પંડ્યા, સુધીરભાઈ (પંડ્યા, એસ. પી.) (. 11 જુલાઈ 1928, નડિયાદ; . 30 જૂન 2019) : ભારતના પ્રથમ પંક્તિના ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની. તેમના પિતા પ્રદ્યુમ્ન આણંદજી પંડ્યા ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ સૂરતમાં અને અનુસ્નાતક શિક્ષણ દિલ્હી યુનિવર્સિટીમાં લીધું. પીએચ.ડી.ની ઉપાધિ ન્યૂયૉર્કની રૉચેસ્ટર યુનિવર્સિટીમાંથી મેળવી.

સુધીરભાઈ પંડ્યા

પરમાણુ-ઊર્જા વિભાગના સંશોધન-ફેલો (1950-53), રૉચેસ્ટર યુનિવર્સિટીમાં સ્નાતક મદદનીશ (1953-56), અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL)માં રીડરથી નિર્દેશક અને માનાર્હ પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. આ ઉપરાંત ‘ઇન્સા’(Indian National Science Academy-INSA)ના વરિષ્ઠ વિજ્ઞાની અને સી. એસ. આઇ. આર.(Council of Scientific and Industrial Research)ના સન્માનનીય (emeritus) પ્રાધ્યાપક તરીકે પણ સેવાઓ આપી.

આ દરમિયાન 1967-70 સુધી ઇટાલીના ટ્રીયેસ્ટી ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ફૉર થિયરેટિકલ ફિઝિક્સમાં સંશોધન-મદદનીશ તરીકે કામગીરી બજાવી.

ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ અને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો તરીકે 1974 અને 1985માં તેઓ ચૂંટાયા હતા. ઇન્ડિયન ફિઝિક્સ ઍસોસિયેશન (IPA) અને ઇન્ડિયન ઍસોસિયેશન ઑવ્ ફિઝિક્સ ટીચર્સ(IAPT)ના પ્રમુખ તરીકે અનુક્રમે 1973-75 અને 1989-90માં તેમની વરણી થઈ હતી. ગુજરાત સાયન્સ એકૅડેમીના સ્થાપક સભ્ય અને પ્રમુખ (1980-82) અને ગુજરાત સૌર ઊર્જા સોસાયટીના પ્રમુખ (1980-82) તરીકે પણ રહ્યા હતા.

કમ્પ્યૂટરની મદદથી શિક્ષણ આપવા માટે સંખ્યાબંધ પ્રોગ્રામ તેમણે વિકસાવ્યા છે.

ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના ભૌતિકવિજ્ઞાનના સામયિક ‘પ્રમાણ’નું, સૈદ્ધાંતિક અને પ્રાયોજિત ભૌતિકવિજ્ઞાનના સામયિક તથા ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના સામયિકનું સંપાદનકાર્ય તેઓએ કર્યું.

ન્યૂક્લિયૉન (પ્રોટૉન અને ન્યૂટ્રૉન) વચ્ચે પ્રવર્તતાં બળોની પ્રકૃતિ અને ન્યૂક્લિયર આંતરક્રિયા જાણવા માટે શરૂશરૂમાં તેમણે મેસૉન-ક્ષેત્ર-સિદ્ધાંતને લગતું કેટલુંક કાર્ય કર્યું. પછી ન્યૂક્લિયર બળોના અભ્યાસ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રો. પંડ્યાએ આવર્તક કોષ્ટક(periodical table)ના જુદા જુદા વિભાગો માટે જુદી જુદી નમૂનારૂપ આંતરક્રિયાઓ પસંદ કરી. આ પ્રક્રિયાને આધારે કરેલી ગણતરીઓ વડે ન્યૂક્લિયસના ઊર્જા-સ્તરો, પ્રચક્રણ(spin), સમાનતા(parity) અને ન્યૂક્લિયર સ્થિતિઓની આગાહી સરળ થઈ. ત્યારબાદ તેમની પ્રાયોગિક ચકાસણી કરવામાં આવતી હોય છે.

સ્પેક્ટ્રૉમિટર વડે લીધેલાં અવલોકનોને આધારે અસરકારક ન્યૂક્લિયર આંતરક્રિયા માટે તેમણે નવી પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિમાં અસરકારક આંતરક્રિયાના મુખ્ય ઘટકોને એવા સ્વરૂપે અલગ પાડવામાં આવે છે, જેથી મુક્ત આંતરક્રિયા વડે મળેલા ઘટકો સાથે તેમને સરળતાથી સરખાવી શકાય. તેમણે સૂચવેલ પ્રાચલીકરણ (para-metricization), SU3(સંમિતિનો એક પ્રકાર)નું કાર્ય સમજવા માટે એક સરળ અને સારી પદ્ધતિ છે. આ પહેલાં આ ન્યૂક્લિયર સિદ્ધાંત માટે કાલ્પનિક (fictitious) ચતુર્ધ્રુવી (quodrupole) અને યુગ્મન (pairing) બળોની મદદ લેવાતી હતી. આવા કાલ્પનિક ઘટકોના સંદર્ભમાં વાસ્તવિક આંતરક્રિયા વ્યક્ત કરવા માટે કોઈ સીધો રસ્તો ન હતો. આ સાથે ન્યૂક્લિયસમાં જૂથ-સંમિતિ(group-symmetry)નું અસ્તિત્વ સમજવાનું શક્ય બન્યું. ખાસ કરીને પરમાણુક્રમાંક A  = 90 સુધીની ન્યૂક્લિયસ માટે આ પદ્ધતિ સારું કામ આપે છે.

સ્વ-સંગત ક્ષેત્ર (self-consistent field) સિદ્ધાંત પર આધારિત કાર્યક્રમ તેમણે વિકસાવ્યો છે, જે પ્લાઝ્મા અને ઘનાવસ્થા ભૌતિકવિજ્ઞાનમાં કામ લાગે તેમ છે. હાર્ટ્રી-ફૉક ટૅક્નિકનાં ભિન્ન ભિન્ન કથન તેમણે તૈયાર કર્યાં છે. કવચસિદ્ધાંતની વિન્યાસ-મિશ્રણ (configuration mixing) પદ્ધતિનું હાર્ટ્રી-ફૉક રીતિવાદ (formalism) સાથે જોડાણ એ તેમના કાર્યનો મહત્વનો ભાગ છે.

તેમણે સમૂહ-સિદ્ધાંત (group-theory) અને સાંખ્યિકી યાંત્રિકીના ઉપયોગના આધારે એક પદ્ધતિ વિકસાવી, જેનાથી ચતુર્ધ્રુવીની પ્રબળતા અને વિવિધ અસરકારક આંતરક્રિયાના ઘટકોનો યુગ્મન-અભ્યાસ કરી શકાયો.

આ છે તેમનું સૈદ્ધાંતિક ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે કરેલ સંશોધનકાર્ય, જેની કદર રૂપે ગુજરાત સરકાર તરફથી તેમને 1994માં પ્રતિષ્ઠિત વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પુણે ખાતે યોજાયેલ ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના અધિવેશનમાં ભૌતિકશાસ્ત્ર વિભાગનું સુવર્ણજયંતી વ્યાખ્યાન આપવાનું બહુમાન પણ તેમને મળ્યું હતું.

પ્રહલાદ છ. પટેલ