હૈનાન (Hainan) : દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલો ચીનનો બીજા ક્રમે આવતો મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે આશરે 18°થી 20´ ઉ. અ. અને 108°થી 111´ પૂ. રે. વચ્ચેનો લગભગ 34,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. 2000 મુજબ, તેની વસ્તી 78,70,000 જેટલી છે. હાઇકોઉ તેનું પાટનગર છે. ઉત્તર તરફ તે હૈનાનની સામુદ્રધુની દ્વારા ચીનની મુખ્ય ભૂમિથી અલગ પડે છે, તેની વાયવ્ય તરફ ટોંકિનનો અખાત આવેલો છે. બાકીની બધી દિશાઓ તરફ દક્ષિણ ચીની સમુદ્ર આવેલો છે.
1987માં તે વિશિષ્ટ આર્થિક પ્રાદેશિક વિભાગ તરીકે ગણાતો હતો. 1988માં તેને ગુઆન્ગડોંગથી અલગ પાડીને તેનો નવો પ્રાંત રચવામાં આવ્યો છે.
ગિરીશભાઈ પંડ્યા