પ્રચ્છન્નતા (recessiveness) : સજીવોની પ્રથમ સંતાનીય (filial) પેઢીમાં કોઈ એક લક્ષણને અનુલક્ષીને એકત્રિત થતાં બે વૈકલ્પિક જનીનો (Aa) પૈકી પ્રચ્છન્ન જનીન (a) અભિવ્યક્ત ન થવાની પરિઘટના. આ પેઢીમાં અભિવ્યક્ત થતા જનીન(A)ને પ્રભાવી જનીન કહે છે. પ્રભાવી જનીન(A)ની ઉપસ્થિતિમાં પ્રચ્છન્ન જનીન(a)ની અભિવ્યક્તિ દબાય છે. પ્રથમ સંતાનીય (F1) પેઢીનાં સજીવો વચ્ચે અંત:પ્રજનન (inbreeding) કરાવતાં ઉત્પન્ન થતાં દ્વિતીય સંતાનીય (F2) પેઢીનાં સજીવોમાં AA, Aa અને aa પ્રકારનાં જનીન પ્રરૂપ (genotype) પ્રાપ્ત થાય છે. તે પૈકી વિષમયુગ્મી (heterozygous) જનીનો (Aa) ધરાવતાં વાહકો(carriers)ની સંખ્યા પ્રચ્છન્ન સમયુગ્મી (homozygous) સજીવો (aa) કરતાં વધારે હોય છે, અને લક્ષણપ્રરૂપ(phenotype)ની ષ્ટિએ આ વાહકો અભિજ્ઞેય (detectable) હોતા નથી. પ્રચ્છન્ન જનીન (a) માત્ર પ્રચ્છન્ન સમયુગ્મી (aa) સજીવોમાં જ અભિવ્યક્ત થાય છે. આ સમજૂતી સૌપ્રથમ ગ્રેગર જૉન મેંડલે (1866) આપી હતી. પ્રાયોગિક રીતે સંભાવ્ય (potential) વાહક અને પ્રચ્છન્ન સમયુગ્મી સજીવ વચ્ચે થતા સંકરણ દ્વારા પ્રચ્છન્ન જનીનોનું નિર્ધારણ કરી શકાય છે. અજ્ઞાત જનીનપ્રરૂપ ધરાવતા સજીવના પ્રચ્છન્ન સમયુગ્મી સજીવ સાથે થતા સંકરણને કસોટીરૂપ સંકરણ (test cross) કહે છે.
કાર્યની ર્દષ્ટિએ ઘણાં પ્રચ્છન્ન જનીનો નિષ્ક્રિય ઉત્સેચકો કે બંધારણીય પ્રોટીન જેવી અકાર્યશીલ (nonfunctional) નીપજોનું સંકેતન કરે છે. આમ તેમની પ્રચ્છન્ન પ્રકૃતિને કારણે અકાર્યશીલ નીપજોનું નિયંત્રણ થાય છે અને મોટાભાગના કિસ્સાઓમાં સક્રિય અને નિષ્ક્રિય નીપજોના સંયોજનથી કેટલાક પ્રમાણમાં કાર્ય થવાની અપેક્ષા રાખી શકાય છે. સક્રિય નીપજોનું સંકેતન કરતાં જનીનોને ‘પ્રભાવી’ (dominant) અને નિષ્ક્રિય નીપજોનું સંકેતન કરતાં જનીનોને ‘પ્રચ્છન્ન’ જનીનો ગણવામાં આવે છે.
વંશાવલી-અભ્યાસ દ્વારા નીચેની કસોટીઓનો ઉપયોગ કરી મનુષ્યમાં પ્રચ્છન્ન જનીનોની અસર પારખી શકાય છે : (1) પ્રચ્છન્નતાનું લક્ષણ સહોદરો(sibs : એક જ માતા-પિતાનાં સંતાનો)માં જોવા મળે છે; પરંતુ તેમનાં માતા-પિતા કે બીજાં સંબંધીઓમાં પ્રદર્શિત થતું નથી.
(2) આ લક્ષણ સરેરાશ ¼ સહોદરોમાં હોવાની શક્યતા છે. પ્રચ્છન્નતાની વ્યાખ્યાને આધારે આ ધારણા બાંધી શકાય છે. રંગહીનતા (albinism) સાથે સંકળાયેલું જનીન (c) ભાગ્યે જ જોવા મળતું પ્રચ્છન્ન જનીન છે. રંગહીન વ્યક્તિ(cc)ની ત્વચા, વાળ અને આંખની કીકીમાં મેલેનિન નામના રંજકદ્રવ્યની કાં તો વધારે પડતી ન્યૂનતા હોય છે અથવા તેનામાં આ રંજકદ્રવ્યનો સંપૂર્ણ અભાવ હોય છે. રંગહીનતા માટેના વાહકો(Cc)ના અંત:પ્રજનનથી ઉદભવતી સંતતિઓનું પ્રાગુક્ત (predicted) પરિણામ નીચેની આકૃતિમાં આપવામાં આવ્યું છે :
એક કૉકેસિયન કુટુંબમાં (આકૃતિ 2) છ પૈકી બે વ્યક્તિઓ રંગહીન જોવા મળે છે. માતા-પિતામાં કૉકેસિયન પ્રજા જેવી રંજકદ્રવ્યની માત્રા હતી. પરંતુ તેઓ વાહક હોવાથી બંનેનો જનીનપ્રરૂપ Cc હતો.
તેમનાં પ્રચ્છન્ન જનીન(c)નું પ્રેષણ બે પુત્રોમાં થતાં તેઓ રંગહીન જોવા મળે છે (આકૃતિ 3 : III-5 અને III-13).
III-5નાં લગ્ન વાહક સ્ત્રી સાથે થયાં હોવાથી તેમના દ્વારા પાંચ રંગહીન અને બે સામાન્ય સંતાનોનો જન્મ થાય છે. વંશાવલી પરથી પ્રચ્છન્નતા શોધવાની પ્રથમ કસોટી માટે આ ઉદાહરણ અપવાદરૂપ છે અને તે કસોટીરૂપ સંકરણ પ્રકારનું છે. જોકે તે સંકરણમાં અર્ધાં રંગહીન (cc) અને અર્ધાં રંગવાળાં (Cc) સંતાનો અપેક્ષિત હોય છે.
ભાનુકુમાર ખુ. જૈન