પાઠક, હસમુખ હરિલાલ (. 12 ફેબ્રુઆરી 1930, પાલિતાણા, જિ. ભાવનગર, . 3 જાન્યુઆરી 2006) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ તરીકે પ્રસિદ્ધ. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. વતન ભોળાદ (તા. ધોળકા, જિ. અમદાવાદ). પિતા હરિલાલ. માતા દેવગૌરી. શાળા તથા કૉલેજનું શિક્ષણ અમદાવાદમાં. 1947માં મૅટ્રિક. 1954માં ભૌતિકવિજ્ઞાન અને ગણિતના વિષયો સાથે બી.એસસી.. 1955માં ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ અને 1964માં માસ્ટર ઑવ્ લાઇબ્રેરી સાયન્સ, દિલ્હી યુનિવર્સિટીમાંથી કર્યાં.

1955થી 1958 સુધી અટિરા લાઇબ્રેરી, અમદાવાદ તથા 1958થી 1966 સુધી મા. જે. પુસ્તકાલય, અમદાવાદમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તરીકે, 1966થી 1968 સુધી હાઇલેસેલાસી યુનિવર્સિટી, ઇથિયોપિયા (આફ્રિકા) ખાતે સાયન્સ લાઇબ્રેરિયન તરીકે તથા 1970થી 1989માં નિવૃત્ત થયા ત્યાં સુધી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચ, થલતેજ, અમદાવાદમાં લાઇબ્રેરિયન તરીકે સેવાઓ આપેલી છે. 1986થી 1988ના સમયગાળા દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સંચાલિત એમ.લિબ.એસસી. કૉર્સ માટે કો-ઑર્ડિનેટર તરીકે તેમજ 1971થી 1980ના સમયગાળા દરમિયાન ‘અન્વેષક’ (અંગ્રેજી) અને ‘માધુકરી’ સામયિકોના સંપાદક તરીકેની તેમજ રિસર્ચ સ્ટડિઝના પ્રકાશનની જવાબદારી સંભાળેલી.

આધુનિક ગુજરાતી કવિતામાં વિષયવસ્તુ છંદોલય અને અભિવ્યક્તિના પ્રયોગો રજૂ કરતા. તેમના પ્રથમ કાવ્યગ્રંથ ‘નમેલી સાંજ’(1958)ની અઢાર કાવ્યરચનાઓને સમાવતો ‘સાયુજ્ય’ કાવ્યસંગ્રહ 1972માં પ્રસિદ્ધ થયો. આ ઉપરાંત ‘જાગરણ-પાછલી ખટઘડી’ (1992) તથા ‘એકાન્તિકી’ (2004) તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. તેમની કવિતા ભાવબોધ અને અભિવ્યક્તિની દૃષ્ટિએ તેમજ વ્યંજનાગર્ભ પ્રતીકાત્મકતા તથા કવિતામાં કૌંસના વિનિયોગથી વિશેષ પરિમાણ પ્રગટ કરતા છાંદસ-અછાંદસના પ્રયોગોથી ધ્યાનાર્હ છે.

એમણે ચેક કવિ મીરોસ્લાફ હોલુબનાં કાવ્યો ‘વસ્તુનું મૂળ અને બીજાં કાવ્યો’ (1976) નામે અનુવાદ કર્યો છે. આ સિવાય જાપાની નાટ્યકાર જુન્જી કિનોશિટાના નાટક ‘ટ્વાઇલાઇટ ક્રેન’નો અનુવાદ ‘સારસીનો સ્નેહ’ (1963) નામે કર્યો છે. ‘કોરસ’ નાટ્યસંસ્થા માટે સૅમ્યુઅલ બૅકેટના નાટક ‘વેઇટિંગ ફૉર ગોદો’ની ગુજરાતીમાં સ્ક્રિપ્ટ તૈયાર કરેલી (1979-80), જેને ઓરિસા રાજ્યમાં ભજવણી માટે દ્વિતીય ઇનામ મળ્યું હતું. કવિશ્રી લીલાશુક (બિલ્વમંગળ) વિરચિત ‘કૃષ્ણ-કર્ણામૃત’ ગ્રંથની બંગાળી આવૃત્તિની ગુજરાતીમાં સારાનુવાદ ટીકા ‘નીલમણિ’(1998)ના નામે કરી છે. ‘મા-દીકરો’ (1957) અને ‘રાત્રિ પછીનો દિવસ’ (1963) આ બે વાર્તાઓ ‘સંસ્કૃતિ’ સામયિકમાં છપાઈ હતી. આ ઉપરાંત તેમણે કેટલાક આસ્વાદમૂલક વિવેચનાત્મક તેમજ આત્મકથનાત્મક લેખો પણ આપેલા છે.

તેમના ‘સાયુજ્ય’ કાવ્યગ્રંથને 1973ના વર્ષનું કવિ ન્હાનાલાલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું.

અમૃત ચૌધરી