કેટલીક વિગતો આ પ્રમાણે છે : ઘસારાખર્ચ (યંત્રસામગ્રી પર, સ્થિર મૂડીરોકાણના 10%), મકાનનો ઘસારાખર્ચ (મકાનની કિંમતના 2%થી 3%), સ્થાનિક વેરો (કુલ મૂડીરોકાણના 1%થી 4%), વીમો (કુલ મૂડીરોકાણના 0.5%થી 1.0%), ભાડું (મકાનની કિંમત પર 8%થી 12%).

રાસાયણિક એકમમાં થતા અન્ય કેટલાક ખર્ચને સાધારણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વહીવટી ખર્ચ અને વિતરણ(માર્કેટિંગ)ના ખર્ચનો સમાવેશ થાય છે. તેની ઉદાહરણરૂપ વિગતો આ પ્રમાણે છે : વહીવટી ખર્ચ (કુલ ઉત્પાદનખર્ચના 2%થી 6%), માર્કેટિંગ ખર્ચ (કુલ ઉત્પાદનખર્ચના 2%થી 20%), શોધ અને સંશોધનખર્ચ (કુલ ઉત્પાદનખર્ચના 5%), વ્યાજ (કુલ મૂડીરોકાણ પર શૂન્યથી 10%).

કોઈ પણ ઉદ્યોગમાં વિવિધ પ્રવિધિઓ અંગે થતા ખર્ચને પહોંચી વળવા માટેનાં નાણાં મેળવવાના વિવિધ સ્રોતો આ પ્રમાણે છે : શેર, બૉન્ડ, લોન, ઘસારાભંડોળ ખાતે સંચિત થતાં નાણાં, અન્ય ભંડોળોમાં એકઠાં થતાં નાણાં (દા.ત., ડિવિડન્ડ રૂપે વહેંચવામાં નહિ આવેલો નફો) વગેરે.

પેઢીને તેની પેદાશના વેચાણ દ્વારા આવક થતી રહે છે. તેને આપણે એક પ્રવાહ રૂપે જોઈ શકીએ, જે પેઢીની અંદર પ્રવેશે છે. તેની સામે પેઢીની બહાર જતો એક નાણાપ્રવાહ હોય છે : ઉત્પાદનપ્રક્રિયા માટે કરવા પડતા વિવિધ ખર્ચનો એ પ્રવાહ હોય છે. એકંદરે પેઢીના ખર્ચના પ્રવાહનું જે કદ હોય તેની તુલનામાં આવકના પ્રવાહનું કદ મોટું હોય તો પેઢી નફો રળી શકે.

ઝોહર ઝોએબભાઈ પેઇન્ટર