હૈલાકાંડી (Hailakandi)

February, 2009

હૈલાકાંડી (Hailakandi) : આસામ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો નાનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 41´ ઉ. અ. અને 92° 34´ પૂ. રે.ની આજુબાજુનો 1327 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચાર જિલ્લો, પૂર્વમાં કચાર જિલ્લાનો ભાગ અને મિઝોરમ રાજ્ય, દક્ષિણે મિઝોરમ રાજ્ય તથા પશ્ચિમે કરીમગંજ જિલ્લો આવેલાં છે. જિલ્લામથક હૈલાકાંડી કચાર જિલ્લાના જિલ્લામથક સિલચરથી નૈર્ઋત્યમાં 54 કિમી. અંતરે આવેલું છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ ઊંચી ટેકરીઓ, નીચી ભૂમિ અને સમતળ મેદાનોથી બનેલું છે. હૈલાકાંડી ખીણની પશ્ચિમે આવેલી સરસપુર ટેકરીઓ બરાક નદી સુધી સળંગ ચાલી જાય છે. બરાક નદીની આજુબાજુનો ઉત્તરથી દક્ષિણનો પ્રદેશ કાંપની જમીનોના સમતળ પ્રદેશમાંથી ઊંચકાતી નીચી છૂટક છૂટક ટેકરીઓથી છવાયેલો છે. આ ટેકરીઓને અહીંની સ્થાનિક ભાષામાં ટીલા કહે છે. બરાક નદી અહીંની એક માત્ર નદી છે.

ખેતી–પશુપાલન : ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે. તે વર્ષમાં ત્રણ વાર લેવાય છે. આ ઉપરાંત ઘઉં, મકાઈ, બાજરી, કઠોળ અને તેલીબિયાંના પાકો પણ લેવાય છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં, મરઘાં-બતકાં અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. માછીમારી તથા રેશમના કીડાના ઉછેરની પ્રવૃત્તિ પણ અહીં કરવામાં આવે છે.

હૈલાકાંડી

ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં ખાદ્યપેદાશોના, લાકડાં અને લાકડાંની પેદાશોના, કાગળ અને કાગળની પેદાશોના અને વીજળીના ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઉપરાંત હાથસાળના તાલીમ તેમજ નિદર્શનનાં કેન્દ્રો તથા વણાટકામનાં મથકો પણ છે.

અહીંથી ખેતીની પેદાશો અને પશુઓ અન્ય જિલ્લાઓમાં જાય છે. કાટલીચેરા અને લાલાબજાર અહીંનાં મુખ્ય વેપાર-કેન્દ્રો છે. જિલ્લામાં 17 જેટલા ચાના બગીચા છે. અહીંથી કાગળ અને તેની પેદાશો, હાથસાળનું કાપડ અને મસાલાની નિકાસ થાય છે; જ્યારે ચોખા અને કેરોસીનની આયાત થાય છે.

પરિવહન–પ્રવાસન : જિલ્લામથક હૈલાકાંડી સિલચર સાથે સડકમાર્ગોથી જોડાયેલું છે. રસ્તાઓની કુલ લંબાઈ 450 કિમી. છે, તે પૈકી 108 કિમી.ના રસ્તા પાકા અને 342 કિમી.ના કાચા છે. બદરપુર અહીંનું નજીકમાં નજીકનું રેલમથક છે.

હૈલાકાંડી નગરની આજુબાજુ મંદિરો આવેલાં છે. બરાક નદીના ડાબા કાંઠે આવેલા બદરપુર ઘાટ રેલમથકથી પૂર્વમાં સિદ્ધેશ્વર શિવમંદિર છે. લાલાબજારથી નૈર્ઋત્યમાં દોઢ-બે કિમી.ને અંતરે તથા હૈલાકાંડી નગરથી 20 કિમી.ને અંતરે દસમી સદીનું બિશ્ર્નુપુર શિવમંદિર છે, જેમાં કાળા પથ્થરનું પ્રાચીન શિવલિંગ છે. શિવમંદિર ખાતે શિવરાત્રીનો મેળો ભરાય છે. વળી અહીં દર વર્ષે બિથુ નામનો લોકપ્રિય કૃષિમહોત્સવ પણ યોજાય છે, તેમાં જિલ્લાના ઘણા લોકો ભાગ લે છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 5,42,978 જેટલી છે. તે પૈકી હિન્દુ અને મુસ્લિમ વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન અને શીખ લોકોનું પ્રમાણ ઓછું છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 45 % જેટલું છે. આ જિલ્લામાં એક હૉસ્પિટલ અને 4 ગ્રામીણ કુટુંબ-કલ્યાણ-યોજનાનાં કેન્દ્રો છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક ઉપવિભાગ તથા ચાર મંડળો અને ત્રણ સમાજઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં બે નગરો અને 330 (3 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : નજીકના ભૂતકાળ સુધી આ જિલ્લો કચાર જિલ્લાનો એક ભાગ હતો અને અહીં કચારી રાજાઓનું વર્ચસ્ હતું. કામરૂપનો દેશનિકાલ પામેલો રાજકુમાર આ પ્રદેશમાં આવીને વસેલો. વાસ્તવમાં કચારી લોકો ડિમસા નામથી પણ ઓળખાતા અને તે બોડો જાતિની એક ઉપજાતિના જ હતા. આ જાતિનું મૂળ ચીનની યાંગત્ઝે કિયાંગ અને હોઆંગહો વચ્ચેનું ગણાય છે. તેઓ આસામ આવીને વસેલા; એટલું જ નહિ, તેઓ છેક દક્ષિણ તરફ તિપેરા ટેકરીઓ સુધી વિસ્તરેલા. 1854માં આ પ્રદેશ બ્રિટિશ હકૂમત હેઠળ ગયેલો.

ગિરીશભાઈ પંડ્યા