સુએઝ (અખાત) : ઉત્તર આફ્રિકા ખંડના પશ્ચિમ ભાગ અને ઇજિપ્તની પૂર્વ તરફ આવેલા સિનાઈ દ્વીપકલ્પ વચ્ચેનો રાતા સમુદ્રનો નૈર્ઋત્ય ફાંટો. જબલની સામુદ્રધુની ખાતેના તેના મુખભાગથી સુએઝ શહેર સુધીની અખાતની લંબાઈ 314 કિમી. જેટલી છે. આ અખાત સુએઝની નહેર મારફતે ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાય છે. આ અખાતને કાંઠે આવેલી વસાહતો મુખ્યત્વે માછીમારી અને ખાણકામની પ્રવૃત્તિમાં રોકાયેલી છે. 1970 અને 1980ના દાયકાઓમાં તેના કાંઠાઓ નજીક તેમજ તેના તળ હેઠળ તેલના ભંડારો મળી આવ્યા હોવાથી આ વિભાગ તેલ-ઉત્પાદનમાં રાતા સમુદ્રનાં તેલક્ષેત્રો પછીના ક્રમે આવે છે. સિનાઈ દ્વીપકલ્પના કાંઠા પર અબુ ઝનીમાહનું બારું આવેલું છે, જે નજીકની મગેનીઝની ખાણો માટે ઉપયોગમાં લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા