પ્રવાસી, માર્કંડેય

February, 1999

પ્રવાસી, માર્કંડેય (જ. 1942, ગરૂર, જિ. સમસ્તીપુર, બિહાર) : મૈથિલી ભાષાના કવિ અને નવલકથાકાર. તેમની ‘અગસ્ત્યાયની’ નામની મહાકાવ્યાત્મક કૃતિને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે હિંદીમાં શિક્ષણના વિષયમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલું. તેમણે એક મૈથિલીમાં અને એક હિંદીમાં એમ 2 કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે.  ‘અભિયાન’ નામની તેમની નવલકથા ‘મિથિલામિહિર’ નામના સાપ્તાહિકમાં હપતાવાર છપાઈ હતી. તેમણે મૈથિલી કવિતાના સંગ્રહનું સંપાદન પણ કર્યું છે. પટણાથી પ્રગટ થતા ‘આર્યાવર્ત’ નામના હિંદી દૈનિકના સંપાદકમંડળમાં તેમણે કામ કર્યું હતું. તેઓ બિહારની સાહિત્યિક તથા સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા છે.

પ્રાચીન વિષયની અર્વાચીન રીતિએ માવજત, પ્રતીકોનો સફળ વિનિયોગ, પરિપક્વ શૈલી અને રસપ્રદ રજૂઆતરીતિ જેવી વિશેષતાઓને કારણે તેમનો પુરસ્કૃત કાવ્યસંગ્રહ ઉલ્લેખનીય રહ્યો છે.

મહેશ ચોકસી