પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

January, 1999

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં વસ્તીનો વધારો થયો, ઔદ્યોગિકીકરણ વધ્યું-વિકસ્યું અને ગ્રામો શહેરોમાં ફેરવાયાં તથા શહેરોની વસ્તી બેહદ વધવા માંડી તેમ તેમ રોકડિયા પાકોની માંગ વધતી ચાલી. વધતી વસ્તી માટેનાં અન્ન-વસ્ત્ર વગેરે પેદા કરવા ખેતીલાયક જમીનની માંગ પણ વધી ગઈ અને તેથી ચરાણ-ક્ષેત્રો ઘટવા લાગ્યાં. પરિણામે એક નવી વિશિષ્ટ આર્થિક સ્થિતિ પેદા થતાં પશુપાલનનાં નવાં દ્વાર ઊઘડ્યાં. પરિવર્તન એક કુદરતી ક્રમ હોઈ વૈજ્ઞાનિક તથા તાંત્રિક વિકાસ તેમજ આર્થિક પરિબળોના ફેરફારોને લીધે પશુપાલનની પદ્ધતિઓ પણ બદલાતી રહે તે સ્વાભાવિક છે.

(અ) ઉષ્ણ કટિબંધમાં ચરિયાણ પર ઢોર, ઘેટાં, બકરાં અને ઊંટઉછેર : ભારત, પાકિસ્તાન સહિત એશિયા તથા આફ્રિકાના દેશોમાં ચરિયાણો (ગૌચર) પડતર જમીનમાં હોય છે. તેમાંથી પશુઓને ઊતરતી કક્ષાનું ચરાણ મળતું અને તે પણ ચોમાસામાં જ. વધુ પડતા પશુભારણ(high stocking density)ને કારણે તથા પશુપાલકોના ભટકુ જીવનને કારણે ચરાણની માવજત ન થવાથી ચરિયાણ ન રહેતાં પડતર જમીનો થઈ છે. તેની સીધી વિપરીત અસર પશુસ્વાસ્થ્ય (હાડપિંજર જેવાં), પશુના આયુષ્ય અને તેની ઉત્પાદકતા પર પડવાને કારણે પશુપાલનનો વ્યવસાય એક દિવસ મોટી સમસ્યારૂપ બનવાની વકી છે. પશુપાલકોએ, સદીઓથી તેમની ગાયોની દૂધ-ઉત્પાદનક્ષમતાના વિકાસ કરતાં તેમનાં વાછરડાં(બળદ)ની કાર્યક્ષમતાના વિકાસ પ્રત્યે વધુ ધ્યાન આપેલું છે.

ઘેટાં-બકરાંનો ઉછેર ચરિયાણ જમીનમાં ઊગતી વનસ્પતિઓ ચરાવીને કરવામાં આવે છે. તેથી ઊન તથા માંસની ઉત્પાદકતા પર તેની અવળી અસર પડેલી છે અને આવક પણ ઘણી ઓછી થઈ ગઈ છે. ઘેટાં-બકરાંના ઉછેરમાં નિયંત્રિત ચરાણ સાથે નવો ઉછેર-અભિગમ અપનાવવો પડશે. હાલમાં બકરાં તથા ઘેટાંનાં માંસનું આંતરરાષ્ટ્રીય બજાર મોટું થતાં નિકાસની શક્યતાઓ વધી છે.

(આ) ઘનિષ્ઠ પદ્ધતિ વડે સંવર્ધન : ગાય-ભેંસ-ઉછેર : દુધાળી ગાયો તથા ભેંસોનો ઉછેર 25થી 100ની સંખ્યામાં વ્યાવસાયિક રીતે ગૌશાળામાં કરવામાં આવે છે. આ દુધાળાં પશુઓને ઉગાડેલો ઘાસચારો, જુવાર, મકાઈ, રજકો વગેરે તથા સુમિશ્રિત દાણ ખવડાવવામાં આવે છે. અછતના સમયે સાયલેજ અને સૂકવેલ ઘાસ-ચારાનો ઉપયોગ કરવામાં આવે છે. બચ્ચાંઓનો કૃત્રિમ ઉછેર દૂધની અવેજીમાં ખાસ પ્રકારના શણ પર થાય છે. આમ, ખર્ચ અને આવકનાં પાસાંઓને ધ્યાનમાં લઈ ઉછેરની વ્યવસ્થા ગોઠવાય છે.

1. ચરિયાણ પર ઘેટાં-બકરાં ઉછેર

ઢોર તથા ઘેટાં-બકરાં ઉછેરવાની ઘનિષ્ઠ પદ્ધતિ (feed lot system) : પાલતુ પશુઓનાં બચ્ચાંને પૂરક દાણ, ઘાસચારો અને રહેઠાણની ગોઠવણ આપીને, મર્યાદિત વિસ્તારમાં ઉછેરી વધુ માંસલ બનાવવામાં આવે છે; જેથી વધુ તથા સારી ગુણવત્તાવાળું માંસ મળતાં વધુ આવક થાય છે. આ ઉછેર-પદ્ધતિમાં મુખ્ય ધ્યેય ખોરાકી ખર્ચ ઘટાડવાનો હોય છે.

(ઇ) પાક-ઉત્પાદન સાથે પશુપાલનનો પૂરક વ્યવસાય/કૃષિગોપાલન/મિશ્ર ખેતી : ધાન્ય પાકો તથા કઠોળ-પાકોની ખેતીમાંથી પ્રાપ્ત થતી આડપેદાશો(દા.ત., કડબ, પરાળ અગર ગોતર)નો ઉપયોગ પશુઓના ખોરાકમાં કાર્યક્ષમ રીતે થાય છે, જેથી દૂધ-ઉત્પાદન-ખર્ચ ઘટતાં વધુ મળતર રહે છે. કૃષિગોપાલનમાં એકલી કૃષિ કરતા એકમ-વિસ્તાર તથા એકમ-ખર્ચની દૃષ્ટિએ 20 %થી 40 % વધુ આવક થાય છે. તેથી આપણા દેશમાં મોટાભાગના નાના સીમાંત ખેડૂતો હોવાથી, ખેતી સાથે પૂરક પશુપાલન વધુ ફાયદાકારક નીવડે છે.

(ઈ) શહેરી વિસ્તારમાં દૂધ-ઉત્પાદન : શહેરોમાં વધતી દૂધની ઊંચી માંગને કારણે શહેર તથા આજુબાજુનાં ગામોમાં ઘનિષ્ઠ પદ્ધતિથી ભેંસઉછેર વ્યવસાય વિકસિત થયો છે. દુધાળાં પશુઓનો ઉછેર ખરીદેલ સૂકા ઘાસની ગાંસડીઓ અગર તો વિવિધ ધાન્ય પાકના પૂળા તથા સુમિશ્રિત દાણ પર કરવામાં આવે છે. દૂધ-ઉત્પાદન માટે મુર્રાહ અને મહેસાણી ભેંસ તથા સાહીવાલ, ગીર જેવી ગાયો મુખ્યત્વે રાખવામાં આવે છે.

મોટેભાગે ઉપરની ઓલાદનાં તાજાં વિયાયેલાં જાનવરોને એમના કુદરતી ઉછેરપ્રદેશમાંથી ખરીદી શહેરોમાં લાવવામાં આવે છે. વસૂકેલાં ઢોર ઘણુંખરું કતલખાને વેચાય છે અને વાછરડાં-પાડાંનો ઉછેર વળતરરૂપ ન હોઈ તેમાં રખાતી બિનકાળજીને કારણે મોટેભાગે તેઓ મરણ પામે છે. આમ શહેરી વિસ્તારમાં દેશની ઉત્તમ દુધાળી ઓલાદોનાં સારામાં સારાં જાનવરો અને તેમના વંશનો નાશ થાય છે. સારું જનીનકીય બંધારણ ધરાવતાં સારી ઉત્પાદનક્ષમતાવાળાં જાનવરોની કતલ થવાથી અને એમનાં બચ્ચાંઓનું અકાળ મરણ થવાથી જનીનકીય વ્યય (genetic drain) થાય છે. આ બાબત પશુધનક્ષેત્રે ભારત દેશ માટે ઘણી નુકસાનકારક અને ખતરારૂપ છે. શહેરી દૂધ-ઉત્પાદકો ગ્રામીણ વિસ્તારોમાં સ્થળાંતર કરે અને વસૂકેલ ગાય-ભેંસોનો, વાછરડી-પાડીઓનો ઉછેર ગ્રામ-વિસ્તારમાં કરે તો ઉત્તમ પશુધનનો નાશ થતો અટકે. આ હેતુથી જ રાષ્ટ્રીય ડેરી વિકાસ સંસ્થા (National Dairy Development Board – NDDB) તરફથી ‘operation flood’ નામની યોજના 1970માં ચાલુ કરવામાં આવી હતી.

(ઉ) શૂકર(ડુક્કર)-પાલન : શૂકર સારી હોજરી (જઠર) ધરાવતું, ઉચ્ચ પોષક માંસ પેદા કરનારું પ્રાણી છે. 1 કિગ્રા. માંસ પેદા કરવા માટે ગાય-ભેંસને 8થી 12 કિગ્રા., ઘેટાં-બકરાંને 5થી 6 કિગ્રા. ખોરાક જોઈએ છે. એના કરતાં ડુક્કર માત્ર 2.5થી 3.5 કિગ્રા. ખોરાકથી એક કિગ્રા. માંસનું ઉત્પાદન કરે છે. તેથી જ્યાં અનાજ સસ્તા ભાવે સુલભ છે, જ્યાં પ્રજાની ખરીદશક્તિ ઊંચી છે અને જ્યાં ભૂંડના માંસનું વેચાણ વધુ નફાકારક થઈ શકે તેમ છે તેવા દેશોમાં ડુક્કર-પાલનનો વ્યવસાય બહુ મોટા પાયા પર ચાલે છે.

(ઊ) મરઘાં-ઉછેર : અંગ્રેજીમાં વપરાતા ‘poultry’ (કુક્કુટ-પાલન) શબ્દમાં, મરઘાં ઉપરાંત, બતક, તેતર, ટર્કી, શાહમૃગ, હંસ અને કબૂતર જેવાં ઈંડાં અને માંસ માટે ઉછેરવામાં આવતાં અન્ય પક્ષીઓનો પણ સમાવેશ થાય છે; પરંતુ પૉલ્ટ્રી-ઉછેરમાં વપરાતાં પક્ષીઓમાં મરઘાંનું પ્રમાણ અતિશય મોટું હોવાથી, પોલ્ટ્રી શબ્દ મરઘાં-સૂચક બની ગયો છે.

2. ઘનિષ્ઠ મરઘાં (પૉલ્ટ્રી) ઉછેર

સામાન્ય રીતે એક મરઘી 5 માસથી 17 માસની ઉંમર સુધીમાં 280થી 300 ઈંડાં આપે છે. માંસ માટે ઉછેરવામાં આવતાં બ્રૉઇલર મરઘાં જેવાં પક્ષીઓ 6થી 7 અઠવાડિયાંની ઉંમરે 2.7થી 3.2 કિગ્રા. ખોરાકના પ્રાશનથી, 1.6થી 1.8 કિગ્રા. શારીરિક વજન પ્રાપ્ત કરે છે. એ રીતે તેમનો માંસલ વિકાસ થતાં વેચવામાં આવે છે. હવે વાણિજ્યિક સંકર (commercial hybrid) પણ ઉપલબ્ધ હોવાથી મરઘાંપાલન વ્યવસાય વધુ નફાકારક બનેલ છે. મરઘાંનો મુખ્ય ખોરાક અનાજ છે. તેથી જ્યાં અનાજ વિપુલ પ્રમાણમાં અને સસ્તું છે, ત્યાં મરઘાંઉદ્યોગ સારી રીતે ફાલ્યોફૂલ્યો છે. ઈંડાં તથા માંસ બંનેની માંગ તથા પ્રજાની ખરીદશક્તિ શહેરમાં વધુ હોવાથી વિશ્વનાં બધાં શહેરોની નજીક આ ઉદ્યોગની સારી જમાવટ થઈ છે. ગામડાંઓને ધ્યાનમાં રાખી, ભારતમાં મરઘાંના આહારમાં દાણાનું પ્રમાણ ઘટાડીને; ચોખાની પૉલિશ, ઘઉંનું થૂલું, ગોળની રસી જેવી સસ્તી ચીજોનો ઉપયોગ કરી તેની ખોરાકની કિંમત નીચી લાવીને, તથા સાદાં મરઘાં-ઘરમાં તેમને ઉછેરીને મરઘાં-ઉછેર વ્યવસાયને ગ્રામીણ સ્તરે આર્થિક રીતે કાર્યક્ષમ બનાવવામાં આવેલ છે. બતકાં-પાલન પણ આદિવાસીના/ગિરિજનના ઉત્કર્ષમાં અગત્યનો ફાળો આપે છે.

(ઋ) સસલાં-પાલન : નાના ખેડૂતો અને આદિવાસીઓ માટે સસલાં-પાલન, થોડા નાણાકીય રોકાણથી સારી આવક મેળવવામાં આશીર્વાદરૂપ સાબિત થયેલું છે. સસલાં-પાલન દ્વારા માંસ, ઊન અને તેની સુંદર રુવાંટીવાળી ચામડી મેળવવામાં આવે છે. તેઓ ફક્ત 2.5થી 3.0 કિલો ખોરાક ખાઈને એક કિલો પોષક સ્વાદિષ્ટ માંસ પેદા કરે છે. માંસ માટે સસલાંની વિવિધ જાતોમાં ન્યૂઝીલૅન્ડ વ્હાઇટ, ગ્રે જાયંટ, વ્હાઇટ જાયંટ, સોવિયેત ચિંચિલા વગેરે ઓલાદો તથા ઊન-ઉત્પાદન માટે અંગોરા સસલાં વધુ પસંદગીપાત્ર છે. તેને સમધાત વાતાવરણ વધુ અનુકૂળ રહે છે. થોડી સારી રહેઠાણ-સુવિધા હોય તો પિંજરાપદ્ધતિથી મોટા પાયે ગુજરાતમાં પણ સસલાં-ઉછેર શક્ય છે. ગુજરાત, રાજસ્થાન જેવા સપાટ પ્રદેશમાં માંસ માટેની ઓલાદનાં અને હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરપ્રદેશમાં ઊન માટે અંગોરા સસલાં રાખી સારો નફો કમાઈ શકાય છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ જેવાં રાજ્યોમાં મોટા પાયા પર સસલાં-પાલનનો ઉદ્યોગ વિકસ્યો છે.

આમ ભારતની ગ્રામીણ સંસ્કૃતિમાં પશુપાલન વ્યવસાય તરીકે પ્રસ્થાપિત થતું જાય છે.

કૃષિ-આબોહવા આધારિત ભારતના પશુપાલન-વિસ્તારો : જે તે દેશ કે રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ, હવામાન તથા કૃષિવિષયક અન્ય પરિબળો અમુક ચોક્કસ પ્રકારનાં પશુધન/પ્રાણીને વધુ અનુકૂળ રહે છે અને તે ત્યાંની આર્થિક સધ્ધરતામાં વધુ નોંધપાત્ર ફાળો આપી શકે છે.

ભારતમાં પશુપાલન તેમજ તે સંબંધિત સંશોધનો માટે અને તે દ્વારા ઇષ્ટ પરિણામો મેળવવા માટે વિવિધ પ્રદેશો કે વિસ્તારોના સંદર્ભમાં અમુકતમુક ચોક્કસ પશુઓ/પ્રાણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે. આ રીતે નિયત થયેલા 15 કૃષિહવામાન-આધારિત પશુપાલન-વિસ્તારો આ સાથે આપેલ સારણી 1 તેમજ નકશામાં દર્શાવેલ છે.

સારણી 1 : ભારતના કૃષિ વ્યવસાયઆધારિત પશુપાલનવિસ્તારો

અનુ.

નં.

ભારતનો વિસ્તાર પર્યાવરણની લાક્ષણિકતા પશુઉછેર-પદ્ધતિ

(સંખ્યાબળ-આધારિત ક્રમ)

 1. હિમાલયનો પશ્ર્ચિમ પ્રદેશ પર્વતીય, અતિઠંડી ઘેટાંઉછેર (ઘેટાં, બકરાં, યાક)
 2. હિમાલયનો પૂર્વ પ્રદેશ પર્વતીય, ભારે વર્ષા બકરાંઉછેર (બકરાં, ઘેટાં, યાક)
 3. ગંગાનો નીચેનો સમતળ પ્રદેશ ગાયઉછેર (ગાય, ઘેટાં, બકરાં, મરઘાં)
 4. ગંગાનો મધ્યવર્તી સમતળ પ્રદેશ મધ્યમ વર્ષા ગાયઉછેર (ગાય, ઘેટાં, બકરાં)
 5. ગંગાનો ઉપરનો સમતળ પ્રદેશ સમતળ, સિંચાઈ-સગવડ ભેંસઉછેર (ભેંસ, બકરાં, ઘેટાં, ગાય)
 6. પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાનનો વિસ્તાર સમતળ, સિંચાઈ-સગવડ ભેંસઉછેર (ભેંસ, ગાય, ઊંટ, ઘેટાં, બકરાં)
 7. પૂર્વ ઊંચાઈવાળો પર્વતીય પ્રદેશ પર્વતીય, મધ્ય/ભારે વર્ષા ગાયઉછેર (ગાય, મરઘાં, ઘેટાં, ભેંસ, બકરાં)
 8. મધ્ય ઊંચાઈવાળો પર્વતીય પ્રદેશ મધ્યમ વર્ષા ઘેટાંઉછેર (ઘેટાં, બકરાં, ભેંસ, ગાય, પૉલ્ટ્રી)
 9. પશ્ચિમ ઊંચાઈવાળો પર્વતીય પ્રદેશ મધ્યમ વર્ષા બકરાંઉછેર (બકરાં, મરઘાં, ગાય)
10. દક્ષિણ ઊંચાઈવાળો પર્વતીય પ્રદેશ મધ્યમ વર્ષા ઘેટાંઉછેર (ઘેટાં, મરઘાં, ભેંસ, ગાય, બકરાં)
11. પૂર્વ સમતળ, ઘાટનો અને સમતળ વિસ્તાર સારો વરસાદ ભેંસઉછેર (ભેંસ, બકરાં)
12. પશ્ચિમ દરિયાને સંલગ્ન સમતળ અને ઘાટનો પ્રદેશ સારો વરસાદ ગાયઉછેર (ગાય, બકરાં, ઘેટાં)
13. ગુજરાતનો સમતળ અને પર્વતીય પ્રદેશ ઓછો અનિયમિત વરસાદ ભેંસઉછેર (ભેંસ, મરઘાં, બકરાં, ગાય, ઊંટ)
14. પશ્ચિમ સૂકો વિસ્તાર મધ્યમ વર્ષા ઊંટઉછેર (ઊંટ, ઘેટાં, બકરાં, ગાય)
15. ટાપુ પ્રદેશ ટાપુ પ્રદેશ ગાયઉછેર (ગાય, ભેંસ, મરઘાં)

ભારતની પશુધન-વસ્તી તથા પશુધન-પેદાશોમાંથી થતી આવક : ભારત અને ગ્રીસ દેશોની વ્યક્તિગત તથા સ્વતંત્ર સંસ્કૃતિ નોંધપાત્ર છે. તેમણે માનવવિકાસથી તેમજ પશુપાલનક્ષેત્રે છેલ્લાં 2,000થી 3,000 વર્ષોમાં થયેલી હરણફાળ પ્રગતિમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. ભારતમાં વર્ષોથી પશુઓનું પાલન અને સંવર્ધન મોટેભાગે વ્યાવસાયિક પશુપાલક વર્ગ (રબારી, ભરવાડ, માલધારી વગેરે) પાસે રહ્યું છે; પરંતુ તેમણે મોટેભાગે નિમ્ન/ઓછી ઉત્પાદકતા ધરાવતા પશુધનની સંખ્યામાં વધારો કરેલ છે.

3. ભારતના કૃષિ-હવામાનઆધારિત પશુપાલન-વિસ્તારો

ભારતની પશુધન-વસ્તી : ભારતમાં ગાય વર્ગનાં પ્રાણીઓની સંખ્યા 1951માં 15.5 કરોડ હતી તે વધીને 1997માં 19 કરોડ જેટલી થઈ છે. ભેંસ (4.4થી વધી 7.9 કરોડ) અને બકરાં(40થી વધી 118 કરોડ)ની વસ્તીમાં 2થી 21 ગણો વધારો થયો છે. ગાય, ભેંસ તથા બકરાંની હાલની વસ્તીસંખ્યા જોતાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. ઘેટાંની વસ્તી પ્રમાણમાં સ્થિર (3.9થી 4.5 કરોડ) રહી છે. સ્વાતંત્ર્યોત્તર 50 વર્ષમાં મરઘાંની સંખ્યામાં 10 ગણો (4.33થી 43.5 કરોડ) વધારો થયો છે.

પશુધન-ઉત્પાદન : વિવિધ દુધાળાં પશુઓમાંથી પ્રાપ્ત દૂધ-ઉત્પાદન જે 1951માં 170 લાખ ટન હતું તે ઉત્તરોત્તર વધીને 1997માં 710 લાખ ટન થયું છે. એ રીતે ભારત દૂધ-ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ નંબરે છે. માથાદીઠ દૈનિક ઉપલબ્ધિની દૃષ્ટિએ જોઈએ તો દૂધની આવક 57 ગ્રામથી વધીને આજે 214 ગ્રામ થઈ છે. ઊન, માંસ તથા ઈંડાંના ઉત્પાદનમાં પણ ભારત અનુક્રમે 3.5, 39.6 અને 14.5 લાખ ટન ઉત્પાદન સાથે, વિશ્વમાં 1.4, 11.7 તથા 37 % ફાળો આપે છે.

પશુધન-પેદાશોમાંથી થતી આવક : ભારતને વિવિધ પશુધન-પેદાશોમાંથી સને 1992-93 દરમિયાન રૂ. 57,681 કરોડની આવક પ્રાપ્ત થયેલી. ખેતી અને સંલગ્ન આવકમાં પશુપાલન 25 % જેટલો મહામૂલો ફાળો આપે છે. વિવિધ આવકસ્રોતોમાં દૂધ-ઉત્પાદન (રૂ. 38,292 કરોડ, 66.3 %) સૌથી મોખરે છે. પછીના ક્રમે માંસ (રૂ. 9,187 કરોડ, 17 %), છાણિયું ખાતર (રૂ. 5,211 કરોડ, 90  %), પશુકાર્યશક્તિ (રૂ. 2,500 કરોડ, 4.3 %) અને ઈંડાં (રૂ. 185 કરોડ, 3.2 %)માંથી પ્રાપ્ત થતી આવક આવે છે. ભારતમાં બળદ, ઊંટ, ગધેડાં, ખચ્ચર, યાક વગેરે પ્રાણીઓ ખેતી-કાર્યો તથા ભારવહનમાં 62 % ફાળો આપે છે. ભારતમાં કૃષિક્ષેત્રે સંપૂર્ણ યંત્રીકરણની શક્યતા ઘણી ઓછી છે, જેથી આ પશુઓની ઉપયોગિતા આવતાં પચાસ વર્ષોમાં પણ નોંધપાત્ર જ રહેશે. આઠમી અને નવમી પંચવર્ષીય યોજનાઓમાં પણ આ બાબતનો વધુ દૃઢતાથી સમાવેશ કરેલ છે.

સને 1994-95 દરમિયાન દૂધમાંથી રૂ. 500 અબજ, ડાંગર- (ચોખા)માંથી રૂ. 493 અબજ, તેલીબિયાંમાંથી રૂ. 260 અબજ તથા ઘઉંમાંથી રૂ. 245 અબજની આવક ભારતને પ્રાપ્ત થયેલી.

ભારતમાં ગ્રામીણ પશુપાલન, સહકારી દૂધ-ઉત્પાદક મંડળીઓ તથા પશુપાલનમાં સ્ત્રીઓનો ફાળો : ભારતમાં રાજાઓ તથા બાદશાહોએ પશુ-ઉત્કર્ષમાં અગત્યનો ફાળો આપેલ છે. ખાસ કરીને ગોપાલન, અશ્વ-પાલન અને ઊંટ-પાલનમાં ઉત્તમ સંવર્ધન તથા માવજત ઉપર ભાર મૂકી ભારતનું પશુધન સારી રીતે સાચવ્યું છે; પરંતુ આ ફાળો કુલ પશુઓની સંખ્યા જોતાં નાનો ને છતાંયે મહત્વનો છે. ભારતમાં સ્વાતંત્ર્ય પૂર્વેના કાળમાં શ્રેણીબદ્ધ દુષ્કાળનાં વર્ષો આવ્યાં; જેમાં છપ્પનિયો દુષ્કાળ મુખ્ય ગણી શકાય. બ્રિટિશ સામ્રાજ્યમાં છપ્પનિયા દુષ્કાળ બાદ સને 1899માં ગુજરાતમાં છારોડી (અમદાવાદ) ખાતે કાંકરેજ ગાયોનું ધણ તથા 1920-23 દરમિયાન બૅંગાલુરુમાં મિલિટરી ફાર્મ્સ ઊભાં કરાયાં. સને 1929માં ઇમ્પીરિયલ સેન્ટર ઑવ્ એનિમલ રિસર્ચ (દિલ્હી) તથા 1941માં ઇમ્પીરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કર્નાલમાં શરૂ થયાં, જે આઝાદી બાદ અનુક્રમે ‘ભારતીય કૃષિ સંશોધન સંસ્થા’ (ICAR) અને ‘ભારતીય ડેરી સંશોધન સંસ્થા’ (NDRI) નામે ઓળખાયાં. ગુજરાતમાં સને 1940માં કૃષિગોવિદ્યા ભવન સ્થપાયું, જે પછી 1972માં ‘ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલય’માં તબદીલ થયું છે.

આ સંસ્થા પશુધન-સુધારણા અને ઉત્પાદન વધારવા માટેના કાર્યક્રમો હાથ ધરે છે. ગુજરાતના આણંદ તાલુકામાં 1930થી 1945 દરમિયાન ડેરી તથા દલાલો દ્વારા ગ્રામીણ પશુપાલકો/દૂધ-ઉત્પાદકો(ખેડૂતો)નું ભરપૂર શોષણ થતું હતું; તેથી સરદાર પટેલના વડપણ હેઠળ સને 1946માં ‘અમૂલ ડેરી’ અસ્તિત્વમાં આવી. તેના માલિક ખેડૂતો છે. ગ્રામકક્ષાએ સહકારી ધોરણે દૂધ ભેગું કરી વિવિધ દૂધપેદાશો બનાવી વેચાણ તેમજ નાણાંની ચુકવણી સુધીની સઘળી કામગીરી આ ડેરી આજે પણ કરે છે. આમ ગ્રામીણ દૂધ-ઉત્પાદકોને ઘેર બેઠાં દૂધ માટે ચોક્કસ અને નફાકારક વેચાણ પ્રાપ્ત થયું, સારો ધંધો મળ્યો તથા તેમનું શોષણ થતું અટક્યું. આ સહકારી ધોરણે ચાલતી દૂધ-ઉત્પાદનની ‘અમૂલ પ્રણાલી’ને દેશવ્યાપી બનાવવામાં આવી છે, જેણે ગ્રામઉત્કર્ષમાં, ગ્રામીણ લોકોના સામૂહિક જીવનના વિકાસમાં મહામૂલું યોગદાન આપ્યું છે.

સ્વતંત્રતા બાદ ડેરીક્ષેત્રે સરકાર દ્વારા વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં વ્યવસ્થિત રીતે કેટલાક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા, જેથી પશુપાલન-વિકાસને વેગ તથા ચોક્કસ દિશા મળી છે. પ્રથમ (1951-56) તથા બીજી (1957-62) પંચવર્ષીય યોજનામાં ‘કી વિલેજ’ યોજના, ‘ગૌશાળા યોજના’, ‘ગૌસદન યોજના’ તથા ‘ધણ-નોંધણી’ વગેરે યોજનાઓ હાથ ધરાઈ. ત્રીજી યોજનામાં ઘનિષ્ઠ પશુ-સુધારણા યોજનાને, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની સ્થાપનાને અને સારા ખૂંટ મેળવવા માટેની સંતતિ-પરીક્ષણ યોજનાને પ્રાથમિકતા અપાઈ. ચોથી યોજનામાં વિવિધ ફાર્મોની સ્થાપના થઈ. વિવિધ પ્રાણીઓ માટે આઇ.સી.એ.આર.ની જુદી જુદી યોજનાઓ હાથ ધરાઈ અને થીજવેલ વીર્યપ્રાપ્તિનાં કેન્દ્રો ઊભાં કરાયાં.

પાંચમી અને છઠ્ઠી યોજનાઓમાં વૈજ્ઞાનિક રીતે પશુઉછેર, સંકરણ-યોજનાઓ, દૂધ-અછત વિસ્તારો માટે ‘ઑપરેશન ફ્લડ’-યોજનાઓ, આરોગ્ય-જાળવણી માટે રોગ-નિદાન પ્રયોગશાળાઓ વગેરેને મહત્વ અપાયું.

4. પશુપાલન-પ્રવૃત્તિમાં વ્યસ્ત મહિલા

સાતમી અને આઠમી પંચવર્ષીય યોજનાઓમાં વિવિધ પશુઓમાં સંકરણ, ઘાસચારા તથા ખાણ-દાણ-ઉપલબ્ધિ, પોષણમૂલ્ય, ઘાસચારા-બૅક, અપ્રચલિત દાણ પર તેમજ પશુચિકિત્સાલય, રોગ-નિદાન-સંકુલો, પશુ-પ્રજનનમાં કૃત્રિમ બીજદાન ઉપરાંત ભ્રૂણ-પ્રત્યારોપણ, ભ્રૂણ-થીજવણી સમજાતકીકરણ (cloning) વગેરેને પ્રાધાન્ય અપાયું. ઘેટાં-પાલકો માટે ઊન-પૃથક્કરણ તથા ખરીદ-વેચાણ-સુવિધાઓ, તથા અછત-સમયે વિવિધ વિસ્તારોમાં દૂધ પૂરું પાડી શકે તેવી ડેરીઓની સ્થાપનાને અગ્રિમતા અપાઈ. વિવિધ જિલ્લાઓની સહકારી ડેરીઓનાં દૂધ અને તેની પેદાશોના વેચાણ-નિયંત્રણ અર્થે વિવિધ રાજ્યોમાં માર્કેટિંગ ફેડરેશનો સ્થપાયાં. વળી વિકસિત અને અલ્પવિકસિત વિસ્તારોમાં સહકારી ધોરણે ડેરીવિકાસ માટે નિગમો પણ સ્થાપવામાં આવ્યાં. દૂધસંગ્રહ તથા લાંબા અંતર સુધી દૂધવહન તેમજ (‘નૅશનલ મિલ્ક ગ્રિડ’ હેઠળ) દૂધ-પુરવઠા-માળખાનું યોગ્ય સંચાલન થતાં ખેડૂતોને દૂધની સારી કિંમત આખુંય વર્ષ મળવા લાગી. ભારતના મોટાભાગના નાના-સીમાંત ખેડૂતો અને ખેતમજૂરો માટે તો આજે પશુપાલન એ આવકનું મુખ્ય સાધન છે. મોટા ખેડૂતોની આવકમાં પણ પશુપાલનનો ફાળો મહત્વનો છે. સહકારી ધોરણે ડેરીવિકાસના કારણે ગ્રામલોકોના સામૂહિક જીવન પર ખૂબ જ સારી અસર થઈ છે. દૂધઉત્પાદનના વધારાના નફાના વિનિમયથી દૂધ-ઉત્પાદક સહકારી મંડળીઓ ગામડામાં વારિગૃહ, નિશાળ, પાકા રસ્તા વગેરે જનોપયોગી રચનાત્મક કાર્યો કરી રહી છે. વળી, ત્રિસ્તરીય (ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ) પંચાયત પદ્ધતિએ પણ આ ભાગીદારીયુક્ત માળખાને કારણે ગામડાંઓની કાયાપલટમાં-ગ્રામોદ્ધારમાં રચનાત્મક બળ પૂરું પાડ્યું છે. 1950થી 1980 સુધી ગામડાંઓ તૂટતાં આવ્યાં હતાં; પરંતુ પશુપાલન અને ગ્રામ-યોજનાઓને કારણે તે તૂટતાં અટક્યાં છે અને તેમનો વિકાસ થતો રહ્યો છે. શહેરીકરણની મનોવૃત્તિ પણ થોડી ઓછી થઈ છે એમ કહેવું અસ્થાને નથી. વર્ષો બાદ ગાંધીજીનું ગ્રામજીવનનું સ્વપ્ન સાકાર થાય તેવા પ્રયત્નો કરાયા છે. ભારતનાં સાત લાખ ગામડાં અને ગ્રામજીવન ભારતીય સંસ્કૃતિના અગત્યના પાસારૂપ છે. દેશના અર્થકારણમાં ઔદ્યોગિક વિકાસ તથા શહેર અગત્યનાં જરૂર છે; પરંતુ ગ્રામીણ સંસ્કૃતિના ભોગે તો નહિ જ.

ભારતીય સંસ્કૃતિમાં તેમજ પશુપાલનમાં સ્ત્રીઓનો ફાળો : સ્ત્રીઓની જાનવરોને પાળવાની સહજ વૃત્તિએ માનવી અને પાલતુ પ્રાણીઓ વચ્ચેનું ભાવાત્મક જોડાણ કેળવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું મનાય છે. પશુઓની માવજત, વ્યવસ્થા તેમજ પાક-ઉત્પાદન(ખેતી-કાર્ય)ને લગતી કામગીરીમાં સ્ત્રીઓ પરંપરાગત રીતે સંકળાયેલી રહી છે. પશુપાલન અને પશુ-ઉત્પાદનમાં જોવા મળતી સિદ્ધિઓમાં પણ તેમનો સિંહફાળો છે. તેથી જ ભવિષ્યમાં તેને લગતી યોજનાઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓના વિચારો, તેમની મુશ્કેલીઓ વગેરેને સમજવાં પડે છે. તેમની મદદથી પશુપાલન અંગેની વિસ્તરણ-પ્રવૃત્તિઓમાં ઇષ્ટ ફેરફારો-સુધારો લાવવાનું પણ સુગમ થાય. આવું થાય તો ગ્રામજીવન વધુ સુખમય બનાવી શકાય. આજે તો સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગવું પ્રદાન કરીને આર્થિક-સામાજિક ઉન્નતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. પશુપાલનની પ્રવૃત્તિ તેમાં અપવાદ નથી (જુઓ સારણી 2).

સારણી 2 : પશુપાલનમાં સ્ત્રીઓનો ફાળો

પાસાં/કુટુંબ પ્રકાર સ્ત્રીઓનો ફાળો (ટકાવારીમાં)
ગરીબ વર્ગ મધ્યમ વર્ગ ધનિક વર્ગ
માવજત સાફસૂફી 100 100 અન્ય 100
ખોરાક (નીરણ- ખાણ-દાણ) 80 80 અ. 90
પાણી 100 90 અ. 100
દોહન 80 90 અ. 100
ચરિયાણ 80 90 અ. 100
બળદ-માવજત 90 અ. 100
આર્થિક દૂધ-નિકાલ/વેચાણ 80 100 50
પશુવેચાણ 80 65 પુરુષ 90
પશુખરીદી 80 80 પુ. 80
સંવર્ધન 80 પુ. 80
રસીકરણ 80 પુ. 90
દાણ-પ્રકાર 80 પુ. 90
ઘાસચારાના પ્રકાર પુ. 80 પુ. 90

ગ્રામોદ્ધારની દિશામાં પશુપાલનનો સંશોધનાત્મક અને સંલગ્ન અભિગમ : ભારતમાં વિવિધ પશુધનોની વસ્તી દુનિયાના વિકસિત દેશોની સરખામણીએ વધુ હોવા છતાં ઉત્પાદનક્ષમતા, પેદાશોની નિર્યાત જેવી બાબતોની સ્થિતિ સંતોષકારક નથી; તેથી ભારત પાસે સદીઓથી રહેલા મહામૂલા પશુધનમાં સંવર્ધનપદ્ધતિઓ દ્વારા તેમજ અન્ય સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરી ઉત્પાદકતા અને ક્ષમતા વધારવા સરકારી તથા બિનસરકારી એકમો હંમેશાં કાર્યરત રહ્યા છે.

(અ) દુધાળાં પશુઓની આનુવંશિક સંવર્ધનાત્મક સુધારણા દ્વારા દૂધ-ઉત્પાદનમાં વધારો : ભારતમાં ગાયોની 21 જાણીતી જાતો/ઓલાદો ઉપરાંત મોટેભાગે કોઈ પણ ઓલાદમાં વર્ગીકૃત ન કરી શકાય તેવી ઘણી ગાયો છે, જેમની ઉત્પાદનક્ષમતા ઘણી ઓછી છે. આથી જર્સી, હોલ્સ્ટેઇન તથા બ્રાઉન સ્વિસ જેવી પરદેશી દુધાળી ઓલાદના સાંઢ કે વીર્યનો ઉપયોગ કરી આપણા દેશની ગાયોમાં સંકરણ દ્વારા દૂધ-ઉત્પાદન વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે. સંકર ગાયોમાં અન્યોન્ય સંવર્ધન (inter-se mating) દ્વારા જરૂરી આનુવંશિકતાનો સુમેળ સાધીને વહેલું પ્રથમ વિયાણ તેમજ દેશી ગાયો કરતાં દોઢથી બેગણું દૂધ તથા 12થી 14 માસનો આંતર-વિયાણ ગાળો મેળવવામાં આવેલ છે.

ભેંસોમાં પણ, કોઈ પણ ઓલાદ સમાવી ન શકાય તેવી ભેંસોમાં સંકરણ દ્વારા સારી ઓલાદનાં ઇચ્છનીય લક્ષણો મેળવી, ઉત્પાદકતા વધારવાના પ્રયત્નો થયા છે. ભારતની બકરીઓમાં આલ્પાઇન, સાનેન અને રોગનબર્ગ જેવી પરદેશી ઓલાદનાં બકરાં/વીર્ય દ્વારા દૂધ-ઉત્પાદન વધારવા માટેના સંકરણ-કાર્યક્રમો આદરવામાં આવેલ છે.

કૃત્રિમ વીર્યદાન ઉપરાંત બહુ અંડપાત તથા ગર્ભ-પ્રત્યારોપણ, વિવિધ પશુજાતો(ઓલાદો)નો જનીનકીય નકશો, જનીન દ્રવ્ય પરિવર્તન-વિયોજન/સંયોજન/ઉમેરણ વગેરે ક્ષેત્રોમાં પણ સંશોધનો હાથ ધરાયાં છે.

(આ) કસદાર પશુપોષણ અને પશુપાલન : ચરિયાણ (ગોચર) અને ઘાસચારા-સુધારણા : સંખ્યાની દૃષ્ટિએ ભારતમાં પશુધન ઘણું સારું છે, જ્યારે તેની પાસે દુનિયાનો માત્ર 2 % ભૌગોલિક વિસ્તાર છે. તેમાં જંગલ, કાયમી ચરાણ, પરચૂરણ પાક આપતી ઝાડવાંવાળી બિનઉપયોગી તેમજ ફાજલ પડેલ જમીન વગેરે (ભારતની કુલ જમીનનો 40 % જેટલો ભાગ) પશુધનને ચરવાના ઉપયોગમાં આવતાં હોવાથી એકમ-વિસ્તારદીઠ પશુઓની સંખ્યા ઘણી વધારે રહે છે અને તે કારણે તેમની ઉત્પાદનક્ષમતા ઘણી ઓછી રહે છે. આ ક્ષતિ માટે ઘાસ-ચારા, ખાણ-દાણની અછત કે અલ્પ ઉપલબ્ધિ મુખ્ય કારણ છે. ભારતમાં ‘ભારતીય ચરિયાણ (ગોચર) અને ઘાસચારા સુધારણા સંસ્થા’ – ઝાંસી ખાતે વર્ષોથી આ અંગેની કામગીરી કરે છે.

ઘનિષ્ઠ અને ગુણવત્તાવાળા ઘાસચારાનું ઉત્પાદન કરવા માટે સુધારેલી જાતોનો ઉપયોગ કરવાનો તથા વિવિધ ઘાસચારા-પાકની ફેરબદલી કરવાનો તેમજ વાર્ષિક-બહુવાર્ષિક (કાયમી) ઘાસચારાનો સંયોજિત ઉપયોગ કરવાનો અભિગમ અપનાવવામાં આવે છે.

ચરિયાણમાં ઘાસ-ઉત્પાદન વધારવા, વાડયુક્ત ચરાણ, અપતૃણ(weed)નું નિયંત્રણ, જમીન-પાણીની જાળવણી (સંગ્રહ, સંભાળ), સુધારેલ ઘાસ-કઠોળ-ચારાનું વાવેતર, ખાતરનો વિવેકપૂર્વકનો ઉપયોગ, બિન-ઉપયોગી સારી જમીનમાં ઘાસ-કઠોળ-ચારા સાથે જમીનની ફળદ્રૂપતા વધારવા બહુહેતુક નાઇટ્રોજન-સંચય કરતાં વૃક્ષોનો ઉપયોગ એટલે કે ‘સિલ્વિયાસ્ટોરલ પદ્ધતિ’ અને સુધારેલ ચરાણપદ્ધતિ જેવાં પગલાં લેવાં હિતાવહ છે. તદુપરાંત ઘાસચારા બક ઊભી કરી અછત-નિવારણ અંગે ઘનિષ્ઠ અભિગમ અપનાવવાનો પણ એક ઉપાય છે.

વિવિધ પ્રાણીઓ જે તે વાતાવરણ સાથે કેમ સારું અનુકૂલન સાધે, જે તે વાતાવરણમાં તેમનું યોગ્ય વર્તન હોય તથા તેમને વધુ સાનુકૂળ રહેઠાણ કેમ મળે, ઠંડી-ગરમી વગેરે સહન કરવાની શક્તિ કેમ વધે અને એ સંદર્ભમાં તેમનાં ભાર-તાણ કેમ ઓછાં થાય અને તેમની ઉત્પાદનક્ષમતા કેમ જળવાય અને વધે તે દિશામાં પણ અનેક સંશોધનો હાથ ધરાયાં છે.

ઘાસચારાની નવી જાતો શોધવાનાં, નિમ્ન કક્ષાનાં યુરિયા તેમજ અન્ય રસાયણો વડે ઘાસચારા(પરાળ)નું પોષણમૂલ્ય વધારવાનાં, જઠરના પરિસ્થિતિતંત્ર (rumen-ecosystem) તથા સૂક્ષ્મ જીવાણુઓ અંગેનાં થયેલાં સંશોધનો પશુઓને સારી રીતે પોષકતત્વો પ્રાપ્ત થાય તેમજ તેમનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે ખૂબ મદદરૂપ પુરવાર થયાં છે.

ભારતમાં દુધાળા પશુધનને મોટેભાગે ધાન્ય-પેદાશો (દા. ત., પરાળ) પર નિભાવવામાં આવે છે. તેથી યુરિયા જેવા ખાતર કે પરાળની ગુણવત્તા વધારીને તેનો ઉપયોગ દૂધ-ઉત્પાદન મેળવવા અને વાછરડી-પાડીના ઉછેર માટે કરી શકાય. હાલના પશુપાલકોએ વધુ પોષક ક્ષમતાવાળું પરાળ પોતાનાં પશુઓને ખવડાવીને દૂધ-ઉત્પાદનક્ષેત્રે સારી પ્રગતિ સાધી છે.

5. ઘાસચારા-પાચનમાં મદદરૂપ થતા જઠરના સૂક્ષ્મ પરોપજીવીઓ

(ઇ) ખોરાકી માંસ-ઉત્પાદન : ઘેટાં, બકરાં તથા મરઘાં સંયુક્ત રીતે ભારતના માંસ-ઉત્પાદનમાં 70 % જેટલો ફાળો આપે છે. અન્ય માંસ પેદા કરતાં પશુઓમાં ભુંડ (ડુક્કર), સસલાં, ભેંસ-પાડા તથા ગાય વર્ગનાં પશુઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં માંસ-ઉત્પાદન માટે સફોક × દેશી ઘેટાંના સંકરણ દ્વારા 6 માસની વયે 30 કિગ્રા. વજન ધરાવે તેવાં ડૉરસેટ ઘેટાં પ્રાપ્ત કરી શકાયાં છે. મારવાડી પાટણવાડી ઘેટાં પણ 6 માસની ઉંમરે યોગ્ય માવજત-પોષણથી 20 કિલો વજન પ્રાપ્ત કરી શકે છે. માંસ માટે મરઘાંની કેટલીક જાતો ખૂબ જ ફાયદાકારક અને સક્ષમ રીતે ઉછેરી શકાય છે. માંસ-ઉત્પાદન વધારવા જમનાપારી તથા બીટલ બકરાંનો ઉપયોગ કરી બૅન્ગાલ, સિરોહી વગેરે બકરાંનું સંકરણ કરવામાં આવે છે. પરદેશી, સંકર અને દેશી ડુક્કર, વિવિધ ઓલાદોનાં (સોવિયેત જાયંટ, ગ્રે/વ્હાઇટ જાયંટ, ન્યૂઝીલૅન્ડ વ્હાઇટ વગેરે) સસલાં તેમજ ભેંસ જેવાંમાં પણ માંસ-ઉત્પાદનક્ષમતા વધારવા અંગેનાં સંશોધનો હાથ ધરાયાં છે.

(ઈ) ઊન, વાળ તથા ખાલ(pelt)નું ઉત્પાદન : ઘેટાં, બકરાં તથા સસલાં – એ ઊન, વાળ તથા ખાલ(ન કેળવેલ ચામડું)ના ઉત્પાદન માટેના અગત્યના સ્રોત છે. ઘેટાંની ભારતીય ઓલાદોનું પરદેશી ઓલાદ (દા. ત., મેરિનો, રૅમબુલે) સાથે સંકરણ કરીને ઊનની ગુણવત્તા તથા જથ્થામાં નોંધપાત્ર વધારો (2થી 2.5 કિગ્રા. વાર્ષિક, 20થી 25 માઇક્રોન તંતુજાડાઈ) કરી શકાયો છે. અંગોરા બકરાંનું દેશી બકરાં (દક્ષિણ, મારવાડી) સાથે સંકરણ કરી વાળની ગુણવત્તા વધારવા(વાર્ષિક 2 કિગ્રા.)ના પ્રયત્નો પણ હાથ ધરાયા છે, જેનાં સંતોષકારક પરિણામો મળ્યાં છે. વિદેશી સસલાં અંગોરાને ભારતમાં સારી રીતે ઉછેરી શકાય છે. તેથી સસલાં-પાલનનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જ્વળ જણાયું છે.

રબારી-ભરવાડ તથા અન્ય વિચરતી જાતિઓ માટે સંકર ઘેટાં-બકરાં વધુ આવકના સ્રોત બન્યાં છે. હાલમાં સસલાં-ઉછેર તથા મરઘાં-ઉછેર અન્ય પશુ-ઉછેર સાથે અનુકૂળ હોઈ આર્થિક-સામાજિક સ્થિતિ સુધારવામાં અગત્યનો ભાગ ભજવે છે.

(ઉ) પશુ-સક્રિય શક્તિ (active power) : ભારતમાં ખેતી અને ભાર-વહન અર્થે જરૂરી શક્તિમાં બળદ (અને પાડા), ઊંટ, ઘોડા, ખચ્ચર વગેરેનો ફાળો અત્યાર સુધી નોંધપાત્ર રહ્યો છે. ભારતીય કૃષિ-પ્રણાલી અને ખેડૂતોની પરિસ્થિતિ જોતાં ભવિષ્યમાં પણ ભારતે કૃષિ માટે પશુશક્તિ પર આધાર રાખવો જ પડશે. હાલમાં ભારતમાં 75 % જેટલી જમીનમાં કૃષિ-વિષયક કામગીરી માટે બળદનો ઉપયોગ થાય છે.

બળદની ખેડકામ અને ભારવહન-કાર્યની ક્ષમતા વધારવાના સંદર્ભમાં તેની દેહરચના(દા. ત., રુધિર અને સ્નાયુ)ને લગતા તેમજ શુદ્ધ ઓલાદો અંગેના જાતિગત અભ્યાસો હાથ ધરવામાં આવેલા છે. સંકર બળદ પણ દેશી બળદ જેટલા સક્ષમ પુરવાર થયા છે. એક બળદ 0.5થી 0.6, એક ઊંટ 0.8થી 2.0 અને એક ગધેડું 0.15 અશ્વશક્તિ (horse-power) પેદા કરે છે. ઊંટગાડીમાં પાકા રસ્તા ઉપર 15 ટન માલ વહન કરી શકાય છે, જેની ક્ષમતા કલાકે 8થી 10 કિમી. જેટલી હોય છે. શહેરોમાં ઊંટલારીઓની સંખ્યા વધી છે. શહેરોમાં માલવહનમાં ગધેડાં અગત્યનાં નીવડ્યાં છે. પર્વતીય પ્રદેશમાં ખચ્ચર ભારવહનનું અતિ અગત્યનું સાધન છે. ગાડાની રચના, ઊંટલારી તથા ગધેડા-ગાડીની રચના વગેરે ઉપર સંશોધનો ચાલી રહ્યાં છે. ગાડાં-લારીઓ જાનવરોને વધુ અનુકૂળ આવે, તે ઓછા શ્રમથી ખેંચાય, તથા તેની પડતર-કિંમત ઓછી થાય તે માટે સંશોધનો ચાલે છે.  માલવહનની દૃષ્ટિએ પણ પશુપાલન એક મહત્વનો ધંધો છે. તેનાથી થતી આવક નાની નથી અને તે બારેય માસ મળી રહે છે.

(ઊ) મરઘાં-બતકાં-પાલન : હાલમાં મરઘાં-પાલનનું મોટા પાયા પર ઉદ્યોગીકરણ થયેલ છે. એક મરઘાં-ફાર્મ પર હવે 50,000થી 1,00,000 મરઘાં-પક્ષીઓ હોવાં એ સામાન્ય બાબત થઈ છે.

ઈંડાં તથા માંસહેતુક (broiler) પક્ષીઓનું વેચાણ મોટા પાયે થાય છે. ધંધાકીય દૃષ્ટિએ ઈંડાંહેતુક મરઘીઓની વિવિધ જાતો બજારમાં ઉપલબ્ધ છે, જે 1 વર્ષમાં 300 ઈંડાં આપે છે. વળી વ્યાવસાયિક બ્રૉઇલર પક્ષીઓ જુદી જુદી સ્ફુટનશાલા (hatchery) દ્વારા બજારમાં પ્રાપ્ય છે, જે 6 અઠવાડિયાંની ઉંમરે 1.6 કિગ્રા. વજન ધરાવે છે. ખોરાકને ઈંડાં કે માંસમાં રૂપાંતર કરવાની તેમની શક્તિ ઘણી જ વધારે હોય છે. મરઘાં-ઘર તથા ખોરાક-માવજતના સંશોધનને પરિણામે ઉત્પાદન ઘણું વધ્યું છે. ભારતનાં ગામડાંઓમાં પણ હવે મોટા પાયે મરઘાંપાલન થવા લાગ્યું છે.

પશુ-ઉત્પાદનમાં સંકલિત દૃષ્ટિકોણ (integrated approach) તથા ગ્રામવિકાસ : કૃષિવિજ્ઞાનમાં થયેલાં સંશોધનોને પરિણામે ભારતે પાક-ઉત્પાદનમાં હરિત ક્રાંતિ(green revolution)થી ઊંચી સિદ્ધિઓ હાંસલ કરી છે. તે જ રીતે પશુ-ઉત્પાદનમાં પણ શ્વેત ક્રાંતિ(white revolution)થી દુનિયામાં ગણનાપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે; તેમ છતાં કૂદકે ને ભૂસકે વધતી જતી માનવવસ્તીને લીધે દેશના વિકાસમાં બાધાઓ આવતી રહે છે. આવા સંજોગોમાં ઘનિષ્ઠ કૃષિ તેમજ અન્ય તત્સંલગ્ન ઘટકો/એકમોને એક નવા અભિગમની જરૂર છે; જેથી વ્યક્તિદીઠ ઉત્પાદકતા કે ઉપલબ્ધિમાં આત્મનિર્ભરતા અને સ્થિરતા મેળવી શકાય.

વિશ્વમાં મર્યાદિત જમીનની ઉપલબ્ધિ માનવવિકાસમાં એક બાધા બની રહેલ છે. વળી પેઢી-દર-પેઢી જમીનો નાના-નાના ટુકડાઓમાં વિભાજિત થતી જાય છે. 1990-91માં સીમાંત (1 હેક્ટરથી ઓછી જમીનવાળા), નાના (1થી 2 હેક્ટરવાળા), અર્ધમધ્યમ (2થી 4 હેક્ટરવાળા), મધ્યમ (4થી 10 હેક્ટરવાળા) અને મોટા (10 હેક્ટરથી વધુ જમીનવાળા) ખેડૂતો અનુક્રમે 59 %, 19 %, 13.2 %, 7.2 % તથા 1.6 % છે, અને ખેડૂતદીઠ સરેરાશ જમીન 1977માં જે 2.3 હેક્ટર હતી તે ક્રમશ: ઘટીને 1990-91માં 1.57 હેક્ટર નોંધાઈ છે. આ ઉપરાંત ઘણા ખેડૂતો તો જમીન-વિહોણા પણ રહી ગયેલા છે. આવી પરિસ્થિતિમાં પાક અને પશુ-ઉત્પાદન વધારવા માટેનો નવો અભિગમ પુનર્વિચારણા માગી લે છે.

ચોમાસુ પાક-આધારિત વિસ્તારોમાં અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં પશુ-ઉત્પાદનનો વ્યવસાય હરણફાળે વધતો જાય છે. વર્ષ દરમિયાન સરેરાશ માત્ર 180 દિવસ જ મજૂરી મળતી હોવાથી જમીનવિહોણાઓ માટે પશુપાલન આવકનું મુખ્ય સાધન બન્યું છે. જે વિસ્તારોમાં પિયતની સગવડ ઉપલબ્ધ હોય ત્યાં ખેતી તેમજ પશુપાલનને એકસરખું મહત્વ અપાતું હોવાનું જાણવા મળે છે. ઉપરની પરિસ્થિતિને પરિણામે ઊપસી આવતું ચિત્ર સારણી 3માં દર્શાવેલ છે.

સારણી 3 : હવામાનની પરિસ્થિતિ મુજબ ખેતી તથા પશુપાલન માળખું

કૃષિ-હવામાનની પરિસ્થિતિ મુખ્ય પાક પ્રાણીઓ ખર્ચ (પ્રમાણ) નિવેશ
સૂકું, અલ્પવર્ષા, જુવાર ઘેટાં-બકરાં, લગભગ નહિવત્
ઓછી પિયત સગવડ બાજરી ઊંટ
અર્ધ સૂકું, મધ્યમ વર્ષા, ઘઉં-બાજરી ગાય-ભેંસ, ઓછો
મધ્યમસર પિયત સુવિધા, મરઘાં
ભેજવાળું, અતિવર્ષા, ડાંગર, ભેંસ, માછલી, વધુ
પુષ્કળ પિયત સગવડ, ફળફળાદિ(બાગાયત) બતક

બહુહેતુક (multi-purpose) અભિગમ : પશુ, પાક (ખેતી) તથા પર્યાવરણ પરસ્પર સંલગ્ન-પરસ્પર આધારિત હોય છે. તેથી તે ત્રણેય અંગેનું સમન્વિત આયોજન પરસ્પરપૂરક અને ફાયદાકારક નીવડે છે.

પશુપાલન અને કૃષિના બહુહેતુક પ્રકારો : (1) પશુપાલન અને કૃષિ-વ્યવસાય (મિશ્ર ખેતી), (2) ગોસંવર્ધન સંલગ્ન વન્ય કૃષિ, (3) ઘેટાં-બકરાંઉછેર અને બાગાયત, (4) ભેંસ-બતકાં-માછલાંઉછેર સાથે ડાંગરની ખેતી, (5) મરઘાં-બતકાં-માછલાંના ઉછેર સાથે ડાંગરની ખેતી, (6) માછલાં અને બતકાંનો ઉછેર.

ત્રિસ્તરીય પશુપાલન-પદ્ધતિઓ : નીચેની સારણી 4માં જમીનધારકો તથા જમીનવિહોણાંઓ માટે સંભવિત/શક્ય ત્રિસ્તરીય પશુપાલન-પદ્ધતિઓ દર્શાવેલ છે :

સારણી 4

અનુ. સ્થિતિ/સ્તર જમીનધારક જમીનવિહોણાં હલન-ચલન
1. ઉચ્ચ-સ્તર મરઘાં-ફાર્મ વરંડામાં મરઘાં, તેતર વગેરે ઊડવું
2. જમીન-સ્તર ગાય-ભેંસ ઘેટાં-બકરાં, ઊંટ-સસલાં, ઘોડા ચાલવું
3. જલ-સ્તર માછલાં પાણી-સંગ્રહ, માછલાં તરવું

રાષ્ટ્રીય કૃષિ-સંશોધન યોજના (મિશ્ર ખેતી) (NARP) હેઠળ, સરદાર કૃષિનગર, ગુજરાત કૃષિ યુનિવર્સિટી (બનાસકાંઠા) ખાતે થયેલાં સંશોધનોનાં પરિણામો નીચે સારણી 5માં આપેલાં છે :

સારણી 5

ડેરી-એકમો
(3) કાંકરેજ ગાય (3) સંકર ગાય (3) મહેસાણી ભેંસ (500) મરઘાં
વાર્ષિક કુલ નફો (પાક તથા પશુ/ પક્ષીમાંથી) રૂ. 22,554 રૂ. 56,922 રૂ. 25,003 રૂ. 27,020
1-રૂપિયાના ખર્ચદીઠ વળતર 1.57 2.2 1.60 1.20

યોજનાનાં છેલ્લાં 7 વર્ષનાં આ અંગેનાં પરિણામો એવો નિર્દેશ કરે છે કે ઉત્તર ગુજરાતમાં એક ખેડૂત પાસે બે હેક્ટર પિયત જમીન હોય તો તે રોકડિયા પાક એરંડા, ઘઉં, રાયડો, ઉનાળુ બાજરી સાથે જેમનું વેતરદીઠ દૂધ-ઉત્પાદન લગભગ 3,000 લી. હોય તેવી ત્રણ સંકર ગાયોના પાલનથી વધુમાં વધુ નફો મેળવી શકે છે.

પશુ-સંશોધન કેન્દ્ર  નવસારી મત્સ્ય-ઉદ્યોગ ઉપરાંત ભેંસ-પાલનના અભ્યાસ સાથે સંકળાયેલું છે. એકલા ભેંસ-પાલનના અભ્યાસ-સંશોધન અનુસાર, મિશ્ર પ્રકારના બહુહેતુક વ્યવસાયથી પશુદીઠ વાર્ષિક નફો દોઢથી બેગણો થયાનું જાણવા મળેલ છે.

પરંપરાગત ખેતી/પશુપાલન કરતાં વૈજ્ઞાનિક ખેતી/પશુપાલનથી ચોક્કસ વધુ ફાયદો થાય છે; પરંતુ વૈજ્ઞાનિક પશુપાલન ખેતી સાથે કરવામાં આવે તો ઓછા ખર્ચે મહત્તમ ફાયદો થાય છે (સારણી 6) નાના સીમાંત ખેડૂતો માટે તો વૈજ્ઞાનિક પશુપાલન આશીર્વાદરૂપ જ છે.

સારણી 6 : વિવિધ પ્રકારના ખેડૂતોને ખેતી, પશુપાલન તથા મિશ્ર ખેતીમાંથી થતી આવક (રૂપિયામાં)

ખેડૂતો પરંપરાગત ખેતી પરંપરાગત પશુપાલન વૈજ્ઞાનિક ખેતી વૈજ્ઞાનિક પશુપાલન વૈજ્ઞાનિક ખેતી + વૈજ્ઞાનિક પશુપાલન
નાના 3,196 3,459 4,057 6,561 10,612
સીમાંત 10,445 10,898 13,629 17,437 22,550
મધ્યમ 17,778 21,493 26,364 36,155 43,126
મોટા 30,360 39,605 41,961 69,632 78,598

પશુસંવર્ધનક્ષેત્રે જૈવ તકનીકી (biotechnology) વડે અપનાવેલ આધુનિક પદ્ધતિ : અંડવિમોચન અને ગર્ભ-પ્રત્યારોપણ (trans- plantation) : ઊંચી ઉત્પાદનક્ષમતા ધરાવતાં માદા પશુઓનો મહત્તમ ઉપયોગ કરવા સૌપ્રથમ અંત:સ્રાવિક સારવાર વડે તેમના શરીરમાંથી અંડપાત કરાવીને, વિમોચિત અંડનું શરીરની બહાર વીર્યદાન વડે સંયોજન કરી ગર્ભ/ભ્રૂણ મેળવવામાં આવે છે.

આવા ગર્ભ/ભ્રૂણનું પ્રત્યારોપણ નિમ્ન ઉત્પાદનક્ષમતા ધરાવતી એક માદાના શરીરમાં કરવામાં આવે છે. ત્યાં ગર્ભનું પોષણ થઈને જન્મેલ સંતાનનું જનીનકીય બંધારણ અંડનું ઉત્પાદન કરનાર માદાના જેવું હશે અને આ સંતાનનો વિકાસ ઊંચી ક્ષમતાવાળા પશુમાં થાય છે.

6. માદા પશુમાં ભ્રૂણ(ગર્ભ)પ્રત્યારોપણ

સમજનીનીકરણ (cloning) : જનીનદ્રવ્યો એકસરખાં હોય તેવાં સજીવોને સમજનીનકો (clones) કહે છે. અલિંગી પદ્ધતિ વડે અથવા તો  લિંગી પ્રજનનમાં શુદ્ધ વંશક્રમ (pure line) પ્રજનન અપનાવીને સમજનીનકો મેળવવામાં વૈજ્ઞાનિકો સફળ નીવડ્યા છે.

દૈહિક (somatic) રંગસૂત્રો ધરાવતાં માદાનાં થાન જેવાં અંગોમાંથી કોષોને અલગ કરીને પેશીસંવર્ધન (tissue-culture) વડે અર્ધસૂત્રણોવાળા કોષો મેળવી શકાય છે. આ કોષોનું સંયોજન તે જ માદાના અંડકોષ સાથે કરવાથી ફલિતાંડો નિર્માણ થઈ શકે છે. આવા ફલિતાંડના બંને કોષોનાં રંગસૂત્રો એકસરખાં હોવાથી આ ફલિતાંડોના વિકાસથી પેદા થયેલાં બાળકો માદાના સમજનીનકો હશે. 1997ના માર્ચ મહિનામાં સફળતાપૂર્વક કરેલા પ્રયોગ વડે ડૉલી નામે ઓળખાતી એક ઘેટીનો જન્મ થયો છે, જેને પિતા નથી અને અલિંગી પ્રજનન વડે જન્મેલી છે.

ફલિતાંડનું વિભાજન બે કોષીય અવસ્થામાં કરવામાં આવતાં અલગ કરાયેલા કોષો એકબીજાના સમજનીનકો હશે. આ બંને કોષોના ગર્ભ-વિકાસથી જો સંતાનો જન્મે તો તેઓ પણ સમજનીનકો હશે; પરિણામે આ બંને નવશિશુઓના વિકાસથી વૃદ્ધિ પામેલાં પશુઓ સરખી ગુણવત્તાવાળાં હોવાનાં.

કૃત્રિમ સ્થાનાંતર (transgenesis) વડે ઇચ્છિત જનીનોને રંગસૂત્રોમાં દાખલ કરી શકાય છે. આ વિશિષ્ટ પ્રકારના જનીનો ઉમેરીને પ્રતિકૂળ પર્યાવરણ/પરિસ્થિતિનો સામનો કરી શકે તેવી પ્રજા મેળવી શકાય છે.

7. રસી-સંશોધન માટે સમજનીનકોનું ઉત્પાદન

ઘણી વાર માનવીનાં લક્ષણોની સરખામણી પશુઓનાં લક્ષણો સાથે કરવામાં આવે છે; જેમ કે ઘોડા જેવો ચપળ, ગધેડા જેવો મૂર્ખ, બળદ જેવો વૈતરો, કૂતરા જેવો વફાદાર વગેરે. પ્રાણીઉછેર અને વર્ણવ્યવસ્થા જેવી પ્રવૃત્તિઓ ગ્રામસંસ્કૃતિને સાંકળતી કડીઓની જેમ એકબીજાં સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ગોપાલક, અજપાલ, અશ્વપાલ, રબારી, ભરવાડ વગેરેના ભટકતા જીવનમાં પશુઓ સાથેની આત્મીયતાના સેતુબંધ જોવા મુશ્કેલ નથી. જૂના સમાજના રાજાઓનવાબો તથા ખેડૂતો પણ સાંસ્કૃતિક પ્રક્રિયાની અંતર્ગત વર્ણવ્યવસ્થામાં સંકળાતાં પશુપાલનને આગવો અભિગમ મળ્યો. ગ્રામવિકાસ તથા ગ્રામસંસ્કૃતિ  આ બંને બળો સંશોધનાત્મક દૃષ્ટિએ પરિવર્તન પામતાં રહ્યાં છે; પરંતુ મુખ્ય બંધારણમાં આમૂલ પરિવર્તન આવવું બાકી છે. ગામડાને શહેરમાં ફેરવવાને બદલે ગ્રામજીવનમાં સુવિધાઓ વધારવાની જરૂર છે. પશુપાલનને અનુલક્ષીને શહેરમાં ચાલતા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના અભિગમે પશુ-ઉત્પાદન કાર્યક્ષમ બનાવવામાં અગત્યનો ફાળો આપેલ છે. તેથી ખેડૂતની આવક વધતાં તેઓ વધુ પ્રયત્નશીલ રહીને ક્રમશ: પ્રગતિ કરતા રહ્યા છે. ભારત મુખ્યત્વે ગામડાંઓનું છે અને રહેશે; તેથી ભારતની પ્રજાનો મોટો ભાગ પણ પશુપાલક અને ખેડૂતોનો હશે.

અશોકભાઈ પટેલ

મહેશ ધનગર