પંવાર, ભંવરસિંહ (જ. 1939, જરાઉ, રાજસ્થાન) : ગુજરાતના ચિત્રકાર. મૅટ્રિકનો અભ્યાસ પૂરો કર્યા પછી પંવાર અમદાવાદમાં કનૈયાલાલ યાદવ, રસિકલાલ પરીખ અને ત્યારપછી માનસિંહ છારાના સંપર્કમાં આવ્યા. આથી ચિત્રકલામાં તેમનો રસ વધુ ઊંડો થયો. માનસિંહ છારાને કારણે વડોદરાના શંખો ચૌધરી, નારાયણ શ્રીધર બેન્દ્રે અને જ્યોતિ ભટ્ટના પરિચયમાં આવ્યા તથા પછીથી મુંબઈના કલાકારો એસ. એન. જોશી, આલમેલકર અને આચરેકરના સંપર્કમાં આવ્યા.
પંવારે 1957માં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં જોડાઈ 1963માં ત્યાંથી ચિત્રકળાનો ડિપ્લોમા તથા 1964માં આર્ટ માસ્ટરનું પ્રમાણપત્ર મેળવ્યાં. આ પછી તેઓ અમદાવાદ આવી વસ્યા અને ગુજરાત યુનિવર્સિટીમાંથી તેઓ 1980માં હિન્દી ભાષાસાહિત્યના વિષય સાથે અનુસ્નાતક થયા.
અમદાવાદના નિવાસ દરમિયાન તેમના હિન્દી ભાષાના માર્ગદર્શક ભોળાભાઈ પટેલ સાથેના સંપર્કને કારણે તેમની રસવૃત્તિ વધુ સતેજ અને સૂક્ષ્મ બની, જેનો સીધો લાભ તેમની ચિત્રકળાને થયો. ’60ના દસકામાં અમદાવાદના કલાકારો અશ્વિન મોદી, હિંમત શાહ, મુકુંદ શ્રોફ સાથે તેમણે કામ કર્યું. શરૂઆતમાં આલંકારિક તથા રૂઢ વાસ્તવિક શૈલીઓમાં કામ કર્યા પછીથી અમૂર્તવાદ તરફ વળ્યા અને જેરામ પટેલની માફક બ્લો ટૉર્ચથી સપાટી બાળવા તરફ પણ વળ્યા. આ પછી રંગોના જાડા થરો વાપરવા શરૂ કર્યા અને પાસાદાર ઘનવાદી ચોસલાના આકારો વડે માનવઆકૃતિઓનું નિરૂપણ કરવું શરૂ કર્યું. તેમનાં ચિત્રોમાં રાજસ્થાની ભૂમિનું એક સ્વપ્નિલ નિરૂપણ જોવા મળે છે. વિશાળ ભેંકાર ખુલ્લાં રણો, ચંદ્રોદય, ટેકરીઓ, કિલ્લા, મહેલો અને રંગીન વસ્ત્રધારી લોકોનું ચિત્રણ એક એવું પરીકથામય વાતાવરણ ઊભું કરે છે, જે રાજસ્થાની પરંપરાનાં ચિત્રોથી જુદું તરી આવે છે. આમ આધુનિક આંખે રાજસ્થાની ભૂમિનો આવિષ્કાર અહીં જોવા મળે છે. તેમણે તૈલરંગો ઉપરાંત, કૉલાજ, ઇનેમલ રંગો અને લાકડાના વહેર તથા ઔદ્યોગિક ગુંદર વડે પણ ચિત્રકામ કર્યું છે.
તેમણે મુંબઈમાં 1967 તથા 1985માં અને અમદાવાદમાં 1987, 1992, 1995 તથા 1996માં વૈયક્તિક પ્રદર્શનો યોજેલાં. આ ઉપરાંત અનેક સામૂહિક પ્રદર્શનોમાં તેમનાં ચિત્રો રજૂ થયાં છે.
1964, ’68 તથા ’89 – એમ કુલ ત્રણ વાર પંવારને એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ્સ, કૉલકાતાના ઍવૉર્ડ મળેલા છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના ઍવૉર્ડ 1967 અને ’89માં મળ્યા હતા. 1967માં હૈદરાબાદ આર્ટ સોસાયટીનો ઍવૉર્ડ પણ તેમને મળેલો.
2008માં ભંવરસિંહને ભારત સરકારના માનવસંસાધન મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઑફ કલ્ચરની સિનિયર ફેલોશિપ મળી હતી. એ હેઠળ તેમણે સર્જેલી અર્ધ અમૂર્ત ચિત્રશ્રેણીમાં માનવમનનો કલ્પનાવિલાસ (fantasy) એવી રીતે આલેખ્યો છે કે જોનારને માનવ-આકૃતિઓ નજર સમક્ષ સંતાકૂકડી રમતી પ્રતીત થાય. તેમની કલાસાધના અવિરત ચાલુ છે.
અમિતાભ મડિયા