પ્રતાપગઢ (1) : ઉત્તરપ્રદેશ રાજ્યનો એક જિલ્લો.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 34´થી 26 11´ ઉ. અ. અને 81 19´ પૂ. રે. થી 82 27 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સુલતાનપુર જિલ્લો, દક્ષિણે અલાહાબાદ જિલ્લો, પૂર્વે જોનપુર જિલ્લો અને પશ્ચિમે ફત્તેહપુર તેમજ વાયવ્યે રાયબરેલી જિલ્લા તેમજ નૈર્ઋત્યે ગંગા નદી સીમા રૂપે આવેલાં છે.
આ જિલ્લાની મુખ્ય નદી સઈ અને ગંગા છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ આ જિલ્લા ખાતે માલવાનો ઉચ્ચપ્રદેશ, વિધ્યાંચલની ટેકરીઓ અને અરવલ્લીની હારમાળા ભેગી થાય છે. આ જિલ્લાનો પશ્ચિમ અને દક્ષિણ ભાગ મેદાની સ્વરૂપે આવેલો છે. પરિણામે આ જિલ્લાનું ભૂપૃષ્ઠ મિશ્ર પ્રકારનું કહી શકાય. આ જિલ્લામાં ગંગા નદી દ્વારા રચિત મેદાનો પણ આવેલાં છે.
આબોહવા – વનસ્પતિ : આ જિલ્લાની આબોહવા સૂકી અને ભેજવાળી છે. એટલે કે ઉષ્ણકટિબંધીય ભેજવાળી છે. ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધુ હોય છે. મોટે ભાગે 38 સે.થી 12 સે. અને શિયાળામાં 30 સે.થી 4 સે. જેટલું અનુભવાય છે. વર્ષાઋતુ દરમિયાન વરસાદ 700 મિમી.થી 1000 મિમી. જેટલો પડે છે.
અહીં સાલ, લીમડો, પીપળો, ટીમરુ, આમળા, આમલી જેવાં સ્થાનિક વૃક્ષો જોવા મળે છે. નીલગાય, ચિત્તલ, જંગલીભૂંડ તેમજ પક્ષીઓની વિવિધતા રહેલી છે.
અર્થતંત્ર : આ જિલ્લો અત્યંત પછાત જિલ્લા તરીકે ગણાતો હોવાથી કેન્દ્ર સરકાર તરફથી તેને આર્થિક સહાય મળે છે. આ જિલ્લાની જમીન ફળદ્રૂપ છે, પરંતુ થોડોક ભાગ જંગલોથી તો કેટલોક ભાગ ક્ષારીય જમીનથી છવાયેલો છે. ખેતીલાયક જમીનમાં ડાંગર, જવ, બાજરી તેમજ હલકા ધાન્યની ખેતી થાય છે. રોકડિયા પાકોમાં શેરડી, કપાસ, તેલીબિયાંની ખેતી થાય છે. આ જિલ્લામાં આમળાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. અને તેની નિકાસ પડોશી જિલ્લા અને રાજ્યોમાં થાય છે. શાકભાજીની ખેતી નદીના પટવિસ્તારમાં વધુ થાય છે. ખેતી સાથે પશુપાલન પ્રવૃત્તિ પણ વિકસી છે.
અહીં ભીંડી (એક છોડ તેના રેસા કાઢીને વિવિધ સામગ્રી બનાવાય છે.) અને કમાવેલાં ચામડાંનું ઉત્પાદન પણ મેળવાય છે. માલવાના ઉચ્ચપ્રદેશના વિસ્તારમાંથી મીઠું, પોટૅશિયમ નાઇટ્રેટ તેમજ ચૂનાખડક જેવી ખનિજીય પેદાશો પણ અહીંથી મેળવાય છે. તેને આધારે પણ નાના ઔદ્યોગિક એકમો ઊભા થયા છે.
પરિવહન : આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 330, 31 અને રાજ્ય ધોરી માર્ગ નં. 128 પસાર થાય છે. ‘ગંગા એક્સપ્રેસ વે’ તેમજ પ્રયાગરાજ-લખનઉને સાંકળતો મહત્ત્વનો માર્ગ પસાર થાય છે. અહીંથી બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થતો હોવાથી પ્રતાપગઢ જંકશન જે 42 જેટલી રેલવેનું સંચાલન કરે છે. આ જિલ્લાના મુખ્ય રેલવે જંકશનમાં પ્રતાપગઢ, ચીલબીલા અને ભૂટિયા મઉ છે. પ્રતાપગઢથી 55 કિમી. દૂર પ્રયાગરાજ હવાઈ મથક આવેલું છે.
વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 3,730 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 32,09,141 છે. શહેરી વસ્તી 1,75,242 છે. સાક્ષરતાનું પ્રમાણ 73.1% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 994 મહિલાઓ છે. પછાત જાતિનું પ્રમાણ 22.10% છે. અહીં હિન્દુઓ અને મુસ્લિમોની ટકાવારી અનુક્રમે 85.11 અને 14,10 છે. મુખ્ય ભાષા હિન્દી (90.74%), અવધિ (6.02%) અને ઉર્દૂ (3.13%) છે. બેલા પ્રતાપગઢ એ આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લામાં 575 શાળાઓ આવેલી છે. જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમાવેશ થાય છે. 514 કૉલેજો આવેલી છે.
આ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં ભક્તિ મંદિર છે. જેની સ્થાપના જગદગુરુ શ્રી ક્રિપાલુજી મહારાજે કરી હતી. તેનું સંચાલન જગદગુરુ ક્રિપાલુ પરિષદ દ્વારા થાય છે. બક્ષી તળાવ પણ ખૂબ જાણીતું છે. આ તળાવમાં મત્સ્યનું પ્રમાણ અધિક રહે છે. બેલા દેવી મંદિર, કિસાન દેવતા મંદિર વગેરે પણ છે. વિશ્વમાં આ સૌપ્રથમ મંદિર છે કે જ્યાં ખેડૂતને દેવતા તરીકે પૂજવામાં આવે છે. મૂર્તિની ઊંચાઈ છ ફૂટ છે. અને તેને રેતીયા ખડકમાંથી કંડારવામાં આવી છે. આ સિવાય મા બરાહીધામ પણ આવેલું છે.
બેલા પ્રતાપગઢ (જિલ્લામથક) : આ શહેર પ્રતાપગઢ જિલ્લાનું જિલ્લામથક અને મુખ્ય શહેર છે.
તે 25 35´ ઉ. અ. અને 81 19´ પૂ. રે. પર આવેલું છે. ગંગા નદીની શાખા નદી સાઈ નદીને કાંઠે વસેલું છે. ગંગા નદીના કાંપ-માટીના નિક્ષેપણને કારણે આ વિસ્તાર નિર્માણ પામેલો છે. આ શહેર સમુદ્ર સપાટીથી આશરે 137 મીટરે આવેલું છે.
આ શહેરનું સરેરાશ તાપમાન 32 સે. જેટલું રહે છે. ઉનાળામાં કેટલીક વખત તાપમાન 36 સે. અને શિયાળામાં 11 સે.થી પણ નીચું અનુભવાય છે. અહીં વાર્ષિક વરસાદ 1000 મિમી. જેટલો પડે છે.
પ્રતાપગઢ જિલ્લાનું મુખ્ય શહેર અને જિલ્લામથક હોવાથી ખેતપેદાશોનું મોટું ખરીદ-વેચાણ કેન્દ્ર છે. શહેરની આજુબાજુ નાનામોટા ઔદ્યોગિક એકમો ઊભા થયા છે. મોટે ભાગે ડાંગર છડવાની મિલ, તેલની મિલ, શેરડી પીલવાનાં કારખાનાં, ખાદ્ય પ્રકમણના નાના એકમો આવેલા છે. પ્રતાપગઢ જિલ્લામાં આમળાનું ઉત્પાદન વધુ લેવાય છે. પરિણામે અહીં આમળામાંથી જેલી, મુરબ્બા, લાડુ, આમળાનો રસ, આમળાનો પાઉડર, આમળાનો ચ્યવનપ્રાસ વગેરે વિવિધ પેદાશો બનાવવાના નાના-મોટા એકમો આવેલા છે. જેની મોટે ભાગે વિદેશોમાં નિકાસ થાય છે.
આ જિલ્લામથક મોટું રેલવે જંકશન ધરાવે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્યના ધોરી માર્ગો સાથે તે સંકળાયેલું છે. રાજ્યપરિવહન અને ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ છે.
જિલ્લામાં કેળવણીક્ષેત્રે તેનું સ્થાન મહત્ત્વનું છે. શાળા અને કૉલેજોની સુવિધા ઉપલબ્ધ છે. આ શહેરનો વિસ્તાર 220 હેક્ટર જેટલો છે. તેની વસ્તી આશરે (2011 મુજબ) 76,835 છે. જેમાં 37,772 પુરુષ અને 34,063 મહિલાઓ છે. સાક્ષરતાનો દર 73% છે. જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષોએ 946 મહિલાઓ છે. આ શહેરમાં હિન્દુઓ 66.27%, મુસ્લિમો 31% જ્યારે અન્ય 2.43% લોકો (ક્રિશ્ચિયન અને શીખ વગેરે) વસે છે. અહીંની મુખ્ય ભાષા હિન્દી છે. અવધિનું પ્રમાણ ઓછું છે.
આ શહેરનું નામ સોમવંશી રાજ્યના રાજા પ્રતાપસિંહ બહાદુરસિંહના નામ ઉપરથી પડ્યું છે. આ રાજા રાજપૂત હતા. તેમના કિલ્લાનું નામ ‘પ્રતાપગઢ મહેલ’ છે. 1928માં બ્રિટિશરોની હકૂમત હેઠળ આવ્યું. 1929ના વર્ષમાં મહાત્મા ગાંધીજીએ આ શહેરની મુલાકાત લીધી હતી.
ગિરીશભાઈ પંડ્યા
નીતિન કોઠારી