પંડ્યા, નિરંજન (જ. 17 જૂન 1955, જેતપુર) : ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમો આપતા જાણીતા કલાકાર. પાંચ ભાઈઓ અને ત્રણ બહેનોનો પરિવાર. અભ્યાસ બી.એ. અને બી.એડ. સુધીનો. થોડો સમય શિક્ષક તરીકે નોકરી પણ કરેલી. માર્ગી સંપ્રદાયના સંસારી શંકરબાપા પાસેથી નાનપણથી ભજનગાયકીના સંસ્કાર મળ્યા. આઠ વર્ષની વયે (1963-64) જિલ્લા-મહોત્સવમાં ભજન-લોકગીતનો શિલ્ડ પ્રાપ્ત કર્યો હતો. તેમના સંગીત ગુરુ વિશારદ શિવકુમાર પંડ્યા હતા. વર્ષ 1980માં આકાશવાણી, રાજકોટ દ્વારા પરંપરાગત ભજનોના ગાયક તરીકે માન્યતા પ્રાપ્ત થયા પછી અમદાવાદ, રાજકોટ અને મુંબઈ દૂરદર્શન પરથી તેમના ભજનગાયકીના કાર્યક્રમો પ્રસારિત થવા લાગ્યા. તેમણે નારાયણ સ્વામી અને કાન દાસ બાપુ સાથે સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. નારાયણ સ્વામી એમને નિરંજન દેવ કહીને બોલાવતા. વર્ષ 1985માં મુંબઈ ખાતેના રાજ રેડિયો દ્વારા અગિયાર ભાગમાં, અમદાવાદ ખાતેના જયશ્રી સાઉન્ડ કંપની દ્વારા અગિયાર ભાગમાં 6 ઓડિયો, 200 વીડિયો સી.ડી. અને 500થી વધુ લાઇવ કાર્યક્રમોની ઓડિયો-વીડિયો સી.ડી. બહાર પડી છે. તેમણે 13-14 વર્ષની વયથી 25 રૂ.થી સાઇકલ પ્રવાસ કરીને સ્ટેજ પ્રોગ્રામ શરૂ કરેલા. ભારતનાં કેટલાંક નગરો બાબા અમરનાથની ગુફા, કૈલાસ તથા માનસરોવર ઉપરાંત લંડન, કૅનેડા, મસ્કત, જોહાનિસબર્ગ, કેન્યા અને ઇન્ડોનેશિયા ખાતે પણ તેમના કાર્યક્રમો પ્રસ્તુત થયા છે.
તેમણે જીવદયાના ઘણા કાર્યક્રમો મારફત ભંડોળ ભેગું કરીને દવાખાનાંઓ, ગૌશાળા, અન્નદાન-ક્ષેત્ર, મંદિરો અને આશ્રમોને તેની સખાવત કરી છે. તેમણે જીવનભર ભજનને જ પ્રાધાન્ય આપ્યું. ભજન સિદ્ધ થશે તો યશ, કીર્તિ અને લક્ષ્મી તો પ્રાપ્ત થશે જ.
મુંબઈના મુલુંડ પરા વિસ્તારમાં ભાનુશાળી સમાજ દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવેલું.
તેમને વર્ષ 2004-05ના ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે