હોયલે, એડમન્ડ (જ. 1671/72; અ. 29 ઑગસ્ટ 1769, લંડન) : ગંજીપત્તાની રમત વિશે વ્યાવસાયિક રીતે લખાણ કરનાર પ્રથમ અંગ્રેજ લેખક. તેમણે રચેલા ‘વ્હિસ્ટ’ના નિયમો ‘એકૉર્ડિન્ગ ટુ હોયલે’ તરીકે જાણીતા થયા છે એ રીતે હોયલેના બનાવેલા નિયમોનો દુનિયાભરમાં બધે સ્વીકાર થયો છે.
એડમન્ડ હોયલે
હોયલે 70 વર્ષના થયા ત્યાં સુધી તેમને ભાગ્યે જ પાનાં રમનારા ઓળખતા હતા. જોકે તેઓ બૅરિસ્ટર તરીકે વકીલાત કરતા હતા. પોતાના વિદ્યાર્થીઓ (પાનાંની રમતના રસિયાઓ માટે તેમણે ‘અ શૉર્ટ ટ્રીટાઇઝ ઑન ધ ગેમ ઑવ્ વ્હિસ્ટ’ (1742) પુસ્તિકા લખી, જેની 13 આવૃત્તિઓ તો તેમના જીવન દરમિયાન થઈ હતી. 1760માં તેમણે કેટલાક નિયમોને સુધારીને મૂક્યા અને છેક 1864 સુધી તે પ્રમાણભૂત નિયમો તરીકે પાળવામાં આવતા. જોકે લંડનની આર્લિન્ગ્ટન અને પૉર્ટલૅન્ડની વ્હિસ્ટ ક્લબોમાં 1864માં નવા નિયમો બનાવવામાં આવ્યા. તેમને ગંજીપત્તાના ખેલાડીઓએ અપનાવ્યા એટલે હોયલેના બનાવેલા નિયમો બાજુ પર મુકાયા. ‘ધ શૉર્ટ ટ્રીટાઇઝ’નું ભાષાંતર ફ્રેન્ચમાં 1764માં અને જર્મન ભાષામાં 1768માં થયું હતું.
હોયલેના રચેલા નિયમો અને વ્યૂહરચના ‘બૅકગૅમોન’ની રચના તરીકે છેક 1743થી બહુધા અમલમાં છે. હોયલેએ ‘ચેસ’(શેતરંજ)ની (1761) રમત વિશે તેમજ બીજી રમતો વિશે પણ લખ્યું છે. સંભવિત હોય તેવી ઘટનાઓ વિશે તેમણે સવિસ્તર અભ્યાસ કરેલો. 97 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. રિચર્ડ એલ. ફ્રે., આલ્બર્ટ એચ. મોરહેડ અને જ્યૉફ્રી મોટ્ટ સ્મિથે સંપાદન કરેલ. ‘ધ ન્યૂ કમ્પ્લીટ હોયલે’માં 600થી વધુ રમતો વિશે હોયલેએ કરેલ સંશોધનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘એકૉર્ડિન્ગ ટુ હોયલે’(1965; 1970)નું સંપાદન ફ્રેએ કર્યું છે. તેમાં 300 જેટલી રમતોના પ્રકાર અને નિયમોનું બયાન છે.
વિ. પ્ર. ત્રિવેદી