હૈદરાબાદ (પાકિસ્તાન) : પાકિસ્તાનના સિંધ પ્રાતમાં, સિંધુ નદીને કાંઠે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 25° 22´ ઉ. અ. અને 68° 22´ પૂ. રે.. તે સડકમાર્ગો તેમજ રેલમાર્ગોનું જંક્શન હોઈ, આજુબાજુના પ્રદેશો માટે મહત્વનું વેપારી મથક બની રહેલું છે. અહીંથી એક તરફ પેશાવર સુધી અને બીજી તરફ કરાંચી સુધી રેલમાર્ગ જાય છે.
શહેરમાં સિંધુ નદીના કાંઠા પર સિંધ યુનિવર્સિટી આવેલી છે. આ ઉપરાંત અહીં સાથે જ લિયાકત મેડિકલ કૉલેજ તથા ઘણી સરકારી કૉલેજો પણ છે.
અહીંના ઉદ્યોગોમાં કપાસનું જિનિંગ, ચોખાની અને તેલની મિલો તથા ચામડાં કમાવવાના એકમોનો સમાવેશ થાય છે. કૃષિયંત્રસામગ્રી અને સિમેન્ટનું ઉત્પાદન પણ થાય છે.
સિંધ યુનિવર્સિટી
આ શહેર તેના ભરતકામ તેમજ ચામડા પર થતી કારીગરી માટે જાણીતું છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, આ શહેર સરફરાઝખાને 1782માં એક કિલ્લા તરીકે બાંધેલું.
ગિરીશભાઈ પંડ્યા