પ્રવાસી ચેક (traveller´s cheque)

February, 1999

પ્રવાસી ચેક (traveller´s cheque) : મુસાફરી દરમિયાન પોતાનાં નાણાંની સુરક્ષિતતા માટે પ્રવાસીને બૅંકો દ્વારા પૂરું પાડવામાં આવતું શરાફી સાધન. તે નાણાંની સુરક્ષિત હેરફેર માટેનું અગત્યનું સાધન છે. લાંબા સમયના કે લાંબા અંતરના પ્રવાસ માટે નીકળેલા પ્રવાસીને માટે મોટા પ્રમાણમાં રોકડ નાણાં સાથે લઈ જવામાં દેખીતી રીતે જોખમ હોય છે, જે ઘટાડવા અને પ્રવાસીનાં નાણાંને સુરક્ષિતતા બક્ષવા માટે બૅંકો દ્વારા પ્રવાસી ચેકની સગવડ પૂરી પાડવામાં આવે છે. આવા ચેક જુદા જુદા અંકિત મૂલ્યના હોય છે, જે પ્રવાસી તેની જરૂરિયાત મુજબ બૅંકો પાસેથી મેળવી શકે છે. તે પ્રાપ્ત કરવા માટે પ્રવાસીને અગાઉથી બૅંકમાં રોકડ રકમ અને બૅંકની દલાલીની રકમ જમા કરાવવી પડે છે; જેની સામે બૅંકો ગ્રાહકને તેની ઇચ્છા મુજબના અંકિત મૂલ્ય ધરાવતા પ્રવાસી ચેક આપે છે. દરેક પ્રવાસી ચેક પર ગ્રાહકની સહી માટે બે અલગ અલગ સ્થાન નિર્ધારિત કરેલાં હોય છે. જેમાંથી એક સ્થાન પર પ્રવાસી ચેકની માગણી કરનાર ગ્રાહકને આવી સેવા આપનાર બૅંકના અધિકારી સમક્ષ પોતાની સહી કરવી પડે છે અને તે ભવિષ્યમાં ચેકની રકમ વટાવતી વખતે ગ્રાહકની સહીનો નમૂનો (specimen) ગણાય છે. પ્રવાસ દરમિયાન જ્યારે પણ ગ્રાહકને રોકડ નાણાંની જરૂર પડે ત્યારે ચેકનો ધારક જે તે સ્થાન પર કામ કરતી બૅંકની શાખામાં પોતે હાજર થઈ પોતાની પાસેના પ્રવાસી ચેક રોકડમાં રૂપાંતરિત કરી શકે છે, પરંતુ રોકડ રકમ મેળવતાં પહેલાં ચેકના ધારકને સંબંધિત બૅંકના અધિકારી સમક્ષ ફરી એક વાર ચેક પરના બીજા નિર્ધારિત સ્થાને પોતાની સહી કરવી પડે છે. પ્રવાસી ચેક મેળવતી વખતે ગ્રાહકે ચેક પર કરેલી સહી અને ચેકનું રોકડમાં રૂપાંતર કરવા માટે ગ્રાહકે ફરી વાર તેના પર કરેલી સહી આ બંને એક જ વ્યક્તિની છે તેની ખાતરી રોકડ રકમ ચૂકવનાર બૅંકના અધિકારીને થયા પછી જ ચેકની અવેજીમાં ગ્રાહકને રોકડ રકમ ચૂકવાતી હોય છે.

દરેક પ્રવાસી ચેક પર આવી સગવડ આપનાર બૅંકનું નામ, પ્રવાસી ચેકનો નંબર, ગ્રાહકની સહીના નમૂના માટેની સહીનું સ્થાન, ચેક વટાવતી વખતે ગ્રાહકની સહી ફરી મેળવવા માટેનું સ્થાન, ચેકનું અંકિત મૂલ્ય, ચેકની સગવડ આપનાર બૅંકના પ્રબંધ નિર્દેશકની સહી તથા દરેક ચેકના પાછળના ભાગ પર ગ્રાહકને પ્રવાસી ચેક

પ્રવાસી ચેક

આપનાર બૅંકની શાખાનો રબર-સ્ટૅમ્પ અને તેનું સરનામું – આ બધી વિગતો નિર્દેશિત કરેલી હોય છે.

કોઈ એક બૅંકે આપેલા ચેક મોટાભાગના કિસ્સાઓમાં બીજી બૅંકમાં પણ વટાવવાની સગવડ ગ્રાહકોને ઉપલબ્ધ હોય છે એટલું જ નહિ, પરંતુ ચેકનો ધારક બજારમાં આવા ચેકની સામે તેને જોઈતા માલની ખરીદી કરી શકે તેવી સગવડ ઘણાખરા વેપારીઓ દ્વારા પણ પૂરી પાડવામાં આવતી હોય છે. જોકે આમ કરતી વેળાએ ધારકની સહીઓના ખરાપણા અંગેનું જોખમ વેપારી પોતાના શિરે લેતો હોય છે. આમ પ્રવાસી ચેક નાણાંની સુરક્ષિતતા તથા નાણાંની સગવડભરી હેરફેર માટેનું અગત્યનું સાધન ગણાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે