હોરે, સોમનાથ (જ. 1921, ચિત્તાગોંગ; અ. 2006, બંગાળ) : અગ્રણી ભારતીય શિલ્પી અને ચિત્રકાર. એ અલ્પમતવાદી (minimalist) શિલ્પસર્જન માટે જાણીતા છે. કૉલકાતાની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં તેમણે કલાનો અભ્યાસ કર્યો. વિશ્વભારતી યુનિવર્સિટીના કલાભવનમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ શાંતિનિકેતનમાં શિલ્પનું અધ્યાપન કર્યું.
સોમનાથ હોરેએ દોરેલું એક ચિત્ર
દિલ્હીની કેન્દ્રીય લલિતકલા અકાદમીએ 1960, 1962 અને 1963માં તેમને નેશનલ ઍવૉર્ડથી નવાજ્યા છે. દિલ્હીની લલિતકલા અકાદમીમાં તેમજ દિલ્હીની નેશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમની શિલ્પકૃતિઓ કાયમી ધોરણે પ્રદર્શિત છે. તેમને 2007માં પદ્મભૂષણ (મરણોત્તર) પણ એનાયત થયો હતો.
અમિતાભ મડિયા