પ્રતિજીવિતા (antibiosis) : બે સજીવો વચ્ચે એકબીજાનો વિરોધ કરે તેવા, પ્રતિરોધાત્મક (antagonistic) પ્રકારના, અંતરજાતીય (interspecific) સંબંધો દર્શાવતો જીવવિજ્ઞાનનો એક પેટાવિભાગ. ઓગણીસમા સૈકામાં જીવવિજ્ઞાનીઓએ જોયું કે એક પ્રકારનો સૂક્ષ્મ જીવ (microbe) બીજા પ્રકારના સૂક્ષ્મ જીવની વૃદ્ધિ(growth)ને અવરોધે છે. આમાં એક સજીવ જાતિ દ્વારા ઉત્પન્ન થતાં કેટલાંક દ્રવ્યો અથવા તેના દ્વારા સર્જાતા પર્યાવરણીય ફેરફારો, બીજી સજીવ જાતિના અસ્તિત્વ માટે હાનિકારક નીવડે છે. આ પ્રકારના પ્રતિરોધાત્મક પારસ્પરિક સંબંધને પ્રતિજીવિતા કહેવામાં આવે છે. વનસ્પતિ દ્વારા થતા રાસાયણિક અવરોધ માટે સી. એચ. મૂલરે (1966) આ શબ્દનો પ્રયોગ કર્યો છે. આ પરિઘટના (phenomenon) સૂક્ષ્મજૈવિક વિશ્વમાં અત્યંત સામાન્ય છે. પેનિસિલિયમ અને સ્ટ્રેપ્ટોમાયસિસ જેવી ફૂગ, ઍક્ટિનોમાયસેટિસ અને બૅક્ટેરિયા દ્વારા પ્રતિસૂક્ષ્મજૈવિક (antimicrobial) પદાર્થો ઉત્પન્ન થાય છે; જે રોગજનક બૅક્ટેરિયા માટે જીવલેણ હોય છે. દા.ત., પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાયસિન, ક્લૉરોમાયસેટિન, સિફૅલોસ્પોરિન. ભૂમિમાં અસંખ્ય સજીવોની જૈવક્રિયાઓને પરિણામે ઉત્પન્ન થતો કાર્બનિક ઍસિડ અને વધારે પડતો કાર્બન ડાયૉક્સાઇડ બીજા સજીવના અસ્તિત્વને હાનિ પહોંચાડે છે.
વનસ્પતિસમાજમાં વસતા સજીવોનાં વિવિધ વૃદ્ધિ-સ્વરૂપો (growth forms) પૈકી કોઈ એક વૃદ્ધિસ્વરૂપ ખૂબ ઊંચાઈ પ્રાપ્ત કરી છવાઈ જાય છે; જેથી તેની નીચે થતી વનસ્પતિજાતિઓને સૂર્યપ્રકાશ મેળવવો મુશ્કેલ પડે છે. આમ નીચેનાં સ્તરોની વનસ્પતિઓના જીવન પર પ્રતિકૂળ અસર પહોંચે છે.
બર્ક હોલ્ડરે (1952) જણાવ્યું છે કે ઍક્ટિનોમાયસેટિસ અને લાઇકેનની 50% જેટલી જાતિઓ અને ઉચ્ચ કક્ષાની ઘણી વનસ્પતિજાતિઓ દ્વારા સ્રવતા પદાર્થોને કારણે ફૂગ અને બૅક્ટેરિયાની વૃદ્ધિ અવરોધાય છે. ક્લૉરેલા વલ્ગારિસ નામની લીલ દ્વારા સ્રવતા પ્રતિરોધક દ્રવ્યથી નિશીઆ ફ્રુસ્ટૂલમ નામની ડાયટોમ લીલની વૃદ્ધિ અટકી જાય છે. ક્લોરેલા, નેવિક્યુલા અને સૅન્ડેસ્મસમાં પુખ્ત સંવર્ધો (cultures) દ્વારા સ્રવતા પદાર્થો પ્રયોગશાળામાં ડૅફનીઆ નામના સ્તરકવચી (crustacean) પ્રાણીની વૃદ્ધિ અવરોધે છે. તળાવમાં માઇક્રોસિસ્ટિસ નામની નીલહરિત લીલ દ્વારા ઉદભવતા હાઇડ્રૉક્સિલ એમાઇન જેવા વિષારી પદાર્થોના સ્રાવથી માછલીઓ અને ઢોર મૃત્યુ પામે છે. ‘લાલ ભરતી’ (red tide) તરીકે જાણીતા દરિયાઈ ડીનોફ્લેજીલેટ માછલી અને અન્ય પ્રાણીઓનો પ્રલયકારી (catastrophic) વિનાશ નોતરે છે.
મૂલર અને સહકાર્યકરોએ – કૅલિફૉર્નિયાની ગીચ ઝાડી(chaparral)માં થતા વર્મવુડ (એક કડવી વનસ્પતિ, નાગદમન) (worm wood, Artemisia californica) અને સેજબ્રશ (sagebrush, Salvia leucophylla) (ભૂખરાં-લીલાં પાંદડાંવાળો એક ખુશ્બોદાર છોડ)નાં ઝાડવાં-ઝાંખરાં(shrub-thickets)માંથી સ્રવતા બાષ્પશીલ ટર્પીન જેવા એલિલોપેથિક (એક છોડમાંથી સ્રવતા અને બીજા માટે હાનિકારક) પદાર્થો કે અવરોધકો વિશે સંશોધનો કર્યાં છે. આ સંશોધકોએ અવરોધકોના માત્ર રાસાયણિક સ્વરૂપ અથવા તેમની દેહધાર્મિક પ્રક્રિયા પર અસર પૂરતો જ અભ્યાસ સીમિત ન રાખતાં તે વનસ્પતિ સમાજનાં બંધારણ અને ગતિકીના નિયમનમાં શો ફાળો આપે છે તે પણ દર્શાવ્યું છે. સુરભિત (aromatic) ક્ષુપની બે ઉપર્યુક્ત જાતિઓ દ્વારા ઉત્પન્ન થતું બાષ્પશીલ ટર્પીન શાકીય વનસ્પતિઓની વૃદ્ધિ અવરોધે છે. આ વિષ (સિનિયોલ અને કૅમ્ફર) પર્ણો દ્વારા સ્રવે છે અને શુષ્ક ઋતુમાં ભૂમિમાં એકત્રિત થાય છે; જેથી પ્રત્યેક ક્ષુપસમૂહની ફરતે પહોળા પટામાં ચોમાસાની ઋતુ દરમિયાન નવા બીજાંકુરોની વૃદ્ધિ અવરોધાય છે. અન્ય ક્ષુપ ફીનૉલ કે આલ્કેલૉઇડ જેવાં દ્રાવ્ય પ્રતિજૈવિકોનો સ્રાવ કરે છે; જેથી પર્યાવરણ ક્ષુપ-પ્રભાવિતા (shrub dominance) માટે અનુકૂળ બને છે.
બળદેવભાઈ પટેલ