પ્રજાસત્તાક : સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના ધોરણબળે મતદારો દ્વારા નિશ્ચિત મુદત માટે ચૂંટાયેલી સરકાર. એવી સરકાર ધરાવતા દેશોને પ્રજાસત્તાક દેશો કહેવામાં આવે છે.

પ્રજાસત્તાકમાં મતદારો સાર્વભૌમ સત્તા ધરાવતા હોય છે તથા રાજ્યનો ચૂંટાયેલ વડો બિનવારસાગત રીતે નિશ્ચિત મુદત માટે પ્રજાના નામે શાસન ચલાવતો હોય છે. આ રીતે ચૂંટાયેલ પ્રમુખ સામાન્ય રીતે નામમાત્રની કારોબારી સત્તાઓ ધરાવતો હોય છે; જેમ કે, ભારતમાં રાષ્ટ્રપ્રમુખ નામમાત્રની કારોબારી સત્તાઓ ધરાવે છે અને કારોબારીની ખરી સત્તાઓનો વાસ્તવિક ઉપભોગ તો વડાપ્રધાન સહિતનું પ્રધાનમંડળ કરે છે. આમાં અમેરિકા જેવા પ્રમુખગત શાસનપ્રણાલીવાળા દેશો અપવાદરૂપ છે. ત્યાં દેશના પ્રમુખ વાસ્તવિક સત્તા ધરાવતા હોય છે.

પ્રજાસત્તાકને એવા રાજકીય સમાજ તરીકે વર્ણવી શકાય કે જે સામાન્ય રીતે લોકશાહી પર આધારિત હોય અને જ્યાં રાજાશાહીને કોઈ સ્થાન ન હોય. પ્રજાસત્તાક સરકારનું સ્વરૂપ લોકશાહી કે બિનલોકશાહી, મતાધિકાર માટેની લાયકાતો, મતાધિકારની કક્ષા તથા મતદારોને પ્રાપ્ત થતા વિકલ્પો પર અવલંબિત હોય છે. કેટલાક દેશો લોકશાહી હોય, પરંતુ ત્યાંની સરકારનું સ્વરૂપ પ્રજાસત્તાક હોતું નથી; દા.ત., બ્રિટનની સરકાર કે જેમાં રાજ્યનો વડો વારસાગત ધોરણે હોદ્દો ધરાવે છે. ક્યારેક પ્રજાસત્તાકનો ખ્યાલ લોકશાહી પ્રજાસત્તાકના ખ્યાલ સાથે સંબંધિત જોવા મળે છે. લોકશાહી પ્રજાસત્તાકમાં લોકો ચૂંટણીઓ, લૉબિઇંગ તથા અન્ય પ્રક્રિયાઓ દ્વારા પોતાના નેતાઓ પર અંકુશ રાખે છે. ચૂંટાયેલા નેતાઓ પ્રજાના પ્રતિનિધિઓ તરીકે હિતોનું પ્રતિનિધિત્વ કરે છે, તેમનાં હિતોની હિફાજત કરે છે ને તે જ તેમનું મુખ્ય કાર્ય હોય છે.

પ્રજાસત્તાક સરકાર ત્રણ સ્વરૂપો ધરાવે છે : (1) પ્રમુખીય પ્રથા, (2) સંસદીય પ્રથા, અને (3) પ્રમુખીય-સંસદીય મિશ્ર પ્રથા. યુ.એસ.માં પ્રમુખીય પ્રથા, ઇટાલી, પશ્ચિમ જર્મની અને ભારતમાં સંસદીય પ્રથા તથા ફ્રાન્સમાં પ્રમુખીય-સંસદીય મિશ્ર પ્રથા કાર્યરત છે. આમાંથી ત્રીજી પ્રથામાં પ્રમુખ અમુક પ્રમાણમાં કારોબારી સત્તાઓ ધરાવતો હોય છે.

લોકશાહી પ્રજાસત્તાક ઉપરાંત સામ્યવાદી પ્રજાસત્તાકમાં અલ્પસંખ્યામાં મતદારો પોતાના નેતાઓને ચૂંટવાનો અધિકાર ધરાવે છે. અહીંયાં સામ્યવાદી પક્ષે ઊભા રાખેલ ઉમેદવારને જ લોકો મત આપી શકે છે. પરિણામે ચૂંટણીમાં મતદારોને સાચો અને સ્વતંત્ર વિકલ્પ પ્રાપ્ત થતો નથી. ચીન જેવા સામ્યવાદી દેશમાં આવી પ્રથા જોવા મળે છે. કેટલાક દેશો બંધારણની ર્દષ્ટિએ પ્રજાસત્તાક હોવા છતાં, વાસ્તવિક સ્વરૂપમાં તે પ્રજાસત્તાક હોતા નથી. લૅટિન અમેરિકન દેશોમાં આવા દાખલા જોવા મળે છે.

પ્રજાસત્તાકનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. ભારતમાં પ્રાચીન કાળમાં બે પ્રકારની સરકારો હતી : (1) રાજાધીન યા રાજાશાહી પર આધારિત, અને (2) ગણાધીન યા પ્રજાસત્તાક. અનેક વ્યક્તિઓવાળા શાસનને ગણાધીન (ગણતંત્ર) કહેવામાં આવતું. પાણિનિએ ગણને સંઘનો પર્યાય માન્યો છે. (संघोद्धौ गणप्रशंसयो:  અષ્ટાધ્યાયી 3, 3, 86). પાણિનિ અને બુદ્ધકાલીન ભારતમાં અનેક પ્રજાસત્તાક રાજ્યો (ગણતંત્રો) અસ્તિત્વમાં હતાં. આમાં લિચ્છવીઓનું પ્રજાસત્તાક સહુથી વધારે શક્તિશાળી હતું. ભારતમાં લગભગ એક હજાર વર્ષ (ઈ. પૂ. 600થી ઈ. સ. 400) સુધી પ્રજાસત્તાકોની ચડતીપડતીનો ઇતિહાસ મળી આવે છે. પ્રજાસત્તાક રાજ્યોનો વિનાશ સમુદ્રગુપ્તના કાળમાં થયો.

પશ્ચિમમાં ગ્રીકકાળમાં પ્રજાસત્તાક રાજ્યો હતાં; દા.ત., ઍથેન્સ, સ્પાર્ટા ઇત્યાદિ. ત્યારબાદ ઈ. પૂ. 509માં સ્થપાયેલ રોમન પ્રજાસત્તાક છેક ઈ. પૂ. 27 સુધી ટકી રહ્યું. રોમન નેતા ઑગસ્ટસે પોતાને સમ્રાટ ઘોષિત કરતાં રોમન પ્રજાસત્તાકનો અંત આવ્યો.

આધુનિક કાળમાં પ્રજાસત્તાક સરકારનો ઉદભવ એ રાજ્યક્રાંતિઓનું પરિણામ છે. 1776માં અમેરિકાના પૂર્વકાંઠા પરનાં 13 સંસ્થાનોએ બ્રિટિશ રાજાની ધૂંસરી ફગાવી દઈને સ્વતંત્રતાનું જાહેરનામું બહાર પાડ્યું. સ્વતંત્રતા બાદ સંસ્થાનવાસીઓએ સરકારના સ્વરૂપ તરીકે પ્રજાસત્તાક સરકારની વરણી કરી, જેમાં રાજ્યનો વડો અને પ્રતિનિધિઓ પ્રજા દ્વારા ચૂંટવામાં આવતા. 1789માં ફ્રાન્સના લોકોએ પણ રાજા લુઈ 16ના શાસનને ફગાવી દઈને ત્યાં પ્રથમ પ્રજાસત્તાકની રચના કરી, જોકે નેપોલિયનના હાથે 1804માં ફ્રાન્સના પ્રજાસત્તાકનું પતન થયું. આજે તો યુરોપમાં ઇંગ્લૅન્ડ, ડચ અન સ્કૅન્ડિનેવિયન રાજાશાહી તંત્રો અપવાદરૂપે અસ્તિત્વમાં છે. જ્યાં રાજાઓ વાસ્તવિક નહિ પણ નામની જ સત્તાઓ ધરાવે છે. વિશ્વના મોટાભાગના દેશોએ પ્રજાસત્તાક સ્વરૂપની સરકાર અપનાવી છે. રાષ્ટ્રકુટુંબમાં સભ્યપદ ધરાવતા મોટાભાગના દેશો પ્રજાસત્તાક ઢબની સરકારો ધરાવે છે.

નવનીત દવે