પાટીલ, સંદીપ મધુસૂદન ( જ. 18 ઑગસ્ટ 1956, મુંબઈ) : ભારતનો આક્રમક જમોડી બૅટ્સમૅન અને મધ્યમ ઝડપી ગોલંદાજ. 1979-80 સૌરાષ્ટ્ર સામે મુંબઈ તરફથી રણજી ટ્રૉફી મૅચ ખેલતા સંદીપ પાટીલે 210 રનનો જુમલો નોંધાવતાં એને એ વર્ષે પાકિસ્તાન સામે ચેન્નઈની ટેસ્ટમાં ખેલવાની તક મળી. પ્રથમ ટેસ્ટમાં 15 રને આઉટ થયેલા સંદીપ પાટીલે પોતાની કૉલકાતાની બીજી ટેસ્ટમાં 62 અને 31 રન નોંધાવી ભારતીય ટીમમાં નિશ્ચિત સ્થાન મેળવ્યું. ઑસ્ટ્રેલિયા સામે ઍડિલેઇડની ટેસ્ટમાં એણે 174 રનની શાનદાર રમત બતાવી.
એ પછી 1982માં 24મી જૂને ઇંગ્લૅન્ડના માંચેસ્ટરના ઓલ્ડ ટ્રૅફર્ડના મેદાન પર સંદીપ પાટીલે અણનમ 129 રન નોંધાવ્યા હતા. આ સમયે બૉબ વિલિસની એક ઓવરમાં છ ચોગ્ગા લગાવીને સંદીપ પાટીલ 80થી 104ની રનસંખ્યા પર પહોંચ્યો હતો. આમ ભારત તરફથી 29 ટેસ્ટમાં 1,588 રન કર્યા અને 26 રનની સરેરાશથી 9 વિકેટ મેળવી. જ્યારે વન-ડે ક્રિકેટમાં પણ એણે 45 મૅચમાં 24 રનની સરેરાશથી 1,005 રન કર્યા અને 39 રનની સરેરાશથી 15 વિકેટ ઝડપી. પ્રથમ કક્ષાની ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતીય ટીમના કોચ તરીકે પણ પાટીલે સેવા આપી છે.
જગદીશ શાહ