પંડ્યા, વિઠ્ઠલ કૃપારામ (. 21 જાન્યુઆરી 1923, કાબોદરા, જિલ્લો સાબરકાંઠા; અ. 3 જુલાઈ 2008) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતાનું નામ મેનાબા. 1942માં મૅટ્રિકની પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી. વળી રાષ્ટ્રભાષા કોવિદની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. ગુજરાત તથા હિંદી ચલચિત્રોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામગીરી કરી. લોકપ્રિય કથાસાહિત્યની પરંપરાને વળગી રહીને સાહિત્યસર્જન કરનાર આ વ્યાવસાયિક લેખકની નવલકથાઓ અને વાર્તાસંગ્રહોમાંથી ઊપસી આવતાં પાત્રો સામાન્ય વાચકવર્ગને આકર્ષવામાં સફળ નીવડ્યાં છે.

તેમની નવલકથાઓમાં ‘મીઠાં જળનાં મીન’ (1958), ‘મન, મોતી ને કાચ’ (1960), ‘ચિરપરિચિત’ (1963), ‘દરદ ન જાને કોય’ (1964), ‘નિષ્કલંક’ (1966), ‘મન મેલાં, તન ઊજળાં’ (1968), ‘ગજગ્રાહ’ (1970), ‘આંખ ઝરે તો સાવન’ (1971), ‘સાત જનમના દરવાજા’ (1972), ‘આ ભવની ઓળખ’ (1974), ‘ભીંત વિનાનું ઘર’ (1975), ‘માણસ હોવાની મને બીક’ (1977), ‘આખું આકાશ મારી આંખોમાં’ (1978), ‘અહીં તરસ, ત્યાં વાદળી’ (1980), ‘લોહીનો બદલાતો રંગ’ (1981), ‘શમણાં તો પંખીની જાત’ (1982), ‘યાદોનાં ભીનાં રણ’ (1983), ‘નૈન વરસ્યાં રાતભર’ (1984), ‘લાંછન’ (1987), ‘અંજળપાણી’ (1989), ‘જીવાદોરી’ (1991) વગેરેનો સમાવેશ થાય છે. એમના વાર્તાસંગ્રહોમાં ‘રસિકપ્રિયા’ (1960), ‘અંગૂઠા જેવડી વહુ’ (1965), ‘જખમ’ (1968), ‘આસક્તિ’ (1975), ‘નહિ સાંધો, નહિ રેણ’ (1981), ‘નિરુત્તર’ (1992)નો સમાવેશ થાય છે. ઉપરાંત, ‘ગજરાતી ફિલ્મોના પાંચ દાયકા’ શીર્ષક હેઠળ તેમની ગુજરાતી ફિલ્મોનો પરિચય આપતી પુસ્તિકા 1982માં તથા ‘અસલી નકલી ચેહરા’ શીર્ષક હેઠળ જુદી જુદી વ્યક્તિઓનાં ચરિત્રોનો તેમનો સંગ્રહ 1993માં પ્રકાશિત થયેલ છે. ‘ભીંત ફાડીને ઉગ્યો પીપળો’ તેમની આત્મકથા છે.

તેઓએ 24 વર્ષ ફિલ્મક્ષેત્રે દિગ્દર્શન અને અભિનયમાં ગાળ્યાં હતાં. ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શન તરીકે કાર્ય કર્યું. રાજકપૂર દ્વારા અભિનીત ‘રિપોર્ટર’ ચલચિત્રમાં સહાયક દિગ્દર્શક તરીકે કાર્ય કર્યું હતું. પુનાતરની જાણીતી ગુજરાતી ફિલ્મ મંગળફેરામાં વ્યાજખાઉ શેઠનું પાત્ર ભજવ્યું. ઉપરાંત ફિલ્મ ગોરખધંધા, નારદમુનિ આદિમાં નાનાંમોટાં પાત્રો ભજવ્યાં.

મુંબઈમાં વસેલા આ ગુજરાતી લેખકની 1972માં પ્રકાશિત નવલકથા ‘સાત જનમના દરવાજા’ને 1973માં ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે