પંત, સુમિત્રાનંદન (જ. 20 મે 1900, કૌસાની; અ. 18 ડિસેમ્બર 1977, અલ્લાહાબાદ) : વિખ્યાત હિંદી કવિ. તેઓ હિંદી સાહિત્યની છાયાવાદ વિચારધારાના આધારસ્તંભ ગણાય છે. મૂળ નામ ગુસાઈદત્ત. પ્રથમ રચના ‘ગિરજે કા ઘંટા’ 1916માં પ્રકાશિત થઈ. 1918 સુધી પ્રકૃતિના સાન્નિધ્યમાં રહીને કાવ્યરચનાઓ કરતા રહ્યા. ‘મેઘદૂત’નો સસ્વર પાઠ કરતા મોટા ભાઈના પ્રભાવથી તેમજ ‘અલ્મોડા અખબાર’, ‘સરસ્વતી’, ‘વેંકટેશ્વર સમાચાર’ જેવાં સમાચારપત્રોને લીધે તેઓ કવિતા તરફ આકર્ષાયા. ઉચ્ચ શિક્ષણ માટે અલ્મોડા ગયા ત્યારે ત્યાં લોકજીવનનો પ્રથમ પરિચય થયો. એ જ અરસામાં તેમણે ‘ગુસાઈદત્ત’ને બદલે ‘સુમિત્રાનંદન’ નામ સ્વીકાર્યું.
કવિ તરીકેની તેમની કારકિર્દી 1918થી બનારસમાં શરૂ થઈ. ત્યાં હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન સરોજિની નાયડુ, રવીન્દ્રનાથ ટાગોર તથા અંગ્રેજી ભાષાના રોમૅન્ટિક કવિઓની કૃતિઓનો પરિચય થયો. ત્યાં જ કાવ્યસ્પર્ધામાં ભાગ લઈ તેમણે પ્રશંસા મેળવી. 1919માં પ્રયાગમાં કૉલેજના શિક્ષણ દરમિયાન ‘છાયા’, ‘સ્વપ્ન’ જેવી કાવ્યરચનાઓ દ્વારા સાહિત્યિક વર્તુળોમાં કવિ તરીકેની પ્રતિષ્ઠા જમાવી. આ ઊગતા કવિની ‘સરસ્વતી’માં પ્રગટ થયેલી કેટલીક રચનાઓ યુગપ્રવર્તક સાબિત થઈ. 1920માં પ્રકાશિત તેમની કાવ્યરચનાઓ ‘ઉચ્છવાસ’ તથા ‘ગ્રન્થિ’માં અતીંદ્રિય પ્રેમને તથા અંતર-વ્યથાને વાચા મળી. 1921માં કૉલેજ-શિક્ષણનો ત્યાગ કરી એકાંતચિંતન તથા ગંભીર અધ્યયનમાં લીન થયા. ‘પલ્લવ’(1928)ના પ્રકાશનની સાથે હિંદી સાહિત્યમાં છાયાવાદી કાવ્યધારાના પ્રસારનો સંકેત મળે છે. 1931માં કાલાકાંકર ખાતે રચાયેલ ‘જ્યોત્સ્ના’માં ગાંધીવાદી તથા માર્કસવાદી વિચારસરણીને અનુલક્ષીને કોઈ નવી જીવનવ્યવસ્થા અંગેની કવિના મનની વ્યથાનો પડઘો પડ્યો છે અને તે ‘યુગાંત’થી છેક ‘ગ્રામ્યા’ સુધી સંભળાતો રહ્યો છે. ‘ગુંજન’ (1932) દ્વારા કવિની કાવ્યસાધનાનું એક નવું પાસું વ્યક્ત થાય છે. તેમાં માનવ પ્રત્યેની કવિની મંગળ ભાવના તથા નવી કલાચેતનાનો સંકેત મળે છે. ‘ભારત છોડો’ (1942) આંદોલન દરમિયાન તેમણે ‘લોકાયતન’ નામક સાંસ્કૃતિક વિદ્યાપીઠ માટેની યોજના ઘડી હતી. 1944માં ઉદયશંકર-નિર્મિત ચલચિત્ર ‘કલ્પના’ માટે ગીતો લખ્યાં. તે જ વર્ષે શ્રી અરવિંદની દાર્શનિક પ્રવૃત્તિઓનો પરિચય થયો અને 1945થી 1959ના ગાળામાં ‘નવમાનવતાના સ્વપ્નકાલ’ દરમિયાન તેમણે રચેલાં ‘સ્વર્ણધૂલિ’થી માંડી ‘ઉત્તરા’ સુધીનાં કાવ્યોમાં શ્રી અરવિંદની વિચારસરણી જોવા મળે છે. 1950થી ’57 દરમિયાન તેમણે આકાશવાણીમાં સેવા આપી. આ જ અરસામાં તેમનાં ‘રજતશિખર’, ‘શિલ્પી’, ‘સૌવર્ણ’ તથા ‘અંતિમા’ નામક કાવ્યરૂપકો પ્રકાશિત થયાં. જીવનના ઉત્તરકાળમાં કવિએ ‘લોકાયતન’ મહાકાવ્યની રચના કરી.
1958માં પ્રકાશિત તેમના ‘કલા ઔર બૂઢા ચાંદ’ કાવ્યસંગ્રહને સાહિત્ય એકૅડેમીનો 1961ના વર્ષનો ઍવૉર્ડ અને 1968માં ‘ચિદમ્બરા’ કાવ્યસંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ ઍવૉર્ડ મળ્યો હતો.
પંતજીની રચનાઓ અર્વાચીન ચેતનાનું પ્રતીક ગણાય છે; જેમાં ભૌતિક, નૈતિક અને સામાજિક પાસાંની સાથોસાથ આધ્યાત્મિક ચેતનાને પણ વણી લેવાઈ છે. તેમણે સંકુચિત રાષ્ટ્રવાદ તથા રંગભેદથી પર રહીને વિશ્વમાનવના કલ્યાણની ભાવના રાખી છે. તેમની ગદ્ય-રચનાઓમાં પણ આધ્યાત્મિક ચિંતન તથા ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ જોવા મળે છે. ગદ્યક્ષેત્રે તેમનું પ્રદાન વાર્તાકાર, નાટકકાર, વિવેચક તથા નિબંધલેખક તરીકેનું છે. ‘જ્યોત્સ્ના’ તેમનું શ્રેષ્ઠ પ્રતીકાત્મક નાટક છે. તેમનો વાર્તાસંગ્રહ ‘પાંચ કહાનિયૉં’ નામે પ્રકાશિત થયો છે. ‘સાત વર્ષ, એક રેખાંકન’માં તેમના બાલજીવનના પ્રાકૃતિક અને માનવીય વાતાવરણનું વર્ણન ખૂબ જ સુંદર તથા રોચક શૈલીમાં છે. ‘ગદ્યપથ’માં તેમના વિવેચનાત્મક નિબંધો તથા તે અંગેનાં તેમનાં વલણોનું નિરૂપણ છે. સાહિત્યરૂપોમાં તેમના કવિ તરીકેના વ્યક્તિત્વનો પ્રભાવ જોવા મળે છે. ભાષા-સામર્થ્ય તથા નવી છંદ-દૃષ્ટિ વડે તેમણે ખડી બોલીની કાવ્યગત શક્તિનું સંવર્ધન કર્યું છે.
‘સુમિત્રાનંદન પંત ગ્રંથાવલી’ રૂપે તેમનું સમસ્ત સાહિત્ય પ્રકાશિત થયું છે.
ગીતા જૈન
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે