પાણકંદો : એકદળી (લીલીઓપ્સીડા) વર્ગમાં આવેલા લીલીએસી-(લસુનાદિ)ની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Urginea indica (Roxb.) Kunth (સં. કોલકંદ, વનપલાંડુ, પટાલુ; હિં. જંગલી પ્યાઝ, રાનકાંદા, કોલકાંદા; બ. વનપિયાજ; મ. રાનકાંદા; ગુ. જંગલી કાંદો, પાણકાંદો, કોળકંદ; તા. નારીવગયામ્; તે અદાવિતેલગડા, નાક્કાવુલ્લી ગડ્ડા; મલ. કટ્ટુલ્લી; કટુતિક્ત; ક. આદાઇરીરુલ્લી, બનપ્રાણ; અ. ઉન્મુલ; ફા. પિયાજ સહરાઈ; અં. ઇન્ડિયન સ્ક્વિલ છે.
વિતરણ : ભારતનાં મેદાનોમાં સર્વત્ર મળી આવે છે અને અધો-હિમાલયમાં 1500મી.ની ઊંચાઈ સુધી કોરોમંડલ તટ, કોકણ અને છોટાનાગપુરમાં વિપુલ પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં વલસાડ, ડાંગ, રાજપીપળા, સૌરાષ્ટ્ર અને શામળાજી જેવા જંગલવિસ્તારમાં તે થાય છે. તેના કંદ માટે ડેકન દ્વીપકલ્પ- (Peninsula)ના દરિયાકિનારે રેતાળ જમીનમાં અને અધોહિમાલયમાં તેના ઉછેરની ભલામણ કરવામાં આવી છે.
સ્વરૂપ : તે બહુવર્ષાયુ, નાની, કંદ જાતીય, શાકીય વનસ્પતિ છે. મૂળ સૂતળી જેવાં જાડાં, 10-20 સેમી. લાંબાં અને ભૂરાં-સફેદ હોય છે. કંદ ગોળાકાર કે અંડાકાર, 23.7 સેમી. x 1.25 સેમી. ભૂરા રંગનાં માંસલ પર્ણોથી આવરિત (tunicated) હોય છે. તે ચીકણો, ઉગ્ર વાસવાળો, કડવો અને સફેદ હોય છે. પર્ણો સાદાં, રેખીય, ચપટાં, પટ્ટી જેવાં, મૂળ પર્ણો (radical) એકાંતરિત, ઉપ-દ્વિપક્તિક (sub-bifarious), 15-45 સેમી. x 1.3-2.5 સેમી.; બંને સપાટીએથી લીસાં, ચકચકિત અને કડવી વાસવાળાં હોય છે. પર્ણો ઘણી વાર પુષ્પનિર્માણ પછી ઉદભવે છે.
પુષ્પો લીલાશ પડતાં સફેદ, કલગી પ્રકારના પુષ્પવિન્યાસ સ્વરૂપે 75-100 સેમી. લાંબા પ્રવૃન્ત (scape) ઉપર ઉદભવે છે. કલગી 15-30 સેમી. લાંબી હોય છે અને તે 4-8 પુષ્પો ધરાવે છે તથા લાંબા અંતરે ગોઠવાયેલી હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, 1.3-1.9 સેમી. ઉપવલયાકાર કે લંબચોરસ હોય છે, જેમાં 6-9 ચપટાં કાળાં બીજ આવેલાં હોય છે. પુષ્પનિર્માણ માર્ચ-મે અને ફળનિર્માણ મે-જુલાઈ સુધી થાય છે.
ભારતીય બજારમાં મળતો પાણકંદો મુખ્યત્વે U.indica અને થોડાક પ્રમાણમાં Scilla hyacinthiana સાથે મિશ્ર થયેલો હોય છે. વ્યાપારિક ઔષધ વક્ર કે અનિયમિત આકારની પટ્ટીઓ સ્વરૂપે મળે છે. તેની લંબાઈ 3-6 સેમી., 3-8 મિમી. પહોળી અને 1-3 મિમી. જાડી હોય છે. તેઓ વચ્ચેથી જાડી, બંને છેડા તરફ જતાં શુંડાકાર (tapering), પારભાસક (transluscent) અથવા પીળાશ પડતી સફેદ અને યુરોપિયન પાણકંદા કરતાં રંગમાં સહેજ ઘેરી હોય છે. તેનું ચૂર્ણ પીળાશ પડતા સફેદ રંગથી માંડી આછું બદામી, ભેજશોષક, ગંધવિહીન, કડવું, શ્લેષ્મી અને સ્વાદે તીક્ષ્ણ(acrid) હોય છે.
વનસ્પતિ રસાયણ (phytochemistry) : પાણકંદાના કંદ હૃદ્ (cardica) ગ્લાયકોસાઇડો ધરાવે છે. (વ્યાપારિક નમૂનાઓમાં 0.3 % જેટલું ઉત્પાદન). તેઓ ઔષધમાં સક્રિય ઘટકો છે. સિલેરેન A અને B (2:1 પ્રમાણમાં) મુખ્ય ઘટકો છે. સિલેરેન A સ્ફટિકમય હોય છે અને પાણીમાં અતિઅલ્પ દ્રાવ્ય છે; જ્યારે B અસ્ફટિકી (amorphous) ચૂર્ણ સ્વરૂપે હોય છે અને પાણીમાં મુક્તપણે દ્રાવ્ય હોય છે. બંને અત્યંત કડવાં અને આલ્કોહૉલમાં દ્રાવ્ય હોય છે. કંદ અત્યંત અલ્પપ્રમાણમાં એક એગ્લુકોન (C26H32O4, ગ. બિં. 265-67o સે.) ધરાવે છે. તે પાણીમાં અદ્રાવ્ય હોય છે.
પેટ્રોલિયમ-ઈથર નિષ્કર્ષણ દ્વારા કંદમાંથી લીલા રંગનો મેદ (1.04 %) પ્રાપ્ત થાય છે. તેની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ. ગુ. 0.8548; વક્રીભવનાંક (nD28o0) 1.4485; આયોડિન આંક 50.23; ઍસિડ આંક 4.8 અને સાબૂકરણ આંક 217.36 આ મેદનું ફૅટીઍસિડ બંધારણ આ પ્રમાણે છે : લૉરિક 12.2 %; એરેકિડિક 17.1 %; મિરિસ્ટિક 19.5 %; પામિટિક 10.8 %; સ્ટીઅરિક 12.8 %; ઑલેઇક 10.4 %; લિનોલેનિક 11.8 % અને રિસિનોલેઇક 5.2 %. મેદરહિત કંદમાંથી કાર્ડિયોજેનિન, 6ડીએસિટૉક્સિ-સિલિરોસિડિન અલગ કરવામાં આવ્યા છે.
કંદના મિથેનૉલીય નિષ્કર્ષના ક્લોરોફૉર્મ-દ્રાવ્ય અંશમાંથી નવસંયોજનો પ્રાપ્ત થયા છે. ચાર બુફેડાયેનોલાઇડ ઉપરાંત, સિલેરિડીન (1), 12B-હાઇડ્રૉક્સિસિલેરિડિન (2) 5 x 4, 5-ડાઇહાઇડ્રો-8B-હાઇડ્રૉક્સિ સિલિસાયેનોસિડિન (3) 14B-હાઇડ્રૉક્સિબુફે 20, 22-ડાયેનાલાઇડ-3-O-α-L-થીવેટો સાઇડ, (4) ત્રણ સ્ટેરૉઇડો : સ્ટિગ્મેસ્ટૅરૉલ, β-સિટોસ્ટેરૉલ અને β-સિટોસ્ટેરૉલ-3-O-β-D ગ્લુકોસાઇડ અને બે મીણયુક્ત ઘટકો : લૉરિક ઍસિડ અને પેન્ટાટ્રાઇકોન્ટેનોલ.
એક અભ્યાસ પ્રમાણે કંદમાંથી મળી આવેલાં વિવિધ વિટામિનોમાં : વિટામિન A (રૅટિનૉઇડ/કેરોટીન 5142 IU/Kg); વિટામિન B1(થાયેમીન) 0.1 પીપીએમ; વિટામિન B2 (રાઇબોફ્લેવિન) 0.54 પીપીએમ; વિટામિન B5 (પૅન્ટોથેનિકઍસિડ) <0.01 પીપીએમ.; વિટામિન B6 (પાયરિડૉક્સિન) 0.018 પીપીએમ; વિટામિન B7 (બાયોટિન) 1.0 પીપીએમ., વિટામિન B12 (સાયનોકોબાલોમિન) 2.36 પીપીએમ.; વિટામિન E (ટોકોફેરૉલ) 4341 IU/ કિગ્રા. હોય છે. પ્રોસિલેર્ડિન A, સિલેરેન A, સિલિફીઓસાઇડ અને એન્હાઇડ્રો સિલિફીઓસિડીનનું અલગીકરણ કરવામાં આવ્યું છે.
અન્ય ઘટકોમાં ફ્લેવોનૉઇડો, કાર્બોદિતો, ફૂગરોધી (antifungal), ગ્લાયકોપ્રોટીનો, સ્ટેરૉઇડો, ટૅનિનો, કાઉમેરિનો અને સેપોનિનોનો સમાવેશ થાય છે.
ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો
ઔષધ અલ્પમાત્રાઓમાં હૃદ્-બલ્ય (cardio-tonic), ઉત્તેજક (stimulant), કફોત્સારક (expectorant) અને મૂત્રલ (diuretic), શોથઘ્ન (anti-inflammatory) અને કૃમિઘ્ન (anthelmintic) ગુણધર્મો ધરાવે છે. મોટી માત્રામાં તે વમનકારી (emetic) અને વિરેચક (cathartic) છે અને હૃદ્-અવસાદ (cardiacdepression) ઉત્પન્ન કરી શકે છે. તેની હૃદ્-બલ્ય અસર ડિજિટેલિસ સાથે સામ્ય ધરાવે છે; છતાં પાણકંદો વધારે ઝડપથી ક્રિયા કરે છે અને તેની અસર ઓછી સંચયી (cumulative) હોય છે. ડિજિટેલિસની અવેજીમાં તેનો ઉપયોગ અનિચ્છનીય છે; કારણ કે તેની અસર ક્ષોભક(irritating) હોય છે અને શોષણ અલ્પ પ્રમાણમાં થાય છે.
દીર્ઘકાલી શ્વસનીશોથ (chronic bronchitis) અને દમમાં તે પ્રબળ કફોત્સારક છે. જઠરાંત્રીય (gastro-intestinal) માર્ગમાં થતા મંદ ક્ષોભ(irritation)ને કારણે કફોત્સારી ક્રિયા થાય છે. તેનાથી કફની ચીકાશ તૂટે છે અને ગળફા જલદી બહાર આવે છે. તે શરબત કે ટિંક્ચરના સ્વરૂપમાં આપવામાં આવે છે.
કંદનો આલ્કોહૉલીય નિષ્કર્ષ માનવના નાસાગ્રસની(nasopharynx)ના અધિચ્છદાભ (epidermoid) કૅન્સરના કોષોના પેશીસંવર્ધન સામે અને ઉંદરોમાં થતા ફ્રેન્ડ-વાઇરસ શ્વેતરક્તતા (leukaemia) સામે પ્રતિકૅન્સર (anticancer) સક્રિયતા ધરાવે છે. તે Entamoeba histolyticaના STA વિભેદ (strain) સામે સક્રિયતા દર્શાવે છે. કંદનો નિષ્કર્ષ અલ્પગ્લુકોઝરક્તતા(hypoglycemia)નો ગુણધર્મ પણ ધરાવે છે.
સ્થાનિક (indigenous) ચિકિત્સામાં પાણકંદાનો અવરોધહર(deobstruent) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે જલશોફ (dropsy), આમવાત (rheumatism) અને ત્વચાના રોગોમાં ઉપયોગી છે. મસ(wart) દૂર કરવા કંદનો ઉપયોગ થાય છે. પગના પંજામાં દાહ (burning)ની સંવેદના થતી હોય તો કંદ ગરમ કરી, ઘસીને લગાડાય છે.
તે ફૂગરોધી, પ્રતિ-ઉપચાયી(anti-oxidant), જઠરાંત્રીય ઉત્તેજક(gastrointestinal stimulant), પ્રતિવાહિકાજન્ય (antiangiogenic) અને પૂર્વક્રમિકમૃત્યુધર્મિતા (proapoptotic) સક્રિયતા દર્શાવે છે.
કંદનો ઇથેનૉલીય નિષ્કર્ષ (1.5 ગ્રા./કિગ્રા. માત્રા) મોં દ્વારા આપતાં તેની ઉંદરોમાં પ્રતિશોથઘ્ન, સંધિશોથહર (anti-arthritic) અને મધ્યમ વેદનાહર (analgesic) અસરો ઉત્પન્ન થાય છે. વળી, તે હૃદબલ્ય સક્રિયતા પણ દાખવે છે. આ લાક્ષણિકતા બુફેડાયેનૉલાઇડોની હાજરીને કારણે જોવા મળે છે.
પાણકંદાના કંદના નિષ્કર્ષની સસલાની શ્વાસનળીની અને ગિનિ-પિગના કર્ણકની પેશીઓની અનુક્રમે શ્વસનીવિસ્ફારક (bronchodilator) અને હૃદબલ્ય અસરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેનો નિષ્કર્ષ પ્રતિકોલીનધર્મી (anticholinergic) અને Ca++ વિરોધી (antagonist) ક્રિયાવિધિઓના એમ બંને સંયોગની મધ્યસ્થી દ્વારા અને પસંદગીમય ધનાત્મક (positive) હૃદ્સ્નાયુપોષી (inotrople) અસર સાથે શ્વસનીવિસ્ફારક તથા હૃદબલ્ય સક્રિયતા દર્શાવે છે. તેથી પાણકંદો શ્વસનમાર્ગ અને હૃદયના વિકારો માટે યથોચિત ઔષધ ગણાય છે.
આયુર્વેદ અનુસાર પાણકંદાના ગુણધર્મો આ પ્રમાણે છે :
ગુણ – તીક્ષ્ણ, લઘુ | રસ – કટુ, તિક્ત |
વિપાક – કટુ | વીર્ય – ઉષ્ણ |
કર્મ |
કર્મબાહ્ય તે રક્તોક્લેશક અને વ્રણકારક છે.દોષકર્મ – તે ઉષ્ણ હોવાથી વાતશામક અને કટુતિક્ત હોવાથી કફશામક છે અને ઉષ્ણ હોવાથી પિત્તવર્ધક છે.
પાચનતંત્ર – તેની તીક્ષ્ણતાને કારણે પાચનતંત્રમાં વધારે ક્ષોભ ઉત્પન્ન કરે છે. તેથી હલ્લાસ, વમન અને રેચન થવા લાગે છે. આ લક્ષણો પૂર્ણ માત્રામાં અને કેટલીક વાર ઔષધીય માત્રા આપવાથી પણ જોવા મળે છે. તે કૃમિઘ્ન છે.
રુધિરાભિસરણતંત્ર – તે હૃદય માટે બલ્ય અને ઉત્તેજક છે, પરંતુ જઠરમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે અને શોષણ ઓછું થતું હોવાને કારણે વધારે માત્રા આપવી પડે છે. તે શોથ દૂર કરે છે.
શ્વસનતંત્ર – તે કફનિસ્સારક છે. તેનાથી કફની ચીકાશ તૂટે છે અને ગળફા જલદી બહાર નીકળે છે. આ ક્રિયા તીક્ષ્ણતાને કારણે જઠરના ક્ષોભને લઈને પ્રત્યાવર્તિત રૂપમાં થાય છે.
ઉત્સર્જનતંત્ર – તે હૃત્પત્રીની અપેક્ષાએ વધારે મૂત્રલ છે. તે તીક્ષ્ણહોવાથી મૂત્રપિંડમાં રક્તપરિવહન અને મૂત્રપિંડના કોષોને ઉત્તેજિત કરે છે. તેથી અધિક મૂત્રનિર્માણ થાય છે.
પ્રજનનતંત્ર તે ઉષ્ણ અને તીક્ષ્ણ હોવાથી આર્તવજનન છે.
ત્વચા – તે ઉષ્ણ હોવાથી સ્વેદજનન છે.
સાત્મીકરણ તે કૅન્સર-પ્રતિરોધી ગુણધર્મ ધરાવે છે. તે વિષઘ્ન હોય છે.
ઉપયોગ – તેનો કફવાતજન્ય વિકારોમાં ઉપયોગ થાય છે. તે ચામડીના રોગોમાં અને દ્રવયુક્ત શોથમાં લેપ સ્વરૂપે ઉપયોગી છે. તે કૃમિ અને ઉદરરોગમાં વિશેષ કરીને જલોદરમાં ઉપયોગી છે. તે જલોદરમાં શોથ ઓછો કરે છે. તેનો ભૂકો (120-360 મિગ્રા. માત્રામાં અને ઊલટી માટે 720-1440 મિગ્રા.ની માત્રામાં ગોળ સાથે આપવાથી કૃમિ નીકળી જાય છે. તે હૃદયને શક્તિ આપે છે. તેનો હૃદયરોગ, શોથ અને ખાસ કરીને હૃદ્રોગજન્ય શોથમાં ઉપયોગ કરવામાં આવે છે.
તે દમ, ક્ષય અને ફેફસાંના વરમમાં કફઘ્ન તરીકે વપરાય છે. જીર્ણ પ્રતિશ્યાય, જીર્ણ કાસ, જીર્ણ ફેફસાંના રોગમાં અને શ્વાસરોગમાં લાભદાયી છે. જ્વરની સાથે કફનો પ્રકીપ હોય ત્યારે લેવામાં આવે છે. દમ ઉપર તેને અફીણની વ્યાધિમાં તે આપતાં પુષ્કળ પેશાબ છૂટે છે. તેનો રજોરોધ અને કષ્ટાર્તવમાં ઉપયોગ થાય છે.
પાણકંદામાં વિષ હોવાથી તેનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે.
માત્રા – ચૂર્ણ 120-200 મિગ્રા., પાનક(syrup) 30-60 ટીપાં, સુરાસત્વ (tincture) 5-30 ટીપાં.
વિશિષ્ટ યોગ – પાનક અને સુરાસત્વ સ્વરૂપે તેનો વિશેષ ઉપયોગ થાય છે.
વક્તવ્ય – (1) અન્નનળીક્ષોભ, તીવ્ર વૃક્કરોગ અને તીવ્ર કાસમાં તેનો ઉપયોગ કરવો નહિ.
(2) ઔષધીય પ્રયોગ માટે એક વર્ષનો નવો કંદ લેવો જોઈએ, કારણ કે તેનાથી વધારે વધવાથી તેની ક્ષમતા ક્રમશ: ઘટે છે.
(3) કંદની છાલ અને વચ્ચેનો ભાગ બાકીના ભાગને સૂકવી કાઢી લઈ તેના ટુકડા કરવામાં આવે છે.
पारिभद्रोडनिलश्लेष्मशोफमेद: कृमिप्रणत् ।
तत्पत्रं पित्तरोगध्नं कर्णव्याधिविनाशनम् ।।
ભાવપ્રકાશ
पारिभद्र कटूष्णा:स्यात् कफवातनिकृन्तन: ।
अरोचकहर: पथ्यो दीपनश्चापि कीर्तित:।।
બળદેવભાઈ પટેલ
આદિત્યભાઈ છ. પટેલ