પ્રવરસેન પ્રથમ (જ. ?; અ. ઈ.સ. 330) : ઈ. સ.ની ત્રીજી-ચોથી સદીમાં થયેલ વાકાટક વંશનો શ્રેષ્ઠ રાજવી. વાકાટક વંશના સ્થાપક પ્રથમ રાજા વિન્ધ્યશક્તિ પછી તેનો પુત્ર પ્રવરસેન પહેલો ગાદીએ આવ્યો. તે વિષ્ણુ વૃદ્ય ગોત્રનો બ્રાહ્મણ હતો. એ વાકાટક વંશનો સર્વશ્રેષ્ઠ રાજા હતો. તેણે ‘સમ્રાટ’નું બિરુદ ધારણ કર્યું હતું. એણે પોતાના સામ્રાજ્યની સીમા ઉત્તરમાં નર્મદા સુધી વિસ્તારી પુરિકા નામની નગરી પર અધિકાર જમાવ્યો હતો. પુરાણો પ્રમાણે પાછળથી એણે પુરિકાને પોતાની રાજધાની બનાવી હતી. હરિવંશ(વિષ્ણુપર્વ, અ. 38, શ્લોક 21–22)માં જણાવ્યા મુજબ, ઋક્ષવત્ અથવા સાતપુડા પર્વતની આસપાસ આ નગરી આવેલી હતી. પ્રવરસેને દક્ષિણ તરફ ઉત્તર કુંતલના કોલ્હાપુર, સતારા અને સોલાપુરમાં પોતાની સત્તા વિસ્તારી હતી. કલિંગ અને આંધ્રના કેટલાક રાજાઓએ પ્રવરસેનનું પ્રભુત્વ સ્વીકાર્યું હતું. વળી એના પિતા વિન્ધ્યશક્તિએ માળવામાંથી ક્ષત્રપોને હાંકી કાઢ્યા હતા એટલે પ્રવરસેન પહેલાએ પણ પશ્ચિમમાં પોતાની સત્તા વિસ્તારવા પશ્ચિમ ભારતના ક્ષત્રપ રાજા ભર્તૃદામાને હરાવવામાં ક્ષત્રપ રાજા રુદ્રસિંહ બીજાને મદદ કરી હોવાનું મનાય છે. આ સમયના બહુ જ ઓછા લેખો મળે છે. તેથી પ્રવરસેનના સામ્રાજ્યની સીમાઓ નિશ્ચિત કરવી મુશ્કેલ છે.

આ રાજા ધાર્મિક વૃત્તિનો હતો. તે વૈદિક ધર્મનો મહાન આશ્રયદાતા હતો. એણે પોતે મેળવેલા વિજયોની યાદમાં ચાર અશ્વમેધ યજ્ઞો પણ કર્યા હતા. આ ઉપરાંત શ્રૌત યજ્ઞ અને સપ્તસોમ યજ્ઞ – અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉકથ્ય, ષોડશી, વાજપેય, અતિરાત્ર અને આપ્તોર્યામ – કર્યાના ઉલ્લેખો મળે છે. વાજપેય યજ્ઞના અનુષ્ઠાન પછી એણે ‘સમ્રાટ’નું બિરુદ ધારણ કર્યું હતું. અગાઉના રાજાઓની જેમ પ્રવરસેને પોતાના ધર્મવિજયનું સૂચક ‘ધર્મમહારાજ’નું બિરુદ પણ ધારણ કર્યું હતું. પ્રવરસેન ‘હારીતી પુત્ર’ કહેવાતો. એણે ભગવાન શિવનું દેવાલય બંધાવી એને પ્રવરેશ્વર નામ આપ્યું હતું.

આમ ચાર અશ્વમેધ યજ્ઞો કરીને પ્રવરસેને દક્ષિણ ભારતમાં પોતાનું ‘સમ્રાટ’ પદ ઘોષિત કર્યું. પોતાની સત્તાને વધુ મજબૂત કરવાના ઉદ્દેશથી એણે ઉત્તર ભારતના નાગવંશી ભારશિવોની સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કર્યો. પુરાણો મુજબ પ્રવીર અર્થાત્ પ્રવરસેન પહેલાએ 60 વર્ષ રાજ્ય કર્યું. તેને ચાર પુત્રો હતા. તેના મૃત્યુ પછી તેનો પૌત્ર રુદ્રસેન પહેલો ગાદીએ આવ્યો.

રામજીભાઈ ઠા. સાવલિયા